અખિલેશ યાદવ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન?
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની વાત કરી.
લખનઉ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની વાત કરી. અખિલેશે પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે કોંગ્રેસે ખુબ રાહ જોવડાવી, પરંતુ હવે અમે તેમની રાહ જોઈશું નહીં. બસપા સાથે પણ વાત કરીશું. તેમણે કહ્યું કે મતો ભલે ઓછા મળ્યા હોય પરંતુ મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ચોથા સ્થાનની પાર્ટી છે.
આવામાં હવે એવા સવાલ ઉઠવા લાગ્યા છે કે લોકસભા ચૂંટણી 2019માં અખિલેશ યાદવ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે કે નહીં? આ મોટા સવાલ પર અખિલેશે કહ્યું કે 'અમે સમાજવાદી લોકો હેરાન કરતા નથી.' હવે હેરાન નહીં કરવાનો અર્થ શું હશે તે તો આવનારા સમયમાં જાણવા મળશે.
અખિલેશે પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રદેશના શિક્ષકોને સન્માનિત કર્યાં. આ દરમિયાન ચૂંટણીવાળા રા્જયોમાં ગઠબંધનને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે સપા છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણી લડશે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ગોંડવાના ગણતંત્ર પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ન થવા પર ઉમેદવારો ઉતારવાના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે "તો શું સહયોગી પક્ષ પોતાને ખતમ કરી નાખે."
અખિલેશે ભાજપ પર નિશાન સાંધતા કહ્યું કે સાડા ચાર વર્ષ પહેલા સ્વદેશીની વાત કરનારા અને આંદોલન ચલાવનારા હવે ચૂપ છે. કેન્દ્રની સરકારે ચીનથી સામાન આયાત કરવાનું લાયસન્સ આપ્યું છે અને આખું માર્કેટ ચીનના સામાનથી ભરેલું પડ્યું છે. હવે તો ભગવાનની મૂર્તિઓ અને મીઠાઈના ડબ્બા પણ ચીનથી આવવા લાગ્યાં છે.
રાજ્યવાર થશે વિપક્ષનું ગઠબંધન: કોંગ્રેસ
કોંગ્રેસે આજે કહ્યું કે વિપક્ષી દળોનો હેતુ નરેન્દ્ર મોદી સરકારને હટાવવાનો છે. આથી તેઓ પોતાનું લક્ષ્ય સાંધવા માટે અલગ અલગ રાજ્યોમાં પોતાનું ગઠબંધન બનાવશે અને વિભિન્ન પક્ષો વચ્ચે કોઈ અંતરવિરોધ નહીં હોય. કોંગ્રેસે કહ્યું કે હાલની સરકાર પોતાના જ લોકો સામે ઝઝૂમી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે જો ગઠબંધન કરવું પડશે તો તેઓ રાજ્ય પ્રમાણે કરશે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસ મજબુત છે. કેટલાક રાજ્યોમાં કદાચ અમને ગઠબંધનની જરૂર જ નથી. પરંતુ જે રાજ્યોમાં કોંગ્રેસ એટલી મજબુત નથી ત્યાં અમારે સહાયકની ભૂમિકા ભજવવી પડશે.
વિપક્ષી મહાગઠબંધનની સંભાવનાના મુદ્દે તેમણે કહ્યું કે પ્રદેશના રાજકારણમાં હંમેશા વિભિન્ન રાજનીતિક પક્ષો વચ્ચે પ્રતિસ્પર્ધા રહે છે. તેમણે કહ્યું કે તેમાં કશું ખોટું નથી.
ક્યાંક મહાગઠબંધન એ મહાતૂટગઠબંધન બનીને ન રહી જાય
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં જે રીતે બસપા-સપાએ કોંગ્રેસ પર આરોપ લગાવીને ગઠબંધન કરવાનો ઈન્કાર કર્યો છે તેને લઈને આગામી લોકસભા ચૂંટણીમાં પણ આ ત્રણ પાર્ટીઓના મહાગઠબંધન ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફક્ત ગઠબંધનની વાતો કરતા રહે છે પરંતુ તેમના તરફથી કોઈ નક્કર પ્રયત્ન જોવા મળતો નથી. આ બાજુ ત્રણેય પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગને લઈને પણ કોઈ સહમતિ બની નથી. જો આમ થયું તો મહાગઠબંધનની વાત ફક્ત હવામાં જ રહી જશે.