લગ્નમાં થયું એવું કે, લથડતા પગે દુલ્હને લીધા સાત ફેરા
દિલ્હીના શકરપુર વિસ્તારમાં લગ્ન દરમિયાન ગોળી ચાલવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે વરમાળા દરમિયાન કોઈ શખ્સે ખુશીમાં ફાયરિંગ કર્યું હતું અને તે ગોળી દુલ્હનના પગમાં જઈને વાગી હતી.
નવી દિલ્હી : દિલ્હીના શકરપુર વિસ્તારમાં લગ્ન દરમિયાન ગોળી ચાલવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે વરમાળા દરમિયાન કોઈ શખ્સે ખુશીમાં ફાયરિંગ કર્યું હતું અને તે ગોળી દુલ્હનના પગમાં જઈને વાગી હતી. ઘટના બાદ આનન-ફાનનમાં તેને હોસ્પિટલમાં લઈ જવામા આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને હોસ્પિટલમાંથી પરત લગ્ન મંડપમાં લઈ આવવામાં આવી હતી. પરત આવીને જખ્મી હાલતમાં દુલ્હને લગ્નની બાકીની વિધી પૂરી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંડાવલીની રહેનારી પૂજાના લગ્ન ભારત ઉર્ફે ગોલુ સાથે ગુરુવારે યોજાયા હતા. લગ્ન શકરપુર સ્થિત સ્કૂલ બ્લોકમાં પ્રાચીન શિવ મંદિરમા થઈ રહ્યા હતા. ભારત ગીતા કોલોનીનો રહેવાસી છે. રાતના અંદાજે 12 વાગ્યે દુલ્હન-દુલ્હા વરમાળા માટે સ્ટેજ પર પહોંચ્યા. આ સમયે કોઈએ હવામાં ફાયરિંગ કર્યું હતું, આ ગોળી દુલ્હનના પગમાં વાગી હતી.
ઘટનાની જાણકારી થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવતી પક્ષની ફરિયાદ પર આઈપીસીની ધારા 326 અને આર્મ્સ એક્ટ 25 અંતર્ગત કેસ નોંધ્યો હતો.
પોલીસે શક્યતા વ્યક્ત કરી છે કે, ગોળી ખુશીથી ફાયરિંગ કરવામાં ચલાવાઈ હતી અને કોઈ નજીકની વ્યક્તિએ જ ફાયરિંગ કર્યું હતું. જોકે, દુલ્હા પક્ષની એક વ્યક્તિએ કોઈએ ઈરાદાપૂર્વક ગોળી ચલાવવાની વાત કહી છે. પોલીસ હાલ તપાસમાં લાગી છે. પોલીસ સૌથી પહેલા એ ગોળીની શોધમાં લાગી છે, જે દુલ્હનને વાગી હતી. પોલીસનું કહેવું છે કે, ગોળી મળ્યા બાદ આરોપી સુધી પહોંચવામાં સરળતા રહેશે અને તેના બાદ જ નક્કી થશે કે ફાયરિંગ ખુશીમાં થયું હતું કે, જાણી જોઈને દુલ્હનને શિકાર બનાવાઈ હતી.