હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ હાલ એક ખાસ કારણથી ચર્ચામાં છે. અહીંની સરકાર ગરીબી રેખાતી નીચેના બેરોજગાર બ્રાહ્મણ યુવાઓને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સ્વિફ્ટ ડિઝાયર કાર ઉપલબ્ધ કરાવી રહી છે. આ માટે બે લાખ રૂપિયા સરકાર તરફથી અપાઈ રહ્યાં છે જે સબસિડી તરીકે હશે અને તેને પાછા આપવાના રહેશે નહીં. બાકીની રકમ સસ્તા વ્યાજ દરે હપ્તે હપ્તે લાભાર્થીએ ચૂકવવાના રહેશે. 50 યુવાઓને ગાડી આપીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેનો વિસ્તાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજનાની જાણકારી આવ્યાં બાદ સમગ્ર દેશ  ચોંકી ગયો છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આંધ્ર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં બ્રાહ્મણોના કલ્યાણ માટે સરકારી ઉપક્રમ તરીકે એક કોર્પોરેશન (આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશન, જેને એબીસી કહેવાય છે) પહેલેથી બનેલુ છે. આ કોર્પોરેશનની શાખા તરીકે આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પણ છે. જે સસ્તા વ્યાજ દરે લોન આપે છે. કોર્પોરેશન અલગ અલગ રીતે નવ યોજનાઓ ચલાવે છે. 


આ રીતે શરૂ થયું બ્રાહ્મણ કોર્પોરેશન
રાજ્યમાં બ્રાહ્મણ કોર્પોરેશન ચંદ્રબાબુ નાયડુ જૂન 2014માં બીજીવાર સીએમ બનાવ્યાં બાદ સ્થાપિત કરાયું. તેની સ્થાપનાની વાત નાયડુએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી. કહેવાય છે કે પ્રદેશના વિભાજન વખતે સમૃદ્ધ બ્રાહ્મણો તેલંગણાના ભાગમાં ગયાં. ગરીબ બ્રાહ્મણો આંધ્ર પ્રદેશના હિસ્સામાં આવ્યાં જેમની સરકારી નોકરીઓમાં ભાગીદારી પણ ખુબ ઓછી છે. મંદિર, પૂજા પાઠ દ્વારા થતી આવકમાંથી જ તેમનું ગુજરાન ચાલે છે. 


રાજ્યની કુલ વસ્તીમાંથી બ્રાહ્મણની વસ્તી ત્રણથી ચાર ટકા વચ્ચે છે. જેમાંથી મોટાભાગના લોકો ગરીબી રેખાથી નીચે છે. ગરીબ હોવાના કારણે બ્રાહ્મણો શિક્ષામાં પણ પછાત રહ્યાં છે. કહે છે કે 2014ના રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે ચંદ્રબાબુ નાયડુ જ્યારે રાજ્યની મુલાકાતે હતાં તો તેમણે બ્રાહ્મણોની આ સ્થિતિ ખુબ નજીકથી જોઈ હતી. ત્યારે જ તેમણે જાહેરાત કરી હતી કે જો તેઓ સત્તામાં આવશે તો બ્રાહ્મણોની સ્થિતિ સુધારવા માટે કઈંક સારું કરશે. 


રાજકીય કારણો પણ છૂપાયેલા છે આ ચિંતામાં
સરકારી પક્ષ જોઈએ તો મુખ્યમંત્રીના આ પગલાંની પાછળ કોઈ રાજકીય સ્વાર્થ નથી. રાજ્યના મુખ્યમંત્રી હોવાના કારણે પોતાના નાગરિકોની ભલાઈ માટે યોજનાઓ બનાવવી, તેના અમલીકરણને સુનિશ્ચિત કરવું એ તેમની ડ્યૂટીમાં આવે છે. પરંતુ દલિત નેતા સૂર્યપ્રકાશ નલ્લા તેને રાજકારણની રમત જુએ છે. તેમનું કહેવું છે કે રાજ્યમાં બ્રાહ્મણો ભલે કોઈ મોટી વોટબેંક ન હોય પરંતુ લગભગ દરેક ઘરમાં તેમની પહોંચ છે કારણ કે સુખ દુખના જેટલા પણ કર્મકાંડ  હોય છે તે બ્રાહ્મણો દ્વારા જ થતા હોય છે. 


નાયડુએ બ્રાહ્મણોને ખુશ કરવા માટે જે દાવ ખેલ્યો છે તેને જોઈને લાગે છે કે ઘર ઘર માઉથ ટુ માઉથ પબ્લિસિટીમાં બ્રાહ્મણ તેમને મદદરૂપ થઈ શકે છે. બીજું એ પણ કહેવાય છે કે બ્રાહ્મણોના આશીર્વાદ ખુબ લાભદાયક હોય છે.