જેના મોત પર UPમાં મચ્યો છે હાહાકાર, જાણો કોણ છે તે વિવેક તિવારી
લખનઉના વિવેક તિવારી હત્યાકાંડને લઈને ઘમાસાણ મચ્યું છે. યોગી સરકારે વિવેક તિવારી હત્યાકાંડમાં બંને આરોપી સીપાઈઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે.
નવી દિલ્હી: લખનઉના વિવેક તિવારી હત્યાકાંડને લઈને ઘમાસાણ મચ્યું છે. યોગી સરકારે વિવેક તિવારી હત્યાકાંડમાં બંને આરોપી સીપાઈઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ ઘટના પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ કોઈ એન્કાઉન્ટર નથી. ઘટનાની તપાસ થઈ રહી છે. તેમણે કહ્યું કે જરૂર પડી તો આ મામલે સીબીઆઈ તપાસના આદેશ પણ અપાશે. બીજી બાજુ વિવેક તિવારીની પત્ની કલ્પનાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે મારા પતિને કેમ મારવામાં આવ્યાં, પોલીસ આવી રીતે કોઈને કેવી રીતે મારી શકે. તેમણે સીબીઆઈ તપાસની માગણી કરીને સીએમને પત્ર લખ્યો છે. આ સાથે જ વળતર તરીકે એક કરોડ રૂપિયા અને પોલીસ વિભાગમાં એક નોકરીની માગણી કરી.
મોડી રાતે મળેલી માહિતી મુજબ વિવેક તિવારી હત્યાકાંડ અંગે લખનઉના કલેક્ટરે જાહેરાત કરતા જણાવ્યું છે કે, વિવેકના પરિવારજનોની બધી જ માગણી સ્વિકારી લેવાઈ છે. સરકારે વિવેક તિવારીના પરિવારને વળતર પેટે રૂ.15 લાખ આપ્યા છે. આ ઉપરાંત, તેમની પત્નીને સરકારી નોકરી આપવામાં આવશે. આગામી 30 દિવસના અંદર સમગ્ર કેસની તપાસ કરી લેવાશે. જો પરિજનો ઈચ્છે છે કે, કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તો સરકાર તેના માટે પણ તૈયાર છે.
વિવેકની પત્ની કલ્પનાએ યોગી સરકાર પાસે ન્યાયની માગણી કરી છે અને પોલીસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે ગાડી ન રોકવા પર ગોળી ચલાવવાનો અધિકાર પોલીસને કોણે આપ્યો. જ્યારે વિવેક તિવારી હત્યાકાંડમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ચૌધરી અને તેની પત્નીએ પોલીસ પર આરોપ લગાવ્યો કે પોલીસ તેમની એફઆઈઆર નોંધી રહી નથી. આરોપીએ કહ્યું કે તેણે પોતાના સ્વબચાવમાં ગોળી ચલાવી હતી. મોડી રાતે બે વાગે એક સંદિગ્ધ કાર જોઈ, તેની લાઈટ બંધ હતી. જ્યારે તપાસ માટે કારની પાસે પહોંચ્યો તો કાર ચાલકે ભાગવાની કોશિશ કરી અને મારા પર કાર ચડાવવાની કોશિશ કરી. ત્યારબાદ મેં ગોળી ચલાવી.
જાણો કોણ છે આ વિવેક ચૌધરી
વિવેક ચૌધરી સુલ્તાનપુર યુપીના રહીશ હતાં. હાલ તેઓ પરિવાર સાથે લખનઉમાં રહેતા હતાં. વિવેકને બે પુત્રીઓ છે. વિવેકે સુલ્તાનપુરના કેએનઆઈટી અને મેરઠની દીવાન ઈન્સ્ટિટ્યૂટમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેઓ એપલ કંપનીના એરિયા સેલ્સ મેનેજરના પદ પર તહેનાત હતા. તેમની ઉંમર 30 વર્ષ હતી અને તેમણે 2014માં એપલ કંપની જોઈન કરી હતી.
વિવેકના પરિવારમાં માતમ છવાયો
વિવેકના અચાનક મોતથી પરિવારમાં માતમ પ્રસર્યો છે. પત્ની કલ્પનાનું કહેવું છે કે વિવેક એમ કહીને બહાર ગયા હતાં કે તેઓ રાતે મોડા આવશે કારણ કે કંપનીમાં કોઈ મોટું આયોજન હતું. તેમનું કહેવું હતું કે મેં જ્યારે દોઢ બે વાગ્યાની આસપાસ પતિને ફોન કર્યો તો કોઈ જવાબ ન મળ્યો. બે- ત્રણવાર કોલ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો ત્યારે ચિંતા થવા લાગી. ત્યારબાદ 3 વાગ્યાની આસપાસ કોઈએ ફોન કરીને જણાવ્યું કે પતિને વાગ્યુ છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કલ્પનાએ સવાલ ઉઠાવ્યો કે મને એ વાત પર શંકા જાય છે કે મોબાઈલ સતત રણકતો રહ્યો તો પોલીસે અમને સૂચના કેમ ન આપી.
શું વિવેક આતંકી હતો, કે એને ગોળી મારી
વિવેક તિવારીના સાળા વિષ્ણુ શુક્લાએ તેમના મોત પર સવાલ ઉઠાવતા પોલીસ પર જ ગંભીર આરોપ લગાવી દીધા. તેમણે કહ્યું કે વિવેક કોઈ આતંકી હતો કે તેને ગોળી મારી. અમે યોગી આદિત્યનાથને અમારા પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ આ મામલાને ગંભીરતાથી લે. અમે આ સમગ્ર મામલે નિષ્પક્ષ રીતે સીબીઆઈ તપાસ ઈચ્છીએ છીએ.
નકલી એન્કાઉન્ટરનો આરોપ
વિવેક તિવારના પરિવારે પોલીસ પર એન્કાઉન્ટરનો આરોપ લગાવ્યો છે. પીડિત પરિવારે કહ્યું કે પોલીસે વિવેકનું એન્કાઉન્ટર કર્યુ છે. તેમનું કહેવું છે કે આ કોઈ અકસ્માત નહીં પરંતુ હત્યા છે. પોલીસે નિર્દોષની હત્યા કરી છે.
સુનિયોજિત નહતી ઘટના-એસએસપી
લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીનું કહેવું છે કે 2 પોલીસકર્મીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરી દેવાયો છે. તેમણે કહ્યું કે વિવેક તિવારીના ચરિત્ર પર કોઈ શક નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પુષ્ટિ થઈ છે કે વિવેકની હત્યા માથામાં ગોળી લાગવાથી થઈ છે. આ ઘટના સુનિયોજિત નહતી. આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે. તેની મેજિસ્ટ્રેટ તપાસ થશે.
ઘટનાનું સત્ય
વિવેક તિવારી હત્યાકાંડને લઈને તેમની સાથે કારમાં બેઠેલી મહિલાનું નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મહિલાએ કહ્યું કે અમે લોકો કારમાં જઈ રહ્યાં હતાં. કાર ચાલુ હતી, રોકાયેલી નહતી. અચાનક ખોટી દિશામાંથી પોલીસ આવી અને અમારા લોકો પર બૂમો પાડવા લાગી. પોલીસ દ્વારા અમારા લોકો પર બૂમો પાડવાનો કોઈ અર્થ નહતો. અત્રે જણાવવાનું કે મહિલાની હાજરીમાં જ વિવેક તિવારી પર ફાયરિંગ થયું જેમાં તેમનું મોત થઈ ગયું.