Sarath Chandra Reddy news: દિલ્હીના મંત્રી આતિશીએ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને એકવાર  ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું છે. આતિશીએ કહ્યું કે ઈડીની તપાસમાં મની ટ્રેલની વાત કહેવામાં આવી છે. આવામાં પૈસા ગયા ક્યા? દારૂના વેપારીઓને નફો થયો તો તેમને કોણે પૈસા આપ્યા. આમ આદમી પાર્ટીના કોઈ નેતા પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી. અમારા કોઈ નેતા પાસેથી મની ટ્રેલ મળી નથી. કોર્ટે ઈડીને પૂછ્યું કે મની ટ્રેલ ક્યા છે તો  તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નહતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત એક વ્યક્તિના નિવેદન પર ધરપકડ
દિલ્હીના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં અનેક વળાંક જોવા મળ્યા. એક પછી એક આવેલા વળાંકમાં એક મોડ પર વેપારી શરથચંદ્ર રેડ્ડીનું નામ આવ્યું. આ એ જ વેપારી છે જેમની દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે લિંક રહી છે. એવો આરોપ છે કે મનિષ સિસોદીયા પણ તેમના સંપર્કમાં આવ્યા હતા.  હૈદરાબાદના વેપારી શરથચંદ્ર રેડ્ડી જે દિવસે સરકાર સાક્ષી બન્યા હતા ત્યારે એ નક્કી થઈ ગયું હતું કે આજે નહીં  તો કાલે દિલ્હી સરકાર, મનિષ સિસોદીયા અને પછી અરવિંદ કેજરીવાલની સુદ્ધાની મુશ્કેલીઓ વધશે. 


આતિશીએ આજે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ એ જ કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ ફક્ત એક વ્યક્તિના નિવેદનના આધારે થઈ છે. તે છે શરથચંદ્ર રેડ્ડી. જેમના નિવેદનના આધારે કેજરીવાલને પકડવામાં આવ્યા. 


કોણ છે શરથચંદ્ર રેડ્ડી?
હૈદરાબાદ સ્થિત વેપારી પી શરથચંદ્ર રેડ્ડી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએટ છે. તેઓ અરબિંદો ફાર્મા લિમિટેડના ડાઈરેક્ટરોમાંથી એક છે. આ કંપનીની સ્થાપના શરથચંદ્ર રેડ્ડીના પિતા પી વી રામપ્રસાદ રેડ્ડીએ કરી હતી. રેડ્ડી કંપનીના બિનકાર્યકારી ડાઈરેક્ટર પણ છે. તેઓ ફાર્માની સાથે દારૂના વેપાર સાથે પણ જોડાયેલા છે. તેમના ભાઈ રોહિત રેડ્ડી, વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા એમપી વી વિજયસાઈ રેડ્ડીના જમાઈ છે. 


યોજના ઘડી
અરબિંદો ફાર્મા અગાઉ શરથ ટ્રીડેન્ટ લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડની કમાન સંભાળતા હતા. ત્યારબાદ અરબિંદો ફાર્માએ તેનું અધિગ્રહણ કરી લીધુ. રિપોર્ટ્સ મુજબ દારૂ કૌભાંડ અગાઉ શરથ રેડ્ડીનું નામ લગભગ 12 વર્ષ પહેલા સીબીઆઈની એક ચાર્જશીટમાં આવ્યું હતું. રેડ્ડીનું નામ જમીન અધિગ્રહણ સાથે જોડાયેલા મામલામાં મીડિયામાં ચર્યાયું હતું. ઈડીના જણાવ્યાં મુજબ શરથે અનેક વેપારીઓ અને નેતાઓ સાથે મળીને દારૂ કૌભાંડમાં સક્રિય રીતે યોજના ઘડી અને ષડયંત્ર રચ્યું. ગત વર્ષ જૂનમાં દિલ્હીની એક કોર્ટ દ્વારા મંજૂરી અપાયા બાદ તેઓ દારૂ કૌભાંડમાં સરકારી સાક્ષી બની ગયા હતા. આ અગાઉ ઈડીએ આરોપ લગાવ્યો હતો કે તે વેપાર માલિકોઅને એક્સાઈસ ડ્યૂટી કેસમાં સામેલ રાજનેતાઓ સાથે ષડયંત્ર કરીને દારૂ નીતિથી અયોગ્ય લાભ મેળવવા માટે અયોગ્ય બજાર પ્રથાઓમાં સામેલ હતો. 


ચૂંટણી ફંડમાં સામે આવ્યું નામ
21 માર્ચ 2024 એટલેકે જે દિવસે કેજરીવાલની ધરપકડ થઈ, ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડના માધ્યમથી વ્યક્તિઓ અને કોર્પોરેટ્સ દ્વારા રાજનીતિક ફંડનો ડેટા અપલોડ કર્યો હતો. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ડેટાના એક ભાગની લિંક રેડ્ડી સાથે છે. એ જ રેડ્ડી જેણે ભાજપને મસમોટું ફંડ આપ્યું. વાત જાણે એમ છે કે દારૂ કૌભાંડમાં જે ખાનગી કંપની અચાનક ચર્ચામાં આવી તે દવા કંપની અરબિંદો ફાર્માએ કુલ 52 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. જેનો અડધા કરતા વધુ ભાગ એકલા ભાજપના  ફાળે ગયો હતો. 


ચૂંટણી પંચની તરફથી બોન્ડ પર બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ હૈદરાબાદ સ્થિત આ કંપનીએ 3 એપ્રિલ 2021થી 8 નવેમ્બર 2023 વચ્ચે ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા અને ભાજપને 34.5 કરોડ રૂપિયા, બીઆરએસને 15 કરોડ રૂપિયા અને તેલુગુ દેશમ પાર્ટીને 2.5 કરોડ રૂપિયા ફાળો આપ્યો હતો. કંપનીએ 8 નવેમ્બર 2023ના રોજ 25 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા, જેને ભાજપે 17 નવેમ્બર 2023ના રોજ કેશ કર્યા. આ અગાઉ 5 જાન્યુઆરી 2022ના રોજ અરબિંદો ફાર્માએ 3 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા જેને 12 જાન્યુઆરી 2022ના રોજ ભાજપે કેશ કર્યા હતા. આ ખુલાસા બાદ આમ આદમી પાર્ટી કેજરીવાલની ધરપકડને ખોટી ગણાવીને ભાજપને ઘેરી રહી છે. 


કંપનીની ચૂપ્પી!
આ દવા નિર્માતા કંપનીએ પોતાના એક ડાઈરેક્ટર પી.શરથચંદ્ર રેડ્ડીને વિવાદાસ્પદ દિલ્હી આબકારી નીતિ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયાના પાંચ દિવસ બાદ 15 નવેમ્બર 2022ના રોજ પાંચ કરોડના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપે આ બોન્ડને 21 નવેમ્બર 2022ના રોજ કેશ કર્યા હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube