પાકિસ્તાન નહી સુધરે તો ભારત રમઝાનમાં સીઝફાયર તોડવા વિવશ થશે: અહીર
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન નહી માને તો ભારત પણ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવા માટે મજબુર બનશે
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં સતત થઇ રહેલા ગોળીબાર અને સીમાપારથી સંઘર્ષવિરામ ઉલ્લંઘન વચ્ચે કેન્દ્ર સરકારે હવે સ્પષ્ટ કહ્યું છે કે જો પાકિસ્તાન પોતાની હરકતો ચાલુ રાખશે તો રમજાનમાં સીઝફાયરની સમજુતીને તોડવા માટે અમે વિવશ છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને કેન્દ્ર સરકારે રમઝાનનાં પવિત્ર મહિનામાં સીમા સીઝફાયરનો નિર્ણય લીધો હતો. તે મુદ્દે હવે કેન્દ્રીયમંત્રીનું નિવેદન આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી હંસરાજ અહીરે પાકિસ્તાનની તરફથી સતત ગોળીબાર અને આતંકવાદી હૂમલાની ઘટનાઓ મુદ્દે મહત્વપુર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે રમઝાનને જોતા સિક્યોરિટી ઓપરેશન્સ કરવા માટેનો નિર્ણય લીધો હતો. જો કે પાકિસ્તાનની તરફથી સીમાપારના આતંકવાદ અને યુદ્ધવિરામનાં ઉલ્લંઘનમાં કોઇ રાહત જોવા નથી મળી રહી. હંસરાજ અહીરે કહ્યું કે, પાકિસ્તાનની તરફથી એવી ઘટનાઓમાં કોઇ ઘટાડો થવા નથી પામ્યો.
હંસરાજ અહીરે કહ્યું કે, પાકિસ્તાનની તરફથી એવી ઘટનાઓ સતત વધી રહી છે. એવામાં અમે સિઝફાયરની સમજુતીને તોડવા માટે અમે વિવશ થઇશું. અહીરે સ્પષ્ટ કર્યું કે યુદ્ધ વિરામની શરતો હેઠળ વળતો હૂમલો કરવા માટેનો અધિકાર છે. જો કે અહીરે કહ્યું કે, ભારત હજી પણ પહેલા હૂમલા નહી કરવાની નીતિ પર સ્પષ્ટ છે. બીજી તરફ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના મહાનિરીક્ષક રામ અવતારે પણ રવિવારે સ્પષ્ટ કહ્યું કે, પાકિસ્તાની દળોની તરફથી ભારતીય ચોકીઓ પર હાલનાં હૂમલાઓ ફરી એકવાર સાબિત કરે છે કે ઇસ્લામાબાદ કહે કંઇક બીજુ છે અને કરે બીજુ કંઇક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ઉલ્લંઘનમાં બીએસએફનાં બે જવાનો ફરીથી શહીદ થઇ ગયા જ્યારે તેમાં 13 અન્ય લોકો ઘાયલ થયા છે.