જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરશે: રાહુલ ગાંધી
કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે જો સત્તામાં આવશે તો ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરશે, રાહુલે કહ્યું કે, મુસ્લિમ પુરૂષોને પોલીસ સ્ટેશનમાં પુરવા માટે આ કાયદો બનાવાયો છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, સત્તામાં આવશે તો ત્રિપલ તલાક કાયદાને ખતમ કરવાની વાત કરી છે. દિલ્હીમાં પાર્ટીના લઘુમતી અધિવેશન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં સિલચરથી સાંસદ અને ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેબની તરફથી આ જાહેરાત કરવામાં આવી. લઘુમતીની વચ્ચે પાર્ટીનો આધાર મજબુત કરવાનાં ઇરાદાથી ગુરૂવારે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાહુલ ગાંધી મુખ્ય મહેનાત તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કરવાની સાથે જણઆવ્યું કે, વડાપ્રધાન મોદીનાં ચહેરાને ધ્યાનથી જુઓ તો ગભરાટ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.
રાહુલે કહ્યું કે, વડાપ્રધાન સમજી ચુક્યા છે કે, દેશનાં લોકોને તોડીને ક્યારેય વડાપ્રધાન બની શકાય નહી. ભાજપના લોકો કહેતા હતા કે મોદી સરકાર 15 વર્ષ સુધી વડાપ્રધાન રહેશે, પરંતુ કોંગ્રેસે તેમનાં આ દાવાનો છેદ ઉડાડી દીધો છે. પહેલા ભાજપનાં લોકો કહેતા હતા કે અચ્છે દિન આવશે, પરંતુ હવે દેશનાં લોકો કહે છે કે ચોકીદાર ચોર છે.
રાહુલે જણાવ્યું કે, આ દેશ કોઇ એક ધર્મનો નથી. આ દેશ હિન્દુસ્તાનનાં દરેક વ્યક્તિનો છે. લડાઇ બે વિચારધારાઓ વચ્ચેની છે, આ દેશની લઘુમતીએ પણ દેશને બનાવવાનું કામ કર્યું છે. એક વિચારધારા કહે છે કે દેશ સોનાની ચકલી છે, જેનો અર્થ થાય છે કે, દેશ એક પ્રોડક્ટ છે. જો કે અમારી વિચારધારા કહે છે કે દેશ એક નદી છે, જેમાં તમામ લોકોને સ્થાન મળવું જોઇએ.
રાહુલ ગાંધીએ RSSની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, આરએસએસનાં લોકો ઇચ્છે છે કે દેશનું સંચાલન નાગપુરથી થાય. નરેન્દ્ર મોદી દેશને આગળથી ચલાવવા માંગે છે, જ્યારે મોહન ભાગવત દેશને પડદા પાછળ રહીને ચલાવવા માંગે છે. આપણુ સંવિધાન કોંગ્રેસ પાર્ટીનું નહી પરંતુ દેશનું છે. તેનું સંરક્ષણ દેશની તમામ પાર્ટીઓની ફરજ છે.