Arvind Kejriwal: કોણ બનશે દિલ્હીના નવા CM? આ છે કેજરીવાલની રણનીતિ, બે નામો પર ચર્ચા તેજ
Arvind Kejriwal Resignation અરવિંદ કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસમાં રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી. તેમની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રીને લઈ ચર્ચા ચાલી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી પદ માટે સુનીતા કેજરીવાલ કે આતિશી પર દાવ લગાવી શકે છે. આ સિવાય અન્ય નામની પણ ચર્ચા ચાલી રહી છે.
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ બે દિવસની અંદર દિલ્લીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. ત્યારે હવે ચર્ચાનો વિષય એ છે કે આખરે અરવિંદ કેજરીવાલ કોને મુખ્યમંત્રીનું પદ સોંપશે. રાજકીય વિશ્લેષકો અંદાજો લગાવી રહ્યા છે કે કદાચ કોઈ મહિલા નેતા મુખ્યમંત્રી બની શકે છે. ત્યારે ક્યાં બે ચહેરા છે મુખ્યમંત્રી પદના દાવેદાર, જોઈએ આ રિપોર્ટમાં...
દિલ્લીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવાની જાહેરાત સાથે કેજરીવાલે એ પણ જાહેરાત કરી દીધી કે બે દિવસની અંદર જ નવા મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવાશે. ત્યારે રાજકીય ગલીઓમાં દિલ્લીના મુખ્યમંત્રીના નામ પર ગણગણાટ શરૂ થઈ ગયો છે.
રાજકીય તજજ્ઞો માની રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ કોઈ મહિલા નેતાને મુખ્યમંત્રી પદ સોંપી શકે છે. જો અરવિંદ કેજરીવાલ કોઈ મહિલા નેતાને પસંદ કરે તો તેમાં સૌથી આગળ આપ સરકારમાં મંત્રી રહેલી આતિશીનું નામ સૌથી આગળ છે. અતિશી મુખ્યમંત્રી માટે કેમ પ્રબળ દાવેદાર છે તેની વાત કરીએ તો,,
આતિશી આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી છે
શિક્ષા સહિત 14 વિભાગ હાલ આતિશી પાસે છે
ઉપમુખ્યમંત્રીની સલાહકાર પણ રહી ચૂકી છે
કેજરીવાલ જેલમાં હતા, ત્યારે આતિશીએ પાર્ટીને સંભાળી
સંકટ સમયે કેજરીવાલની પડખે ઉભી રહી છે આતિશી
કેજરીવાલના વિશ્વાસુ નેતાઓમાંની એક છે આતિશી
દિલ્લીના મુખ્યમંત્રી પદની રેસ માટે તો હાલ આતિશી જ સૌથી આગળ છે. તો આ સિવાય પણ બીજા એવા નેતાઓ છે કે જેઓ મુખ્યમંત્રી પદ માટે જાહેર થઈ શકે છે. મુખ્યમંત્રી માટે આતિશી સૌથી પ્રબળ દાવેદાર છે તો આ સિવાય સુનીતા કેજરીવાલ પણ રેસમાં દાવેદાર છે તો રાજ્યસભા સાંસદ સંજય સિંહના નામની પણ ચર્ચા છે. આ સિવાય દિલ્લી સરકારના મંત્રી ગોપાલ રાય પણ CMની રેસમાં આગળ છે.
અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત સાથે જ આક્ષેપ પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. ભાજપ નેતા મનોજ તિવારીએ આરોપ કરતા કહ્યુ કે અરવિંદ કેજરીવાલને તો કોર્ટે જ મુખ્યમંત્રી પદ પરથી દૂર કરી દીધા છે. ત્યારે કેજરીવાલની આ જાહેરાત ફક્ત એક ડ્રામા છે.
દિલ્લી ભાજપના પ્રમુખ વિનેન્દ્ર સચદેવ આપ પાર્ટી પર આરોપ લગાવતા કહી દીધુ કે દિલ્લીની જનતા હવે કેજરીવાલથી કંટાળી ગઈ છે. ભાજપ નેતાઓ તો ત્યાં સુધી કેજરીવાલને સવાલ કરી રહ્યા છે કે કેજરીવાલે રાજીનામું આપવામાં આટલો સમય કેમ લગાવી દીધો, જો જનતાની ચિંતા હોત તો જેલ જતાં પહેલા જ રાજીનામું આપવાની જરૂર હતી. કેજરીવાલનું રાજીનામુ અને જનતાની અદાલતમાં જવાની વાત કરવા પાછળ કેજરીવાલ પણ એક મોટો ખેલ પાડી રહ્યા છે. ત્યારે કેજરીવાલના આ ગેમ પ્લાનથી આગામી ચૂંટણીમાં કેટલો ફાયદો થશે, એ તો ચૂંટણીના પરિણામો પરથી જ સ્પષ્ટ થશે.