કોણ છે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય? અનેક દિગ્ગજોને પછાડી કેવી રીતે બન્યા નવા CM
Chhattisgarh News: મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતાં જ કેન્દ્રિય નેતાઓ અને ધારાસભ્યોએ વિષ્ણુદેવને વધાવી લીધા. તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા. મુખ્યમંત્રીનું પદ મળ્યા બાદ વિષ્ણુદેવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની ગેરન્ટી પૂરી કરવી તેમની પ્રાથમિકતા રહેશે.
Chhattisgarh Deputy CM Name: ચર્ચા વિચારણા અને બેઠકોના દોર બાદ ભાજપે આખરે છત્તીસગઢના મુખ્યમંત્રીના નામ પર મહોર લગાવી દીધી છે. સંભવિતોમાં સૌથી પાછળ રહેલાં વિષ્ણુદેવ સાયને ઝારખંડની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ બે નાયબ મુખ્યમંત્રીના નામ પણ જાહેર કરાયા છે. ત્યારે કોણ છે આ ત્રણેય ચહેરા?
ચૂંટણી પરિણામોની જાહેરાતના એક સપ્તાહ બાદ ભાજપે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીની જાહેરાત શરૂઆત કરી છે. શરૂઆત કરાઈ છે છત્તીસગઢથી. ત્રણ પર્યવેક્ષકોએ ભાજપના વિધાયક દળની બેઠક બાદ મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું હતું. આ નામ છે વિષ્ણુદેવ સાય. આ સાથે જ સસ્પેન્સ અને અટકળોનો અંત આવ્યો છે.
મુખ્યમંત્રી તરીકે જાહેરાત થતાં જ કેન્દ્રિય નેતાઓ અને ધારાસભ્યોએ વિષ્ણુદેવને વધાવી લીધા. તેમને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા. મુખ્યમંત્રીનું પદ મળ્યા બાદ વિષ્ણુદેવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની ગેરન્ટી પૂરી કરવી તેમની પ્રાથમિકતા રહેશે. સન્માન કાર્યક્રમ બાદ વિષ્ણુદેવ સાય રાજ્યપાલ વિશ્વભૂષણ હદિચંદનને મળવા રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો.
વિષ્ણુદેવ છત્તીસગઢની કુનકુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેમણે કોંગ્રેસના ઉમેદવારને 25 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. વિષ્ણુ દેવ છત્તીસગઢના આદિવાસી સમાજનો મોટો ચહેરો છે. તેઓ છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સાથે જ રાયગઢથી સાંસદ પણ હતા. છત્તીસગઢની 90 બેઠકોમાંથી ભાજપે 54 અને કોંગ્રેસે 35 બેઠકો જીતી હતી.
વિષ્ણુદેવ સાંઈની સફર
તેઓ 1990-98 દરમિયાન બે વખત ધારાસભ્ય રહ્યા હતા. આ પછી તેઓ 1999 થી 2014 સુધી સાંસદ બન્યા. સાંસદ રહીને તેમણે અનેક સમિતિઓ અને હોદ્દાઓ સંભાળ્યા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેઓ રાજકારણમાં પ્રવેશ્યા અને 1980 માં બગીયામાંથી સરપંચની ચૂંટણી બિનહરીફ જીત્યા. ત્યારબાદ 1990 માં પ્રથમ વખત તેમણે તેમની મિલકતનો કેટલોક ભાગ વેચ્યો અને ધારાસભ્યની ચૂંટણી લડી અને જીતી ગયા.
પ્રથમવાર ધારાસભ્ય બન્યા અરૂણ સાવ
તો અરૂણ સાવની વાત કરીએ તો તેમણે મુંગેલી જિલ્લાની લોરમી સીટથી કોંગ્રેસ ઉમેદવાર થાનેશ્વર સાહૂને 45891 મતથી હરાવ્યા છે. તેઓ ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ છે. પાછલા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેમણે વિષ્ણુ દેવ સાયની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી હતી. તેઓ બિલાસપુર લોકસભા સીટથી સાંસદ રહ્યાં છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પાર્ટીએ સાંસદ પદેથી રાજીનામું આપવાનું કહ્યું હતું. વિજય શર્માની જેમ 55 વર્ષીય અરૂણ સાવ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના અનુભવનો મળશે ફાયદો
ભાજપ તરફથી વિધાનસભા અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવેલા રમણ સિંહ છત્તીસગઢમાં ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યાં છે. આ વખતે તેઓ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતા. પરંતુ પાર્ટી તેમના અનુભવનો ઉપયોગ વિધાનસભાના સ્પીકરના રૂપમાં કરશે. રમણ સિંહે પોતાની પરંપરાગત સીટ રાજનાંદગાંવથી ચૂંટણી જીતી છે.
ઉલ્લેખનીય છે કે,ભાજપે પહેલા જ કહ્યું હતું કે આદિવાસી સમુદાયને યોગ્ય સન્માન આપવામાં આવશે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અનેક નેતાઓના નામ રેસમાં તરી રહ્યાં છે. પરંતુ હવે સસ્પેન્સનો અંત આવ્યો છે. તાજેતરમાં વિષ્ણુદેવ સાંઈની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. છત્તીસગઢમાં અજીત જોગી પછી વિષ્ણુદેવ સાંઈ બીજા આદિવાસી મુખ્યમંત્રી હશે.
છત્તીસગઢમાં વિધાનસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ, દુષ્યંત કુમાર ગૌતમ અને છત્તીસગઢ ભાજપના પ્રભારી ઓમ માથુર હાજર હતા. સવારે 9 વાગે બીજેપીના સેન્ટ્રલ ઓબ્ઝર્વર રાયપુર પહોંચ્યા અને સીએમના નામ પર બીજેપી ધારાસભ્યો સાથે મંથન કર્યું.