કર્ણાટકઃ શું ખતરામાં છે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન? સિદ્ધારમૈયાએ વ્યક્ત કરી CM બનવાની ઈચ્છા
સિદ્ધારમૈયાએ કહ્યું, મેં વિચાર્યું હતું કે લોકો ફરી મને આશીર્વાદ આપશે અને મુખ્યપ્રધાન બનાવશે. દુર્ભાગ્યપૂર્ણ હું હારી ગયો, પરંતુ આ અંત નથી. રાજનીતિમાં જીત-હાર સામાન્ય છે.
હાસન (કર્ણાટક): ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે કોંગ્રેસ+જેડીએસની જેમતેમ બનેલી સરકારમાં બધુ બરાબર ચાલતું નથી. પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના મોટા નેતા સિદ્ધારમૈયાએ ફરી એકવાર મુખ્યપ્રધાન બનાવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાસનની એક જનસભામાં સિદ્ધારમૈયાએ કહ્યું, જનતાના આશીર્વાદથી એકવાર ફરી રાજ્યનો સીએમ બનીશ. તેમણે કહ્યું કે, મને બીજીવાર સીએમ બનતો રોકવા માટે વિપક્ષ સાથે આવ્યો અને મોટા પાયે જાતિ કાર્ડ અને ધનબળની મદદ લેવામાં આવી હતી.
સિદ્ધારમૈયાએ કહ્યું, મેં વિચાર્યું હતું કે લોકો ફરી મને આશીર્વાદ આપશે અને મુખ્યપ્રધાન બનાવશે. દુર્ભાગ્યપૂર્ણ હું હારી ગયો, પરંતુ આ અંત નથી. રાજનીતિમાં જીત-હાર સામાન્ય છે.
મહત્વનું છે કે કર્ણાટક એકમાત્ર મોટુ રાજ્ય છે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે. આ વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોઇપણ પાર્ટી બહુમતના આંકડા સુધી પહોંચી શકી ન હતી. ભાજપ 104 દારાસભ્યો સાથે નંબર-1 પાર્ટી બનીને ઉભરી હતી. પરંતુ યેદિયુરપ્પા બહુમત સાહિત ન કરી શક્યા ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે જેડીએસને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ કુમારસ્વામી સીએમ બન્યા અને તેમની આગેવાનીમાં સરકારની રચના કરવામાં આવી હતી. કોંગ્રેસની પાસે 78 અને જેડીએસની પાસે 37 ધારાસભ્યો છે.
કોંગ્રેસ+જેડીએસના ગઠબંધનની સરકાર બન્યાના હજુ થોડા મહિના જ થયા છે પરંતુ બંન્ને પક્ષો તરફથી નિદેવનબાજી શરૂ થઈ ગઈ છે. ખુદ સીએમ કુમારસ્વામીએ પણ કહ્યું હતું કે તેને જનતાએ નહીં કોંગ્રેસે મુખ્યપ્રધાન બનાવ્યા છે.
હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના હાલના નિવેદનથી ખ્યાલ આવે છે કે ગઠબંધનમાં બધુ બરાબર નથી. મહત્વની વાત છે કે સરકાર બન્યા બાદ રાજ્યમાં યોજાયેલી પેટાચૂંટણીમાં પણ બંન્ને પક્ષોએ સામસામે ઉમેદવાર ઉતાર્યા હતા. આ સિવાય જેડીએસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પણ કહી ચુક્યા છે કે, તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં એકલી મેદાનમાં ઉતરી શકે છે.