એક સમયે વાજપેયીની આલોચનાથી `દુ:ખી` થઈ ગયા હતાં મનમોહન સિંહ, આપવાના હતાં રાજીનામું
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. ખુબ નાજુક હાલત છે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમ્સમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. ખુબ નાજુક હાલત છે. વાજપેયીના હાલચાલ જાણવા માટે એમ્સમાં નેતાઓનો જમાવડો થવા લાગ્યો છે. દેશભરના લોકો તેમના સ્વાસ્થ્ય માટે દુઆઓ કરી રહ્યાં છે. અટલ બિહારી વાજપેયીના લાંબા રાજકીય કેરિયર અંગે એવી અનેક વાતો છે જે અજાણી છે. અહીં તમને વાજપેયીના વિપક્ષ નેતા તરીકે અપાયેલા ભાષણ સંબંધિત એક કિસ્સાની વાત કરીએ છે. વર્ષ 1991ની વાત છે. કેન્દ્રમાં તે સમયે પીવી નરસિમ્હા રાવની સરકાર હતી. આ સરકારમાં ડો.મનમોહન સિંહ નાણામંત્રી હતાં. મનમોહન સિંહ દેશમાં આર્થિક ઉદારીકરણ અંગે નિર્ણયો લઈ રહ્યાં હતાં. જેને ધ્યાનમાં રાખીને મનમોહન સિંહે સંસદમાં બજેટ રજુ કર્યુ હતું.
તે સમયે અટલ બિહારી વાજપેયી વિપક્ષના નેતા હતાં. મનમોહન સિંહે પોતાના બજેટ ભાષણને પૂરું કર્યું ત્યારબાદ વિપક્ષના નેતા હોવાના નાતે અટલ બિહારી વાજપેયીએ પોતાનું ભાષણ આપ્યું. આ ભાષણમાં વાજપેયીએ મનમોહન સિંહ દ્વારા રજુ કરાયેલા બજેટને ખુબ ટીકા કરી. બીબીસીના રિપોર્ટ મુજબ વાજપેયીની આલોચનાથી મનમોહન સિંહ દુ:ખી થયા હતાં. સ્થિતિ એવી હતી કે તેમણે તત્કાલિન પીએમ નરસિંહારાવને રાજીનામું આપવા અંગે પણ વિચાર્યું હતું. નરસિંહારાવને જ્યારે આ અંગે જાણ થઈ તો તેમણે વાજપેયીને ફોન કરીને આ વાતની જાણ કરી.
ત્યારબાદ અટલ બિહારી વાજપેયીએ મનમોહન સિંહની મુલાકાત કરી અને તેમને સમજાવ્યું કે તેમની ટીકા એ રાજકીય છે. સંસદમાં તેમણે રાજકીય ભાષણ આપ્યું હતું. ત્યારબાદ મનમોહન સિંહે નાણામંત્રી પદ છોડવાનો નિર્ણય પાછો ખેંચ્યો. આ મુલાકાતની અસર એ થઈ કે મનમોહન સિંહ અને અટલ બિહારી વાજપેયી મિત્ર બની ગયાં. અટલ બિહારી વાજપેયી જ્યારે બીમારીથી પીડાતા હતાં ત્યારે તેમને નિયમિત મળનારાઓમાં મનમોહન સિંહ પણ સામેલ છે. નિયમિત રીતે મળનારાઓમાં તેમના ડોક્ટર, તેમના મિત્રો, સુપ્રીમ કોર્ટના વકીલ એનએમ ઘાટતે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડૂરી, અને લાંબા સમય સુધી તેમના સહયોગી રહેલા લાલકૃષ્ણ અડવાણી છે.
અટલ બિહારી વાજપેયી લગભગ 14 વર્ષથી બીમાર છે. તેમની છેલ્લી તસવીર 3 વર્ષ પહેલા 2015માં જોવા મળી હતી. માર્ચ 2015માં વાજપેયીને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હાથે દિલ્હી સ્થિત તેમના ઘર પર ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
હવે તમને પણ એવા પ્રશ્નો થતા હશે કે બીમારીથી પીડાઈ રહ્યાં બાદ વાજપેયી આટલા વર્ષો ક્યાં હતાં. વડાપ્રધાન પદ છોડ્યા બાદ વાજપેયી અત્યાર સુધી કૃષ્ણ મેનન સ્થિત નિવાસસ્થાને પોતાની દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્ય સાથે રહેતા હતાં. 2014માં નિધન થયું તે પહેલા રાજકુમારી કૌલ પણ ત્યાં જ રહેતા હતાં.