અમૃતસરના જોડા ફાટક પાસે ભીષણ ટ્રેન અકસ્માત થયો. બે ટ્રેન ઉપરાઉપરી પસાર થઈ ગઈ. ઘટનામાં કુલ 61ના મોત થયા. જોકે, દિલ ધડકાવી દે તેવા અકસ્માતનો આંકડો વધી શકે તેવી પણ શક્યતા છે. કેન્દ્ર સરકાર અને પીએમ મોદી તરફથી મૃતકોના પરિવારજનોને 2-2 લાખની સહાય અને ઘાયલો માટે 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરાઈ છે. તો બીજી તરફ, પંજાબ સરકાર સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પણ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિંદગી ભલે એક હોય કે હજારો, તેની કિંમત ન તો રૂપિયાથી આંકી શકાય છે, ન તો કોઈ આર્થિક મદદથી વ્યક્તિના દુખને ઓછું કરી શકાય છે. એક વ્યક્તિના મોતથી તેના પરિવારમાં ક્યારેય ન પૂરાય તેવો ખાલીપો સર્જાય છે. આવામાં જરૂર છે કે, આવી ઘટનાઓ પર જ રોક લગાવવા માટે યોગ્ય પગલા લેવામાં આવે. નક્કી કરવામાં આવે છે ઘટના માટે હકીકતમાં કોણ જવાબદાર છે. આ સવાલનો જવાબ માટે થોડું વિશ્લેષણ કરીએ અને તેની સાથે જોડાયેલા સવાલોનો જવાબ મેળવવા મથીએ. 


આ ઘટનાના મુખ્ય પાંચ તથ્યો છે. પહેલો કાર્યક્રમનો આયોજક, બીજો સ્થાનિક પોલીસ-પ્રશાસન, ત્રીજુ રેલવે, ચોથો ટ્રેનનો ડ્રાઈવર અને પાંચમી લોકોની અવેરનેસ. આ પાંચેય બાબતોને કારણે એક એવી ઘટના બને છે, જેમાં 61 જિંદગીઓ હોમાઈ જાય છે. 


આયોજકો
સૌથી મોટો સવાલ રાવણ દહન જેવા કાર્યક્રમનું આયોજન રેલવે ટ્રેકની નજીક કેમ કરવામાં આવ્યું તે છે. ટ્રેન નજીક જ હતો, અને રાવણ દહન જેવા કાર્યક્રમમાં ભીડ ઉમટે છે, ત્યારે ટ્રેક પાસે કાર્યક્રમ કરવાની પરમિશન કેવી રીતે આપવામાં આવી. અને જો પરમિશન નથી આપવામાં આવી તો, પરમિશન વગર કાર્યક્રમ કરવા અને આ ઘટના માટે કોણ જવાબદાર. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે, રેલવે ટ્રેક પાસે કાર્યક્રમ માટે તેમની પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, તો પછી આટલો મોટો કાર્યક્રમ યોજી જ કેવી રીતે ગયો. 


મેનેજમેન્ટ
મેનેજમેન્ટ મામલે મોટો પ્રશ્ન એ છે કે, જો કાર્યક્રમની પરમિશન લેવામાં આવી હતી, તો આ પરમિશન કોણે આપી અને હવે ઘટના માટે કોણ જવાબદાર છે. જો કાર્યક્રમની પરમિશન હતી, તો પછી કાર્યક્રમ સ્થળ પાસે રેલવે ટ્રેક હતો, તો તેના માટે સુરક્ષા વ્યવસ્થા કેમ કરવામાં નહોતી આવી. અને જો પ્રશાસનના કહેવા મુજબ, જો સુરક્ષા વ્યવસ્થા યોગ્ય હતી, તો પછી મોટી સંખ્યામાં લોકો ટ્રેક સુધી કેવી રીતે પહોંચી ગયા.


રેલવે
રેલવે માટે મોટો પ્રશ્ન એ છે કે, શું ટ્રેક પાસે આટલો મોટો કાર્યક્રમ થયો તો રેલવેના ધ્યાનમાં આ વાત કેમ ન આવી. અને જો રેલવે પાસેથી કાર્યક્રમની મંજૂરી નહોતી લેવાઈ તો, પછી રેલવેનું ક્યાં કાચું કપાયું.


ટ્રેનનો ડ્રાઈવર
આ અકસ્માતના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ટ્રેન બહુ જ તેજીથી ભીડને ચીરતી આગળ વધી રહી છે. આવામાં સવાલ થાય છે કે, રેલવે ડ્રાઈવરને આટલી મોટી ભીડ કેમ ન દેખાઈ. બીજો સવાલ એ છે કે, જો ચાલકને ભીડ દેખાઈ, તો તેણે સતત હોર્ન કેમ ન વગાડ્યું. અને જો હોર્ન વગાડ્યું તો તેણે ટ્રેનની સ્પીડ કેમ ઓછી ન કરી. આ મામલે ડ્રાઈવરે કહ્યું કે, રાવણ બલતો હતો ત્યાં આસપાસ ઘણો ધુમાડો હતો, ઘટનાસ્થળ પર લાઈટની વ્યવસ્થા પણ કરાઈ ન હતી. આવામાં કંઈ જ દેખાઈ રહ્યું ન હતું. તો રેલવે અધિકારીઓએ પણ કહ્યું કે, ધુમાડો હોવાને કારણે ડ્રાઈવર કંઈ પણ જોઈ શકવામાં અસમર્થ હતો, અને ટ્રેન પણ વળાંકમાં હતી. પણ શું, આ બધામાં પોતાની બુદ્ધિમત્તા ચલાવવાની ડ્રાઈવરની કોઈ જ નૈતિક ફરજ ન હતી?


નાગરિકની સૂઝબૂઝ
આ સમગ્ર મામલે રેલવે, મેનેજમેન્ટ, ટ્રેન ડ્રાઈવર પર દોષનો ટોપલો ફેરવાઈ રહ્યો છે. તો લોકો રેલવે અને પ્રશાસન પર આક્રોશ ઠાલવી રહ્યાં છે. પણ સવાલ એ છે કે, માત્ર રેલવે, ડ્રાઈવર અને આયોજકો અને મેનેજમેન્ટ જ આ ઘટના પાછળ જવાબદાર છે. શું લોકોની પોતાની કોઈ સૂઝબૂઝ નથી કે, તેમનામાં એટલી પણ અવેરનેસ નથી કે, રેલવે ટ્રેક પાસે ઉભા ન રહેવાય? રેલવે સેફ્ટીના નિયમોથી શું તેઓ પોતે અજાણ છે? મોડી રાતે કાર્યક્રમ હોવાથી નાગરિકોને પોતાને સાવધાની રાખવાની જરા પણ જરૂરી ન જણાઈ? તેમને એવું ન લાગ્યું કે, રેલવે ટ્રેક હોવાથી અને ટ્રેનની અવરજવર હોવાથી ટ્રેક પર ઉભા ન રહેવાય.