કોલકત્તાઃ તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અર્પિતા ઘોષે રાજીનામુ આપી દીધુ છે. અર્પિતા ઘોષના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષે મંજૂર કરી લીધું છે. આ સંબંધમાં બુધવારે રાજ્યસભા સચિવાલય તરફથી જાણકારી આપવામાં આવી છે. અર્પિતા ઘોષને લઈને જે નોટિફિકેશન રાજ્યસભા સચિવાલય તરફથી જાહેર કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે ટીએમસી સાંસદના રાજીનામાને રાજ્યસભા અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ મંજૂર પણ કરી લીધુ છે. અર્પિતા ઘોષે અચાનક રાજીનામુ આપી પાર્ટીના ઘણા નેતાઓને ચોંકાવી દીધા છે. અર્પિતા ઘોષ રાજ્યસભામાં પશ્ચિમ બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે અર્પિતા ઘોષ તે સાંસદોમાં સામેલ હતા જેના પર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન હંગામો કરવા અને માર્શલો સાથે ઘર્ષણનો આરોપ લાગ્યો હતો. આ મામલામાં અર્પિતા ઘોષને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી યોજાવાની છે. તેવામાં અર્પિતા ઘોષના રાજીનામાને લઈને રાજકીય વિશ્લેષક પોત-પોતાની રીતે વિશ્લેષણ કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ 2020માં દેશમાં દરરોજ 80 હત્યા અને 77 બળાત્કારના કેસ નોંધાયા, રાજસ્થાન અને UP અપરાઘમાં સૌથી આગળ


થિએટર ડાયરેક્શન અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા રહેલા અર્પિતા ઘોષે 2010માં પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી તે પણ કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટી હાઈ કમાન્ડના આદેશ પર તેમણે રાજીનામુ આપ્યું છે. રિપોર્ટ પ્રમાણે અર્પિતા ઘોષને સંગઠનની જવાબદારી આપવામાં આવશે. ટીએમસી સૂત્રોએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં તેઓ સંગઠનમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 


મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટ પર પેટાચૂંટણી પહેલા અર્પિતા ઘોષે આ રાજીનામુ આપ્યું છે. ભવાનીપુર સીટથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યાં છે અને આ ચૂંટણીમાં મુખ્યમંત્રીની ખુરશી બચાવવા તેમણે જીત મેળવવી જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube