ગુરગ્રામઃ હરિયાણાના ગુડગાંવમાં એક જજના ગનરે ભીડભરેલા બજારમાં કથિત રીતે તેમની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. કમિશનર સુલોચના ગજરાજે જણાવ્યું કે, બંનેને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક છે. ગનરની ધરપકડ કરી લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે, આ ઘટના ગુરૂગ્રામ સેક્ટર 49ના માર્કેટ રોડ પર લગભગ બપોરે ત્રણ કલાકની ઘટના છે, જ્યારે એડિશનલ જજ કૃષ્ણકાંતના પત્ની ઋતુ અને તેમનો પુત્ર આર્કેડિય બજારમાં ખરીદી માટે ગયા હતા. તેમની સાથે જજનો ગનર મહિપાલ પણ હતો. 


ગજરાજે જણાવ્યું કે, "સ્થાનિક લોકોએ પોલીસને આર્કેડિયા બજારની બહાર ગોળીબાર થયાની સુચના આપી હતી. પોલીસ અહીં પહોંચી ત્યારે જજની પત્ની ઋતુ અને પુત્ર ધ્રુવ લોહીથી લથબથ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા." 


પોલીસે જણાવ્યું કે, બંને ઘાયલને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. બંનેની હાલત નાજુક છે. પોલીસે મહિપાલને ફરીદાબાદમાંથી પકડી લીધો છે અને તેણે ગોળી શા માટે ચલાવી તેની પુછપરછ ચાલી રહી છે. 


આ ઘટનાનો એક વીડિયો બહાર આવ્યો છે. આરોપી ગનર ગોળી માર્યા બાદ સડક પર બૂમો પાડી રહ્યો હતો કે, "યે શૈતાન હૈ ઔર યે શૈતાન કી માં." વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે આરોપી ગોળી માર્યા બાદ જજના પુત્રને ઉંચકીને કારમાં નાખવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ તે નાખી શકતો નથી. 



પોલીસના જણાવ્યા અનુસાર, ગોળી માર્યા બાદ આરોપીએ જજને ફોન કરીને જણાવ્યું હતું કે, મેં આ બંનેને ગોળી મારી દીધી છે. ત્યાર બાદ તેણે પોતાની માતા અને અન્ય બે-ત્રણ લોકોને પણ ફોન કરીને પોતાના કૃત્યની જાણ કરી હતી. આટલું કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેના હાથમાં બંદૂક હોવાને કારણે ઘટનાસ્થળે હાજર લોકો તેની નજીક જઈ શક્યા ન હતા.