નકસલવાદઃ ગઢચિરોલીમાં જ શા માટે સૌથી વધુ નકસલવાદી હુમલા થાય છે?
ગઢચિરોલી માટે એવું કહેવાય છે કે, અહીં સરકારનું નહીં પરંતુ નકસલવાદીઓનું રાજ છે. આ એક એવું ગાઢ જંગલ છે, જેને નકસલવાદીઓનો સૌથી સુરક્ષિત અડ્ડો માનવામાં આવે છે. અહીં ઘુસવું કોઈના પણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીઃ ગઢચિરોલી એક એવો વિસ્તાર છે જેને 'લાલ ગલિયારા' (Red Corridor)માં સામેલ કરવામાં આવેલો છે. રેડ કોરિડોર એટલે કે એવો વિસ્તાર જ્યાં નકસલવાદી સૌથી વધુ સક્રિય છે. દેશના 10 રાજ્યના 74 જિલ્લા નકસલ પ્રભાવિત છે અને તેને રેડ કોરિડોર ગણવામાં આવે છે. ગઢચિરોલી માટે એવું કહેવાય છે કે, અહીં સરકારનું નહીં પરંતુ નકસલવાદીઓનું રાજ છે. આ એક એવું ગાઢ જંગલ છે, જેને નકસલવાદીઓનો સૌથી સુરક્ષિત અડ્ડો માનવામાં આવે છે. અહીં ઘુસવું કોઈના પણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
ગઢચિરોલીમાં નકસલવાદીઓ ગોરિલ્લા હુમલો કરતા હોય છે, એટલે કે તેઓ ઘાત લગાવીને જ બેઠા હોય છે. સાથે જ તેઓ જમીનમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) લગાવીને સુરક્ષા દળોને નિશાન બનાવે છે. આ જિલ્લો મહારાષ્ટ્રના દક્ષિણ પૂર્વ ખૂણામાં આવેલો છે. તે પશ્ચિમમાં છત્તીસગઢ અને દક્ષિણ તથા દક્ષિણ પશ્ચિમમાં તેલંગાણાની બોર્ડરને સ્પર્શે છે.
આ એક આદિવાસી જિલ્લો છે જેમાં ગોંડ અને માડિયા સમુદાયના લોકોની સૌથી મોટી સંખ્યા છે. આ જિલ્લામાં બંગાળી સમુદાયના લોકો પણ વસેલા છે, જેમને 1972ના બંગાળના ભાગલા પછી અહીં વસવાટ કરાવાયો હતો.
લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
કેવી રીતે થયું રેડ કોરિડોરનું નિર્માણ?
80ના દાયકામાં ગઢચિરોલીમાં નકસલવાદે જ્યારે પોતાના મૂળિયા ફેલાવાનું શરૂ કર્યું ત્યારે નકસલવાદીઓએ સૌથી પહેલા તો સમગ્ર વિસ્તાર પર કબ્જો કર્યો. તેમણે અહીંથી પસાર થતા સુરક્ષા દળોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. સાથે જ ગાઢ જંગલ અને જંગલી પ્રાણીઓને પણ પોતાની કમાણીનું સાધન બનાવી લીધું. આ વિસ્તારમાં નકસવાદીઓ ગાઢ જંગલની વચ્ચે કે પછી નાના-નાના પર્વતો પર પોતાનો અડ્ડો બનાવે છે. આથી તેમના સુધી પહોંચવું સરળ હોતું નથી.
નકસલવાદ અને મુખ્યધારા
છેલ્લા બે દાયકાથી મધ્યભારતમાં નકસલવાદ એક વિકરાળ સમસ્યા બનેલો છે. જેનું મુખ્ય કારણ આ વિસ્તારનું વિકાસથી વંચિત રહેવું છે. નકસવાદ પ્રભાવિત વિસ્તારના લોકો મોટાભાગના પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. સુરક્ષા દળો દ્વારા અનેક વખત નક્સલવાદીઓને પકડવાના પ્રયાસ થયા છે, પરંતુ તેઓ મુખ્યધારામાં સામેલ થયા નથી. અહીં વસતા મોટાભાગના લોકો આદિવાસી છે અને તેઓ સમાજની મુખ્યધારામાં હજુ સુધી જોડાયા નથી. અહીં, શિક્ષણ, વિજળી, રોજગાર જેવી મુળભૂત સમસ્યાઓ છે.