રાજસ્થાન: કોર્ટમાં મૃત વ્યક્તિ થયો હાજર, `જોલી LLB 2` જેવા દ્રશ્યો સર્જાયા
એક મૃતક વ્યક્તિના નામનો પોકાર પડ્યો અને તે લોક અદાલતમાં હાજર થઈ ગયો. એટલું જ નહીં તેણે જરૂરી દસ્તાવેજો પણ રજુ કર્યાં કે તે જીવિત છે.
નવી દિલ્હી: આ વાત સાંભળવામાં ખરેખર અજીબ લાગે પરંતુ સત્ય ઘટના છે. તમે જો અક્ષયકુમારની જોલી LLB 2 ફિલ્મ જોઈ હોય તો તેમાં પણ એક દ્રશ્ય છે જેમાં એક ખેડૂત પોતે જીવતો હોવા અંગે સાબિત કરવા કોર્ટમાં ધામા નાખે છે, પરંતુ કોઈ સાંભળતું નથી. કારણકે દરેક દસ્તાવેજમાં તે મૃત જાહેર કરાયો છે. આવું કઈંક રાજસ્થાનની કોર્ટમાં જોવા મળ્યું. એક મૃતક વ્યક્તિના નામનો પોકાર પડ્યો અને તે લોક અદાલતમાં હાજર થઈ ગયો. એટલું જ નહીં તેણે જરૂરી દસ્તાવેજો પણ રજુ કર્યાં કે તે જીવિત છે. પોતાની પત્ની સુહાગણ છે તે સાબિત કરવા માટે તેણે તમામ દસ્તાવેજો રજુ કર્યાં જેથી કરીને તે પોતે મૃત નહીં પરંતુ જીવિત છે તેની પુષ્ટિ થઈ શકે.
આ સમગ્ર ઘટના રાજસ્થાનના ભીલવાડા જિલ્લાની છે. આ જિલ્લાના નિંબાહેડા ગામમાં ગુરુવારે એક કોર્ટમાં વિચિત્ર ઘટના ઘટી. કોર્ટમાં મૃતક બંસીલાલ રાવ હાજર હો..નો પોકાર પડ્યો. ત્રીજીવારના પોકારમાં જ્યારે બંસીલાલ હાજર થયો ત્યારે લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયાં.
દૈનિક ભાસ્કર અખબારના એક રિપોર્ટ મુજબ સાલરમાલાની એક મહિલા બાલીદેવી રાવે એસડીએમ દિનેશકુમાર ધાકડ સામે અરજી કરી હતી કે તેના પતિ બંસીલાલ રાવ જીવિત છે. પરંતુ જમાબંદીમાં 20 વર્ષથી પતિને મૃત અને તેના નામ સાથે વિધવા નોંધેલુ છે.
મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે તેના પતિને ફરીથી જીવિત ગણાવીને તેને સુહાગણનો દરજ્જો પાછો આપવામાં આવે. ત્યારબાદ એસડીએમ દિનેશકુમાર ધાકડે મહિલા પાસે તે વાતનો પુરાવો માંગ્યો. જેના પર તેણે કહ્યું કે તેના પતિ તેની સાથે આવ્યાં છે. ત્યારબાદ લોક અદાલતમાં બૂમ મારવામાં આવી કે મૃતક બંશીલાલ રાવ હાજિર હો. ત્રીજીવાર બોલાવવા પર તે હાજર થઈ ગયો. એટલું જ નહીં બંસીલાલે તમામ દસ્તાવેજો પણ રજુ કર્યાં.