કોલકત્તા : પશ્વિમ બંગાળ હવે બાંગ્લા બનવા જઇ રહ્યું છે. રાજ્ય સરકારે આ અંગેનો પ્રસ્તાવ વિધાનસભામાં પસાર કરી દીધો છે અને સહમતિ માટે કેન્દ્ર સરકારને મોકલાશે. આ સાથે એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે હવે દરેક ભાષામાં આ બાંગ્લા જ કહેવાશે. બે વર્ષ પહેલા મમતા બેનર્જીએ નામ બદલવા પ્રયાસ કર્યો હતો પરંતુ આગળ વધી શક્યા ન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તવમાં તૃણમુલ કોંગ્રેસ સરકારે અલગ અલગ ભાષામાં રાજ્યના ત્રણ નામ સુચવ્યા હતા. બંગાળી ભાષામાં બાંગ્લા, હિન્દીમાં બંગાલ અને અંગ્રેજીમાં Bengal નામનો પ્રસ્તાવ રાજ્ય સરકારે આપ્યો હતો. પરંતુ એ બાદ કેન્દ્ર સરકારે એકરૂપતાના આધારે નામ રાખવાનું સુચન મોકલ્યું હતું. જે તર્જ પર નવા નામ બાંગ્લા અંગેનો પ્રસ્તાવ પસાર કરાયો છે. 


મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નામ બદલવાનો વિચાર એ વખતે રજૂ કર્યો હતો કે રાજ્યોની યાદીમાં પશ્વિમ બંગાળનું નામ સૌથી નીચે આવતું હતું. જેને કારણે બેઠકોમાં મુખ્યમંત્રીને બોલવાનો નંબર સૌથી છેલ્લે આવતો કે ક્યારેક તો આવતો જ નહીં. 


અહીં નોંધનિય છે કે, અત્યારે બાંગ્લા ભાષામાં રાજ્યનું નામ પશ્વિમ બંગ કે પશ્વિમ બાંગ્લા છે. આ પહેલા બુધ્ધદેવ ભટ્ટાચાર્યના વડપણવાળી પૂર્વવર્તી ડાબેરી મોરચાની સરકારે આ પહેલા નામ બદલીને પશ્વિમ બંગ રાખવાની ભલામણ કરી હતી. જોકે આ મુદ્દે છેવટે સહમતિ સધાઇ ન હતી. 


1947માં આઝાદી અને દેશના વિભાજન બાદ બંગાલ પ્રાંતનું પણ વિભાજન થયું હતું. જે ભાગ ભારત સાથે રહ્યો એને પશ્વિમ બંગાળ અને જે ભાગ પાકિસ્તાનમાં ગયો એ પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાવા લાગ્યો. પૂર્વી પાકિસ્તાનનો એ ભાગ આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.