મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની કવાયત તેજ થઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 5 ડિસેમ્બરના રોજ મુંબઈમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે અને આઝાદ મેદાન કે મહાલક્ષ્મી રેસકોર્સમાં શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામ પર કોકડું ગૂંચવાયેલું જ છે. ભાજપે હજુ સુધી વિધાયક દળના નેતાની બેઠક પણ બોલાવી નથી. બીજી બાજુ એકનાથ શિંદે ઈચ્છે છે કે ભાજપ જલદી પોતાના નેતા પસંદ કરે જેથી કરીને મંત્રીમંડળ અંગે વાતચીત થઈ શકે. ભાજપ તરફથી સીએમના નામની જાહેરાતમાં વિલંબ થવાથી એ વાતની પણ અટકળો થઈ રહી છે કે શું કોઈ નવું નામ આવી શકે છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના જ મુખ્યમંત્રી હોઈ શકે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાયુતિના નેતાઓ સાથે ગુરુવારે બેઠક કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે અમિત શાહ જોડે મુલાકાત  કરી હતી. રિપોર્ટ મુજબ દાવો થઈ રહ્યો છે કે આ બેઠકમાં એ વાતના સંકેત અપાયા કે મુખ્યમંત્રી ભાજપ તરફથી જ હશે પરંતુ એ વાતનો ખુલાસો કરાયો નથી કે આખરે કોણ મુખ્યમંત્રી બનશે. 


શું દેવેન્દ્ર ફડણવીસ બનશે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની 132 સીટો પર જીત બાદથી જ દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા થવા લાગી છે. પરંતુ ભાજપે હજુ સુધી અધિકૃત રીતે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી નથી. અમિત શાહ સાથે બેઠકમાં પણ મુખ્યમંત્રી પદને લઈને દેવેન્દ્ર ફડણવીસના નામ પર કોઈ સુનિશ્ચિતતા જતાવવામાં આવી નથી. ત્યારબાદ હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું ભાજપ સીએમ માટે કોઈ નવો ચહેરો જાહેર કરશે?


ભાજપે પહેલા પણ ચોકાવ્યા છે
વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ એકનાથ ખડસે અને ગોપીનાથ મુંડે સિવાય અનેક નામો ચાલી રહ્યા હતા. પરંતુ ભાજપે ચોંકાવનારો નિર્ણય લેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કર્યું હતું. ઉદ્ધવ સરકાર પડ્યા બાદ પણ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને એવી અટકળો થઈ હતી. પરંતુ સીએમ પદ માટે અચાનક એકનાથ શિંદેનું નામ સામે આવ્યું. એટલું જ નહીં એકનાથ શિંદે સરકારમાં દેવેન્દ્ર  ફડણવીસને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ પણ અનેક રાજ્યોમાં ભાજપ આ રીતે ચોંકાવી ચૂક્યો છે. પરંતુ હવે પ્રશ્ન એ ઉઠે છે કે જો ફડણવીસ સીએમ ન બને તો કોને તક મળશે? આ માટે 2 નામ આગળ ચાલી રહ્યા છે. 


ફડણવીસ નહીં તો કોણ?
દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત મુખ્યમંત્રીની રેસમાં બીજુ નામ ચંદ્રશેખર બાવનકુલેનું નામ ચાલી રહ્યું છે. જે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ છે. ચંદ્રશેખ બાવનકુલે કામઠી વિધાનસભા સીટથી ધારાસભ્ય છે અને ચોથીવાર જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. ચંદ્રશેખર બાવનકુલે અગાઉ 2014માં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેલી સમાજથી આવતા ચંદ્રશેખર બાવનકુલેનો વિદર્ભ ક્ષેત્રમાં તેલી સમાજ બીજો સૌથી મોટો ઓબીસી વર્ગ છે. 2019ની ચૂંટણીમાં ભાજપે બાવનકુલેની ટિકિટ કાપી હતી, પરંતુ 12 ઓગસ્ટ 2022ના રોજ મોટી જવાબદારી સોંપતા મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષ નિયુક્ત કર્યા હતા. આ ઉપરાંત બાવનકુલેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પણ નીકટ ગણવામાં આવે છે. 


બીજુ નામ મુરલીધર મોહોલ
મુખ્યમંત્રીની રેસમાં દેવેન્દ્ર ફડણવીસ અને ચંદ્રશેખર બાવનકુલે ઉપરાંત મુરલીધર મોહોલનું નામ પણ ચાલી રહ્યું છે. જે પુણે લોકસભા સીટથી સાંસદ છે. વર્ષ 2024ની ચૂંટણીમાં પહેલીવાર તેઓ સાંસદ બન્યા અને પહેલીવારમાં જ તેમને મોદી કેબિનેટમાં જગ્યા મળી ગઈ. લગભગ 3 દાયકા પહેલા ભાજપથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા મુરલીધર મોહોલ પુણેના મેયર પણ રહી ચૂક્યા છે.