લખનઉઃ ઉત્તર પ્રદેશની બંન્ને લોકસભા અને બિહારની એક લોકસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીનો પરાજય થયો છે. ગોરખપુર લોકસભા સીટ મુખ્યપ્રધાન યોગી અને ફૂલપુર સીટ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની હતી. આ બંન્ને સીટો પર ભાજપનો પરાજય થયો છે. ગોરખપુરમાં સપા ઉમેદવાર પ્રવીણ નિષાદે બીજેપીના ઉપેન્દ્ર પટેલને 21881 મતોથી પરાજય આપ્યો છે. જ્યારે ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધને ભારતીય જનતા પાર્ટીને પરાજય આપ્યો છે. ફૂલપુરમાં સપાના ઉમેદવાર નાગેન્દ્ર પટેલે બીજેપીના કોશલેન્દ્ર પટેલને 59613 મતથી હરાવ્યો છે. ફૂલપુર લોકસભા સીટ પર સમાજવાદી પાર્ટીની મોટી જીત થઈ છે. સપાના ઉમેદવારે બીજેપીના ઉમેદવારને હરાવ્યો છે. સમાજવાદી પાર્ટીને 342796, બીજેપીને 283183, અતીત અહમદને 48087, કોંગ્રેસને 19334  મત મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારની અરરિયામાં રાજદ ઉમેદવારે બીજેપીના ઉમેદવારને મોટા અંતરથી પરાજય આપ્યો છે. આ સીટ પર રાજદના ઉમેદવારે ભાજપના ઉમેદવારને 61788 મતોથી પરાજય આપ્યો છે. 


રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ
પેટાચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું, ''આજની પેટાચૂંટણીમાં જીતનારા ઉમેદવારને શુભેચ્છાઓ.. પરિણામ સ્પષ્ટ છે કે મતદાતાઓને ભાજપ પ્રત્યે ક્રોધ છે અને ગેર ભાજપ ઉમેદવાર માટે વોટ કરશે જેની જીતવાની સંભાવના વધુ હોય. કોંગ્રેસ યૂપીના નવનિર્માણ માટે તત્પર છે, આ રાતોરાત નહીં થાય." 


યોગી આદિત્યનાથે આપી પ્રતિક્રિયા 
ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં ભાજપના કરારી હાર બાદ પોતાની પહેલી પ્રતિક્રિયામાં યોગી આદિત્યનાથે કહ્યું, જનતાએ ચોંકાવનારો નિર્ણય આપ્યો છે. અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીએ છીએ. તેમણે કહ્યું કે, યૂપીમાં રાજનીતિક સોદાબાજી થઈ છે. અમે લોકોએ ખૂબ મહેનત કરી પરંતુ શું ખામી રહી ગઈ તેની સમીક્ષા કરીશું. જ્યારે સમાજવાદી પાર્ટીએ ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સમાજવાદી પાર્ટીના નગેન્દ્ર યાદવ પટેલે ભાજપના કૌશલેન્દ્ર સિંહ પટેલને 59460 મતથી હરાવીને ફૂલપુર લોકસભા પેટાચૂંટણી જીતી છે. જ્યારે ગોરખપુરમાં સપાએ મહત્વની લીડ મેળવી લીધી છે. 


અખિલેશે માયાવતીનો માન્યો આભાર 
સમાજવાદી પાર્ટીની ગોરખપુર અને ફૂલપુર લોકસભાની પેટાચૂટણીમાં શાનદાર જીત બાદ અખિલેશ યાદવે કહ્યું કે, ગરીબો, કિસાનો, મજૂરો, યુવાનો અને મહિલાઓ સહિત દરેકને ધન્યવાદ આપુ છું. બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતીનો આભાર, દેશની મહત્વપૂર્ણ લડાઇમાં તેની પાર્ટીનો સાથ મળ્યો. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી, નિષાદ પાર્ટી, પીસ પાર્ટી અને જેટલી પણ અમારી કોમ્યુનિસ્ટ પાર્ટી છે તેણે મળીને અમારો સહયોગ કર્યો તે તમામનો આભાર. અખિલેશે કહ્યું કે આ તમામ દળોએ આ સમય પર મળીને અમને સમર્થન આપ્યું અને જે પરિણામ આવ્યું છે તે અમારી મહેનતનું છે.