PM પદ માટે તમે મમતાનું સમર્થન કરશો કે માયાવતીનું? જાણો રાહુલે શું આપ્યો જવાબ
કોંગ્રેસે રવિવારે આગામી લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ ગઠબંધન માટે અધિકૃત કરતા કહ્યું કે ભાજપને સત્તામાંથી હટાવવાના અભિયાનમાં રાહુલ ગાંધી જ પાર્ટીનો ચહેરો રહેશે.
નવી દિલ્હી: કોંગ્રેસે રવિવારે આગામી લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખીને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ ગઠબંધન માટે અધિકૃત કરતા કહ્યું કે ભાજપને સત્તામાંથી હટાવવાના અભિયાનમાં રાહુલ ગાંધી જ પાર્ટીનો ચહેરો રહેશે. આ પ્રકારે કોંગ્રેસે તેમની પાર્ટીના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધીને જાહેર કરી દીધા છે. કોંગ્રેસે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વિપક્ષની ધુરી હવે સોનિયા ગાંધી નહીં પરંતુ રાહુલ ગાંધી હશે. સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે શું બસપા સુપ્રીમો માયાવતી અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી 2019ની ચૂંટણીમાં તેમને વિપક્ષના નેતા માનવા તૈયાર થશે?
આ વિપક્ષી નેતાઓની ઈચ્છા ભલે ગમે તે હોય પરંતુ કોંગ્રેસની જાહેરાત બાદ પોતાના પહેલા સાર્વજનિક કાર્યક્રમમાં સ્થિતિ સ્પષ્ટ કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ પણ એવા ઉમેદવારનું સમર્થન કરશે જે ભાજપ અને આરએસએસને હરાવશે. મંગળવારે સાંજે મહિલા પત્રકારો સાથે એક કાર્યક્રમમાં સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વડાપ્રધાન પદ માટે માયાવતી કે મમતા બેનરજીના નામનું સમર્થન કરશે તો રાહુલ ગાંધીએ તેનો જવાબ આપ્યો.
સૂત્રોના જણાવ્યાં મુજબ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય મુદ્દો યુપી અને બિહારમાં જીત મેળવવાનો છે. કારણ કે આ બંને રાજ્યોમાં કુલ મળીને લોકસભાની 22 ટકા બેઠકો છે. આથી આ રાજ્યોમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ ગઠબંધન માટે તૈયાર છે.