નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળો દ્વારા આતંકીઓ વિરૂધ્ધ ચાલી રહેલી કાર્યવાહીને પગલે આતંકીઓ બેબાકળા થયા છે. જેને પગલે આતંકવાદી જાકિર મૂસા મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હોવાનો ગુપ્ત એજન્સીઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવા મળેલી વિગતો અનુસાર આતંકી સંગઠન અંસાર ગજાવહત ઉલ હિન્દનો વડો જાકિર મૂસા જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ભરતી કરી રહ્યો છે. એટલું જ નહીં જાકિર મૂસા પોતાના સાથી રેહાન સાથે મળીને જમ્મુ કાશ્મીર અને પંજાબમાં પોલીસ કર્મીઓ પર આત્મઘાતી હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યો છે. 


પ્રાપ્ત વિગતો અનુસાર આતંકવાદી રેહાને આતંકી હુમલા માટે પંજાબ અને જમ્મુમાં પોલીસ ચોકીઓ અને અન્ય કેટલાક સ્થળોની રેકી કરી છે કે જ્યાં હુમલો કરી શકાય. તો વળી અન્ય એક ગુપ્ત રિપોર્ટ અનુસાર ગુપ્ત એજન્સીઓએ સરકારને મોકલેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પાસે 10 આતંકીઓની હલચલ જોવા મળી છે.


એવું કહેવાઇ રહ્યું છે કે, આ આતંકીઓ કાશ્મીરમાં મોટા હુમલાની તૈયારીઓ કરી રહ્યા છે અને એ માટે ઘૂસણખોરીની તક શોધી રહ્યા છે. એવું કહેવાય છે કે, ઘૂસણખોરીની ફિરાકમાં છુપાયેલા આતંકીઓ લશ્કર અને જૈશના છે. હુમલાની દહેશતને પગલે લાઇન ઓફ કંટ્રોલ પર સુરક્ષા બળોને એલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવી છે.