મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં 56 વર્ષીય જ્વેલરની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ 2 કલાકની અંદર આઠ વખત ધમકીભર્યા કોલ કર્યા હતા.  આરોપીને લઈને પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા આરોપીની ઓળખ વિષ્ણુ ભૌમિકના રૂપમાં થઈ છે. પરંતુ શંકાસ્પદ કોલ કરવા સમયે તેણે પોતાનું નામ અફઝલ હોવાનો દાવો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના પરિવારને સોમવાર, 15 ઓગસ્ટે ઘણીવાર ધમકીભર્યા કોલ રિલાયન્સ ફાઉન્ડેશન સંચાલિક હોસ્પિટલના નંબરે કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે ભૌમિકે સવારે સાડા દસ કલાકે ગિરગાંવ સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના લેન્ડલાઇન નંબર પર 8થી 9 વખત ફોન કર્યો હતો અને અંબાણી તથા તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે અપશબ્દો પણ કહ્યાં હતા. પોલીસે કહ્યું કે 56 વર્ષીય ભૌમિકે એકવાર કોલમાં ધીરૂભાઈ અંબાણીના નામનો પણ ઉપયોગ કર્યો હતો. 


અધિકારીએ જણાવ્યું કે ધમકી ભર્યા કોલ બાદ ત્રણ કલાકની અંદર બપોરે દોઢ કલાકે દહીસરથી આરોપી વિષ્ણુ વિદુ ભૌમિકની ધરપકડ કરવામાં આવી હતી. તે મુંબઈ દક્ષિણમાં આભૂષણની દુકાન ચલાવે છે. અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસ અનુસાર ભૌમિક પર આ પહેલા પણ ફોન કરવાના આરોપ લાગ્યા છે. 


આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં 30 મિનિટમાં બે જગ્યા પર આતંકી હુમલો, પોલીસકર્મી સહિત બે ઘાયલ  


તેમણે કહ્યું કે પોલીસ ફોન કરવા પાછળનું કારણ જાણવા ભૌમિકની પૂછપરછ કરી રહી છે. પરંતુ પોલીસને હજુ તે જાણવા મળ્યું નથી કે ભૌમિક માનસિક રૂપથી અસ્થિર છે કે નહીં. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 506 (2) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં મુંબઈમાં અંબાણીના આવાસ એન્ટીલિયાની નજીક એક એસયૂવી કાર મળી હતી, જેમાં વિસ્ફોટક સામગ્રી રાખેલી હતી. બાદમાં આ મામલામાં પોલીસ અધિકારી સચિન વાઝે સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube