હવામાન વિભાગે રાજધાની દિલ્હીના તાપમાનમાં સારા એવા ઘટાડાનું અનુમાન કર્યું છે. IMD નું કહેવું છે કે દિલ્હીનું તાપમાન 9થી 25 ડિગ્રી વચ્ચે રહેશે. શુક્રવારે દિલ્હીનું તાપમાન વધુમાં વધુ 27 ડિગ્રી સુધી નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગે આઠ રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અનુમાન છે કે શનિવાર અને રિવારે તમિલનાડુ, કેરળ, અને પુડુચેરીમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે. કેરળમાં વરસાદની સાથે ભારે પવન પણ  ફૂંકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં ક્યાં પડશે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશ, ગોવા, વિદર્ભ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિયાળ કર્ણાટક, પુડુચેરી, કેરળ અને તમિલનાડુમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે રાજધાની દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે. તેનાથી દિલ્હીને પ્રદૂષણમાં રાહત મળી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ મરાઠાવાડા અને મધ્ય પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમ ધ્ય પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સાથે જ કરા પણ પડી શકે છે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ફરીથી ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે. જો કે પશ્ચિમ ડિસ્ટર્બન્સના કારણે થોડી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઝારખંડમાં 26 નવેમ્બરના રોજ હળવા દબાણનું ક્ષેત્ર બનશે. આ ઉપરાંત ગુજરાત-મહારાષ્ટ્ર અને ગોવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મરાઠાવાડા અને મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેનાથી હળવો વરસાદ જોવા મળી શકે છે. પશ્ચિમી હિમાલય વિસ્તાર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. 


હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 27 નવેમ્બરના રોજ ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓ પર કરા પણ પડી શકે છે. આંદમાન સાગરની આજુબાજુ ચક્રવાતી પવન પણ ફૂંકાઈ શકે છે. આંદમાન નિકોબર ટાપુઓમાં અનેક જગ્યાઓ પર વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અનેક જગ્યાઓ પર વીજળી પડી શકે છે. 


ગુજરાતમાં શું રહેશે સ્થિતિ
ગુજરાતમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જો કે આ આગાહી વચ્ચે સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી 3 દિવસ પલટો આવે તેવી શક્યતા છે. 26 નવેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં જ્યારે 27 નવેમ્બરના રોજ દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.