અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો સંદેશ આપવા રામલીલા મેદાનમાં હજારો મુસલમાનો ભેગા થશે...
દેશમાં હાલના દિવસોમાં રામ મંદિર નિર્માણ પર એક બાજુ જ્યાં ચર્ચાઓ જોરશોરમાં છે ત્યાં બીજી બાજુ રામ મંદિર માટે હવે મુસલમાનો પણ પોતાનું સમર્થન આપી રહ્યાં છે.
નવી દિલ્હી: દેશમાં હાલના દિવસોમાં રામ મંદિર નિર્માણ પર એક બાજુ જ્યાં ચર્ચાઓ જોરશોરમાં છે ત્યાં બીજી બાજુ રામ મંદિર માટે હવે મુસલમાનો પણ પોતાનું સમર્થન આપી રહ્યાં છે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચના નેતા યાસિર જિલાનીએ પણ રામ મંદિર માટે હુંકાર કર્યો છે. જિલાનીએ રામ મંદિરના નિર્માણ માટે આજે દેશભરમાં મુસ્લિમોને એકજૂથ કરીને સમર્થન આપવાની વાત કરી.
યાસિર જિલાનીએ કહ્યું કે અમે ડિસેમ્બરમાં દેશભરના મુસ્લિમોને એકજૂથ કરવાનો પ્રયત્ન કરીશું. અમે લગભગ 25000 મુસલમાનોને દિલ્હીના રામલીલા મેદાનમાં એકજૂથ થવાનું આહ્વાન કરી રહ્યાં છીએ. તેના દ્વારા અમે એવો સંદેશો આપવાની કોશિશ કરીશું કે રામ મંદિરના નિર્માણનો યોગ્ય સમય આવી ગયો છે.
અત્રે જણાવવાનું કે 2019 લોકસભા ચૂંટણી પહેલા એકવાર ફરીથી ગમાયેલા રામ મંદિર નિર્માણના મુદ્દે સંઘ જલદી કેન્દ્ર સરકાર પર કોઈ કાર્યવાહી લેવા માટે દબાણ સર્જી શકે છે. અયોધ્યા કૂચના સંદેશ સાથે આજે સાંજે ચાર વાગ્યે કાશીમાં પ્રચારક સંવર્ગ મંથનની બેઠક સમાપ્ત થશે. છેલ્લા છ દિવસોથી વારાણસીમાં ચાલી રહેલી આ બેઠકમાં અત્યાર સુધી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે.
એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રામ મંદિરના પક્ષમાં રાષ્ટ્રીય સ્તરે પ્રભાવ બનાવવો અને 25 નવેમ્બરના રોજ વધુમાં વધુ લોકોને અયોધ્યા પહોંચાડવામાં સહયોગ આપવો. આ સાથે જ શિયાળુ સત્ર પહેલા રામ મંદિર નિર્માણને લઈને સરકાર પર દબાણ બનાવવાનું છે. આ બાજુ કેન્દ્રીય પર્યટન મંત્રી મહેશ શર્માએ કોંગ્રેસ પાસે માંગણી ઉઠાવી કે રામ મંદિર પર તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરે. અમે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છીએ છીએ.
કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ કહ્યું કે રામ મંદિર રાજકીય મુદ્દો નથી, તે ભારતીયોની ભાવનાનો સવાલ છે. અમે અયોધ્યામાં રામ મંદિર ઈચ્છીએ છીએ. દેશના બંધારણની જોગવાઈઓ પ્રમાણે તેનો ઉકેલ આવશે, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી ચાલુ છે. આ બાજુ ઈકબાલ અંસારીની સુરક્ષા મામલે કહ્યું કે મુસલમાનોને પાડોશી દેશો કરતા વધુ સુરક્ષા ભારતમાં મળે છે.