મહારાષ્ટ્ર: સરકાર અનામત આપવા તૈયાર છે, છતાં મરાઠાઓ કેમ રસ્તાઓ પર ઉતરી આવ્યાં?
બે વર્ષની ખામોશી બાદ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય એકવાર ફરીથી રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણીની સાથે સમુદાયે સમગ્ર પ્રદેશમાં મૂક માર્ચ કાઢી હતી.
બે વર્ષની ખામોશી બાદ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય એકવાર ફરીથી રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે અનામતની માગણીની સાથે સમુદાયે સમગ્ર પ્રદેશમાં મૂક માર્ચ કાઢી હતી. પરંતુ આ વખતે મહારાષ્ટ્ર ઉગ્ર આંદોલનના કારણે સળગી રહ્યું છે. ઠેર ઠેર હિંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની કુલ વસ્તીમાં મરાઠા સમુદાયની ટકાવારી 33 ટકા છે.
હવે તસવીરનો બીજો પહેલુ એ છે કે હાલમાં જ 20 જુલાઈના રોજ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે રાજ્ય વિધાનસભામાં સરકારી નોકરીઓમાં મરાઠા સમુદાયને 16 ટકા અનામત આપવા અંગેની જાહેરાત કરી હતી. સરકારને એવી આશા હતી કે લાંબા સમયથી અનામતની માગણી કરી રહેલો મરાઠા સમુદાય આ જાહેરાતથી ખુશ થઈ જશે પરંતુ તેનાથી બિલકુલ વિપરિત થયું. મરાઠા આંદોલનકારીઓ આ જાહેરાતથી નારાજ થઈ ગયા અને તેમણે જાહેરાત કરતા કહ્યું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અષાઠી એકાદશી પર પૂજા કરવા માટે પંઢરપૂર જશે તો તેમનો ઘેરાવો કરવામાં આવશે. પરિણામે મુખ્યમંત્રીએ પોતાનો ત્યાં જવાનો કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો અને ઘરે જ પૂજા કરવી પડી. પ્રદર્શનકારીઓ હવે મુખ્યમંત્રીના સરકારી આવાસને ઘેરવાની વાતો કરી રહ્યાં છે.
આવામાં સવાલ એ ઉઠે છે કે જ્યારે મરાઠા આંદોલનકારીઓની અનામતની માગણી માની લેવામાં આવી છે તેમ છતા આ રીતના હિંસક પ્રદર્શનો કેમ થઈ રહ્યા છે? આમ તો મરાઠા સમુદાયના અનેક સંગઠન છે. પરંતુ આ આંદોલનનું નેતૃત્વ મરાઠા ક્રાંતિ મોરચા કરી રહ્યું છે. આ સંગઠનના બેનર હેઠળ મરાઠા સમુદાયના તમામ સંગઠનો પ્રદર્શન કરી રહ્યાં છે.
અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના દરજ્જાની માગણી
હકીકતમાં આંદોલનકારી મરાઠા નેતાઓનું કહેવું છે કે તેઓ અનામત નહીં પરંતુ પોતાના સમુદાય માટે ઓબીસીનો દરજ્જો ઈચ્છે છે. આ પાછળ તેમનો તર્ક એ છે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ 50 ટકાથી વધુ અનામત હોવાના કારણે અપાયેલી અનામતના અમલીકરણમાં મુશ્કેલીઓ છે. અન્ય રાજ્યોમાં આ પ્રકારની જાહેરાતોને કોર્ટે ફગાવી છે. આના કરતા જો મરાઠા સમુદાયને ઓબીસીનો દરજ્જો મળી જાય તો સ્વાભાવિક રીતે પછાત તબક્કાને મળતી અનામતની મર્યાદામાં તેઓ આવી જશે. આ મુદ્દે નેતાઓ એમ પણ કહે છે કે રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને ઓબીસીમાં સામેલ કરવા સંબંધે અંતિમ નિર્ણય લઈ શકે છે.
જો કે સરકારનું કહેવું છે કે ઓબીસી આયોગ આ પ્રસ્તાવ પર અગાઉથી વિચાર કરી રહ્યું છે અને તે દિશામાં કામ કરી રહ્યું છે. પરંતુ આંદોલનકારીઓને સરકારના મનસૂબાઓ પર ભરોસો નથી. તેમનું કહેવું છે કે આયોગ ખુબ ધીમી ગતિથી કામ કરી રહ્યું છે. આથી સરકારે તેમના અંતિમ રિપોર્ટની રાહ જોવી જોઈએ નહીં.