શત્રુઘ્ન સિન્હા પોતાના વચનનો ભંગ કરી 2019માં PM મોદીની સામે વારાણસીથી લડશે ચૂંટણી?
પોતાની જ પાર્ટીથી નારાજ જોવા મળી રહેલા પટણા સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા આગામી લોકસભા ચૂંટણી વારાણસીથી લડી શકે છે.
લખનઉ: પોતાની જ પાર્ટીથી નારાજ જોવા મળી રહેલા પટણા સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા આગામી લોકસભા ચૂંટણી વારાણસીથી લડી શકે છે. મીડિયામાં એ વાતની ચર્ચા ખુબ થઈ રહી છે કે તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે. વાત જાણે એમ છે કે ગુરુવારે તેઓ સપા દ્વારા આયોજિત જયપ્રકાશ નારાયણ જયંતી કાર્યક્રમમાં સામેલ થવા માટે લખનઉ પહોંચ્યા હતાં. આ દરમિયાન ત્યાં તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. જ્યારે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના ખુબ વખાણ કર્યાં. તેમણે અખિલેશ યાદવને ઉભરતો સિતારો અને યુપીના મશહૂર નેતા ગણાવ્યાં.
મીડિયા રિપોર્ટ્સ મુજબ સપા નેતાઓએ સંકેત આપ્યા છે કે સિન્હાને વારાણસીની ટિકિટ આપી શકાય છે. પરંતુ આવી સંભાવના ખુબ ઓછી છે. કારણ કે શત્રુઘ્ન સિન્હાએ આગામી ચૂંટણી લડવા સંબંધે અનેક સ્પષ્ટતાઓ સાથે એક વચન આપ્યું હતું.
તો શું પોતાનું જ વચન તોડીને ચૂંટણી લડશે શોટગન?
20 દિવસ પહેલાની જ વાત છે. બિહારમાં પટણા સાહિબથી શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાવવાના અહેવાલો આવ્યાં હતાં. સુશીલ મોદીને પટણા સાહિબથી ટિકિટ આપવાની ચર્ચાઓ મીડિયામાં થઈ રહી હતી. જો કે અધિકૃત રીતે કઈ જ કહેવામાં આવ્યું નહતું. જેના પર શત્રુઘ્ન સિન્હાએ એક ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે ઈશારામાં કહ્યું હતું કે પટણા સાહિબ સીટ પર ભાજપના ઉમેદવારને લઈને જે પણ અહેવાલો આવી રહ્યાં છે તે અફવા છે. આ ફેક અને પેડ ન્યૂઝ છે, આ ખબરને પ્લાન કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે જો આ અધિકૃત હશે તો પણ તેમને તેનાથી કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું હતું કે મારું સ્ટેન્ડ પહેલા જે હતું એ જ છે.
શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ પટણા સાહિબથી જ ચૂંટણીના મેદાનમાં ઉતરશે. આ અંગે તેમણે લખ્યું હતું કે 'સ્થિતિ અલગ હોઈ શકે છે, સ્થાન એ જ રહેશે- પટણા સાહિબ'. એટલે કે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ચૂંટણી પટણા સાહિબથી જ લડશે. જો કે સ્થિતિ અલગ હોઈ શકે છે.
વારાણસીથી સપાની ટિકિટ સ્વીકારવી મુશ્કિલ
બની શકે કે સપાની ઈચ્છા શત્રુઘ્ન સિન્હાને વારાણસીથી લડાવવાની હોય પરંતુ શત્રુઘ્ન પોતે વારાણસીની ટિકિટ સ્વીકારે તે વાતની શક્યતા નહિવત્ છે. ખાસ કરીને જ્યારે ચૂંટણીના મેદાનમાં પીએમ મોદી હોય. પોતાની ટ્વિટમાં સિન્હાએ પોતે જ એ વાતના સંકેત આપ્યા છે કે તેઓ પટણા સાહિબથી ચૂંટણી લડશે. આવામાં એ વાતની અટકળો થઈ રહી છે કે જો ભાજપે પટણા સાહિબથી તેમનું પત્તું કાપ્યું તો તેઓ આરજેડીમાંથી ચૂંટણી લડી શકે છે.