કોણ છે એ 8 ભારતીય...જેને કતારમાં થઈ છે મોતની સજા, ખાડી દેશમાં શું કામ કરતા હતા અને શું લાગ્યા છે આરોપ, ખાસ જાણો
Qatar News: કતારની કેદમાં બંધ ભારતીય નેવીના આઠ પૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટે ગુરુવારે મોતની સજા સંભળાવી. ભારતે કહ્યું છે કે તે ખાડી દેશના આ ચુકાદાથી અત્યંત સ્તબ્ધ છે. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તે આ મામલે તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.
Qatar News: કતારની કેદમાં બંધ ભારતીય નેવીના આઠ પૂર્વ કર્મચારીઓને કતારની કોર્ટે ગુરુવારે મોતની સજા સંભળાવી. ભારતે કહ્યું છે કે તે ખાડી દેશના આ ચુકાદાથી અત્યંત સ્તબ્ધ છે. ભારત સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે તે આ મામલે તમામ કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કતારની કોર્ટે ગુરુવારે અલ દહરા કંપનીના આઠ ભારતીય કર્મચારીઓ સંલગ્ન એક કેસમાં ચુકાદો આપ્યો છે. મોતની સજાના નિર્ણયથી અમે સ્તબ્ધ છીએ અને આ ચુકાદાની ડિટેલ્ડ કોપીની રાહ જોઈએ છીએ. દરેક પરિવારના સભ્યો અને કાનૂની ટીમના સંપર્કમાં છીએ. ભારતીય નાગરિકોના છૂટકારા માટે તમામ કાનૂની વિકલ્પોની તપાસ થઈ રહી છે.
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે કતારની જેલમાં બંધ ભારતીય નાગરિકોને કોન્સ્યુલર એક્સેસ અને કાનૂની મદદ મળતી રહેશે. આવામાં આખરે કતારે જે ભારતીયોને મોતની સજા સંભળાવી છે તેઓ કોણ છે અને તેમના પર શું આરોપ છે તે ખાસ જાણવું જરૂરી છે.
ભારતીયો પર શું આરોપ છે?
નેવીના આઠ પૂર્વ અધિકારીઓ કતારની એક કંપનીમાં કામ કરી રહ્યા હતા. આ લોકો પર જાસૂસીનો આરોપ છે. ગત વર્ષ 30 ઓગસ્ટના રોજ કતારના અધિકારીઓએ જાસૂસીના આરોપમાં આઠ ભારતીયોની ધરપકડ કરી હતી. ત્યારથી આ લોકો કતારની જેલમાં બંધ છે. તેમના વિરુદ્દ કેસની શરૂઆત 29 માર્ચથી શરૂ થઈ હતી. ભારતને જ્યારે ભારતીયોને મળવાની રાજનયિક પહોંચ મળી તો કતારમાં ભારતના રાજદૂતે એક ઓક્ટોબરના રોજ જેલમાં જઈને તેમની સાથે મુલાકાત કરી હતી.
કઈ કંપની માટે કામ કરતા હતા
કતારમાં અલ દહરા સિક્યુરિટી કંપની છે. જેમાં આ તમામ આઠ ભારતીયો કામ કરતા હતા. ભારતીય નાગરિકો ગત કેટલાક વર્ષોથી કતારના નૌસૈનિકોને ટ્રેનિંગ આપતા હતા. કતારના અધિકારીઓ સાથે મળીને આ કંપની નૌસૈનિકોને ટ્રેનિંગ આપવાનું કામ કરતી હતી. ગત વર્ષ તેમના પર જાસૂસીનો આરોપ લાગ્યો અને પછી તેમને તરત જ અટકાયતમાં લેવાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી એ જાહેર કરવામાં નથી આવ્યું કે આખરે ભારતીયો વિરુદ્ધ કયા કયા આરોપ છે.
કોણ છે આ આઠ ભારતીયો
કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્રકુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાજેશ એ આઠ ભારતીયો છે જે કતારમાં મોતની સજાનો સામનો કરી રહ્યા છે. તેમની કતારની ગુપ્તચર એજન્સીએ ધરપકડ કરી હતી. આ ભારતીયોએ ભારતીય નેવીમાં 20 વર્ષ સુધી કામ કર્યું હતું. આ દરમિયાન તેમના પર ક્યારેય કોઈ પણ પ્રકારના આરોપ લાગ્યા નહતા. તેઓ ટ્રેનર સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર કામ કરી ચૂક્યા હતા.
કંપની અંગે શું છે માહિતી?
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ કતારની જે કંપનીમાં આ ભારતીયો કામ કરતા હતા તેનું નામ અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજી એન્ડ કન્સલ્ટન્સી સર્વિસ હતું. આ એક ડિફેન્સ સર્વિસ પ્રોવાઈડર કંપની છે જેનું કામ સૈનિકોને ટ્રેનિંગ આપવાનું છે. આ કંપનીનો માલિકી હક ઓમાનના એક નાગરિક પાસે છે. કંપનીના માલિકનું નામ ખામિસ અલ અઝમી છે. જે રોયલ ઓમાન એરફોર્સના રિટાયર્ડ સ્ક્વોડ્રન લીડર છે.
જે સમયે કતારની ગુપ્તચર એજન્સીએ ભારતીયોની ધરપકડ કરી, તે વખતે ખામિસ અલ અઝમીની પણ ધરપકડ કરી હતી. પરંતુ તેમને નવેમ્બર 2022માં છોડી મૂકવામાં આવ્યા હતા. કંપનીની જૂની વેબસાઈટ મુજબ આ કતારી અમીરી નેવલ ફોર્સ (QENF) ને ટ્રેનિંગ, લોજિસ્ટિક અને મેન્ટેનન્સ ઉપલબ્ધ કરાવતી હતી. જો કે હવે જૂની વેબસાઈટ ગાયબ થઈ ચૂકી છે. તેની જગ્યાએ નવી વેબસાઈટ બની ગઈ છે. જેમાં કંપનીનું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે.
નવી વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીનું નામ દહરા ગ્લોબલ છે. પરંતુ તેમાં એ જણાવવામાં નથી આવ્યું કે કંપનીનો QENF સાથે શું સંબંધ છે. હજુ સુધી કતારની નેવીને ટ્રેનિંગ આપવાની વાત કહેનારી આ કંપની હવે તેની સાથેના સંબંધો અંગે વેબસાઈટ પર નકારી ચૂકી છે. નવી વેબસાઈટમાં ભારતીયો વિશે પણ કોઈ જાણકારી નથી. જ્યારે કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી એક સમયે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પદે હતા. તમામ ધરપકડ કરાયેલા ભારતીયો 6-8 વર્ષથી કતારમાં કામ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube