WhatsApp દ્વારા કેવી રીતે કરાતી હતી જાસુસી, કેવી રીતે ચાલતો હતો સંપૂર્ણ ખેલ?
વોટ્સએપ દ્વારા જાસુસી કરવા માટે NSOએ દ્વારા સ્પાયવેરનું નિર્માણ કરાયું હતું અને તેની મદદથી યુઝર્સનો મોબાઈલ ફોન હેક કરવામાં આવતો હતો. તેના માટે વ્હોટ્સએપ યુઝરને એક વીડિયો કોલ કરવામાં આવતો હતો.
નવી દિલ્હીઃ સ્પાયવેર Pegasus દ્વારા કરવામાં આવેલી WhatsApp જાસુસીએ સમગ્ર દુનિયાને હચમચાવી મુકી છે, પરંતુ તેમાં સૌથી મોટી વાત એ હતી કે જે લોકોની જાસુસી કરવામાં આવી છે તેમાં ભારતના નાગરિકો પણ સામેલ છે. આ નાગરિકોમાં નેતાઓ, પત્રકાર, સામાજિક કાર્યકર્તા, પ્રોફેસર અને વકીલ જેવા ક્ષેત્રના ઘણા લોકો છે. વિરોધ પક્ષનો આરોપ છે કે Pegasus કંપની આ સ્પાયવેર માત્ર સરકારોને જ વેચે છે તો પછી ભારતમાં આ કેવી રીતે પહોંચ્યું અને તેને કોણે ખરીદ્યું?
સ્પાયવેરની કિંમત છે કરોડોમાં
આ ખતરનાક સ્પાયવેરમાં માત્ર એક મિસ્ડ કોલ આપવાનો રહે છે અને ત્યાર પછી તમે કોઈ પણ વ્યક્તિના મોબાઈલ ડિવાઈસમાં રહેલો તમામ પ્રકારનો ડાટા સીઝ કરી શકો છો. NSO Groupના લોકોએ જાસુસી માટે જે વિસેષ પ્રકારના સ્પાયવેરનું નિર્માણ કર્યું હતું તેનું નામ છે Pegasus, જે અનેક રસ્તે તમારા સ્માર્ટ ફોનમાં પ્રવેશ કરી શકે છે. આ સ્પાયવેરની કિંમત રૂ.180થી રૂ.200 કરોડ વચ્ચે છે.
મે મહિનામાં થયો ખુલાસો
કેલિફોર્નિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલુ વર્ષે મે મહિનામાં વોટ્સએપે Pegasus સ્પાયવેર બનાવનારી કંપની NSO Group સામે સૌ પ્રથમ ફરિયાદ નોંધાવી હતી. ઈઝરાયેલના આ માલવેરે વોટ્સએપ વીડિયો કોલિંગ ફીચરના માધ્યમથી એટેક કર્યો હતો, જેમાં લગભગ 1400 લોકો શિકાર બન્યા હતા. આ માલવેર બહાર આવ્યા પછી વોટ્સએપે 13 મેના રોજ તાત્કાલિક અપડેટની જાહેરાત કરી હતી.
WhatsApp જાસુસી કાંડઃ ઈઝરાયેલ પહોંચી ZEE Mediaની સાથી ચેનલ WION, 5 મોટા ખુલાસા!
કેવી રીતે થતી હતી જાસુસી?
વોટ્સએપ દ્વારા જાસુસી કરવા માટે NSOએ દ્વારા સ્પાયવેરનું નિર્માણ કરાયું હતું અને તેની મદદથી યુઝર્સનો મોબાઈલ ફોન હેક કરવામાં આવતો હતો. તેના માટે વ્હોટ્સએપ યુઝરને એક વીડિયો કોલ કરવામાં આવતો હતો. આ કોલ મોટાભાગે યુરોપિયન દેશમાંથી આવતો હતો. મોબાઈલ ફોન પર આ કોલ આવ્યા પછી એક પ્રકારનો માલવેર તમારી મોબાઈલ સિસ્ટમમાં પ્રવેશી જતો હતો અને તેમાં રહેલા તમામ ડાટા પોતાના કબ્જામાં લઈ લેતો હતો.
ખાસ વાત એ હતી કે આ સ્પાયવેર પોતાનું કામ કોલ રિસીવ ન કરવાની સ્થિતિમાં પણ સારી રીતે કરે છે. એટલે કે તમે જો તમારા મોબાઈલ પર આવેલો વીડિયો કોલ રિસીવ કરતા નથી અને તેને ડિસકનેક્ટ કરો છો તો પણ આ માલવેર તમારા મોબાઈલ ફોનમાં પ્રવેશ કરી જાય છે.
કોલ ડિસકનેક્ટ થવાની સાથે જ જેલબ્રેક ટેક્નોલોજીની મદદથી આ સ્પાયવેર મોબાઈલમાં પહોંચા જાય છે. જેલ બ્રેકનો અર્થ છે કે ફોનમાં સુરક્ષાની દૃષ્ટિએ રહેલા પ્રતિબંધોને પણ બાયપાસ કરી દેવું. મોબાઈલ ફોનની સુરક્ષા બાયપાસ કર્યા પછી આ સ્પાયવેર સ્માર્ટફોનનો કેમેરો, માઈક્રોફોન, ગેલેરી, સ્ટોરેજ અને લોકેશન જવા તમામ મહત્વનાં ફીચર્સને પોતાના નિયંત્રણમાં કરી લેતું હતું.
વ્હોટ્સએપનો સ્વીકાર
વ્હોટ્સએપે પણ સ્વીકાર્યું કે, અમે એ સાયબર હુમલાને શોધીને તેને બ્લોક કરી દીધો છે, જે અમારા વીડિયો કોલિંગ ફીચરમાં સામેલ થઈ ગયો હતો. તે યુઝરને વીડિયો કોલના સ્વરૂપમાં દેખાતો હતો, પરંતુ આ કોઈ સામાન્ય કોલ ન હતો.
જુઓ LIVE TV....