નવી દિલ્હી: સેના પ્રમુખ બીપિન રાવતે કહ્યું છે કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ કરી દે તો અમે (ભારત) પણ નીરજ ચોપરાની જેમ વર્તીશું. હાલમાં જ ઈન્ડોનેશિયામાં રમાઈ ગયેલા એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ પાકિસ્તાન અને ચીનના ખેલાડીઓને પાછળ છોડીને જેવલિન થ્રો (ભાલા ફેંક)માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના કિઝેન લિયૂએ સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પોડિયમ પર નીરજે અશરદ અને લિયૂ સાથે હાથ મિલાવ્યો હતો. પાકિસ્તાનના પ્લેયર અરશદ સાથે હાથ મિલાવવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા સેના પ્રમુખે કહ્યું કે 'પહેલ (પાકિસ્તાન) તરફથી થવી જોઈએ, તેમણે આતંકવાદ રોકવાનો છે. જો તેઓ આતંકવાદ રોકશે તો અમે (આર્મી) પણ નીરજ ચોપરા બનીશું.' ચોપરાએ નદીમ સાથે હાથ મિલાવ્યો તે ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો જેને ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ પણ ટ્વિટ કરતા લખ્યું કે આ દર્શાવે છે કે ખેલ દ્વારા તમે તમારા બાળકોને સર્વશ્રેષ્ઠ શિક્ષા આપી શકો છો. 



તસવીર વાઈરલ થતા નીરજ ચોપરાએ સ્પષ્ટીકરણ આપ્યું હતું કે હાથ મિલાવતી વખતે તેમનું ધ્યાન નહતું કે તેમની આજુબાજુમાં કયા ખેલાડી છે. ચોપરાએ કહ્યું કે પદક સમારોહમાં તેમનું સંપૂર્ણ ધ્યાન રાષ્ટ્રગીત પર હતું. ચેક ગણરાજ્યમાં તાલિમ લઈ રહેલા ચોપરાએ કહ્યું કે મને ખબર ન પડી કે હું તેમની સાથે ઊભો છું. રાષ્ટ્રગીત સાથે તિરંગને ઉપર જતા જોઈને હું ખુબ ભાવુક થઈ ગયો હતો. અને તેને આ સ્તરે પહોંચાડવા માટે કરવામાં આવેલી મારી મહેનત અને સંઘર્ષને યાદ કરતો હતો. 


કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર આ ખેલાડી એશિયન ગેમ્સની ભાલા ફેંક સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવનાર દેશનો પહેલો ખેલાડી છે. તેણે કહ્યું કે ખેલો દ્વારા નફરત ફેલાવવાની જગ્યાએ લોકોને નજીક લાવવા જોઈએ. નદીમે બાદમાં દાવો કર્યો હતો કે ચોપરા તેના વોટ્સએપ મેસેજનો જવાબ આપતા નથી. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે મને તેના દ્વારા આમને સામને મળવાની કોશિશ અંગે નથી ખબર. જો કોઈએ મારી પીઠ પાછળ કઈં કહ્યું કે પૂછવાની કોશિશ કરી તો મને ખબર નથી. જો તેણે મારા ફોન પર કોઈ મેસેજ મોકલ્યા તો મને ખબર નથી. હું બહુ મેસેજ જોતો નથી. 


અત્રે જણાવવાનું કે નીરજ ચોપરાએ જકાર્તામાં થયેલા એશિયન ગેમ્સમાં 88.06 મીટર દૂર ભાલો ફેંકીને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. તેમાં ચીનના લિયૂ કિઝેન (82.22) સિલ્વર અને પાકિસ્તાનના અરશદ નદીમ (80.75)ને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.