તેલંગાણામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ યોજના `કાલેશ્વરમ`નું લોકાર્પણ
લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી
નવી દિલ્હીઃ તેલંગાણાના જયશંકર ભુપલપલ્લી જિલ્લાના મેડીગડ્ડામાં વિશ્વની સૌથી મોટી લિફ્ટ સિંચાઈ 'કાલેશ્વરમ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આયોજન પ્રસંગે ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. 21 જુનના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેલંગાણા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી ઈ.એસ.એલ. નરસિમ્હન પણ સમારોહમાં હાજર રહ્યા હતા.
લગભગ 80 હજાર કરોડના આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં પહેલાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમનાં પત્નીએ ગોદાવરી માતાની વિધિસર પૂજા કરી હતી. અનેક કારણોસર આ પ્રોજેક્ટ અનોખો છે.
વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા
વરસાદના પાણીનો કરાશે સંગ્રહ
આ પ્રોજેક્ટમાં વરસાદના પાણીનો જમીનના નીચે બનેલા 20 જળાશયોમાં સંગ્રહ કરવામાં આવશે. ત્યાર પછી જ્યારે જરૂર પડશે ત્યારે પંપ હાઉસ દ્વારા જમીન પર ખેંચીને લાવવામાં આવશે અને તેને સિંચાઈ સહિત અન્ય જરૂરી કામો માટે રાજ્યમાં બનેલી નહેરોની મારફતે જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
પ્રોજેક્ટની આ વાત જ તેને અનોખો બનાવે છે. અગાઉ ચોમાસામાં જે પાણી પૂર સ્વરૂપે એમ જ વહીને સમુદ્રમાં સમાઈ જતું હતું, તેને હવે સંગ્રહિત કરવામાં આવશે. આટલા મોટા પ્રોજેક્ટની બીજી વિશેષતા એ છે કે અનેક જિલ્લાઓને આવરી લેનારા આ પ્રોજેક્ટમાં જમીન સંપાદન નામ-માત્રનું કરવામાં આવ્યું છે, કેમ કે પ્રોજેક્ટનો મોટોભાગ અંડરગ્રાઉન્ડ છે.