અમદાવાદ: ગુજરાત સરકારે સ્થાપેલી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ખાતે વિવિધ કારકિર્દીલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે. આ અભ્યાસક્રમોમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, (PGDHRM), ડિપ્લોમા ઈન સ્ટ્રેટેજીક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (DSHRM) અને ડિપ્લોમા ઈન લેબર લૉઝ એન્ડ પ્રેકટીસીસ (DLLP) નો સમાવેશ થાય છે. ડ્રાઈવ-ઈન રોડ, મેમનગર ખાતે મોખરાના સ્થળે આવેલી આ ઈન્સ્ટિટયુટ શ્રમ અને સંબંધિત વિષયોમાં તાલિમ, સંશોધન અને શિક્ષણની કામગીરી કરે છે. આ સંસ્થા ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય, ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO), યુનિસેફ અને અન્ય સંબંધીત સરકારી વિભાગો સાથે ઘનિષ્ઠપણે કામ કરે છે. આ ઇન્સ્ટીટયુટ દ્વારા નીચે મુજબના અભ્યાસક્રમોમાં કારકિર્દી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓના પ્રવેશપત્રોનો તા.31મી જુલાઈ સુધી સ્વીકાર કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ટર ઓફ સોશિયલ વર્ક(MSW):
ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલો આ બે વર્ષનો  અંગ્રેજી માધ્યમનો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ છે અને તેમાં શૈક્ષણિક વર્ગો ઉપરાંત ઘનિષ્ઠ ફિલ્ડ વર્ક, બ્લોક પ્લેસમેન્ટ, ટ્રાઈબલ કેમ્પ, ઓરિએન્ટેશન અને પરિચય મુલાકાતો, મહેમાન વ્યાખ્યાતાઓનાં પ્રવચનો, પ્રોજેકટ વર્ક વગેરેનો સમાવેશ થાય છે. ઇન્સ્ટીટયુટ જણાવે છે કે પ્રવેશ માટે અરજી કરનાર પાસે માન્ય યુનિવર્સિટીની ઓછામાં ઓછા 50 ટકા માર્ક (જનરલ કેટેગરી માટે) અને ઓછામાં ઓછા 45 ટકા માર્ક (રિઝર્વ્ડ કેટેગરી માટે) સાથેની કોઈ પણ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની અથવા સમાન પદવી (10+2+3 વર્ષ) હોવી જોઈએ.


પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (PGDHRM):
આ સંપૂર્ણ એચઆર પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો ઉદ્દેશ ધરાવતો પૂર્ણ સમયનો અભ્યાસક્રમ છે. તેમાં સમકાલિન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની થીયરી અને પ્રેકટીસ અને અન્ય મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ સાથે તેની સુસંગતતાના  વ્યાપક પરિચયનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ ખાતે એક વર્ષનો આ અભ્યાસક્રમ વર્ષ 2000થી ઓફર કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ તે સફળતાપૂર્વક પૂર્ણ કરી ચૂક્યા છે. અરજી કરવા માટે લાયક ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીની ઓછામાં ઓછા 45 ટકા માર્ક ધરાવતી સ્નાતકની પદવી હોવી જોઈએ.          


ડિપ્લોમા ઈન સ્ટ્રેટેજીક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ (DSHRM):  
એક વર્ષના આ પાર્ટ- ટાઈમ અભ્યાસક્રમનો ઉદ્દેશ એચઆર મેનેજમેન્ટમાં માનવ સંસાધનો, સમાજ કાર્ય અને કાયદાના સ્પર્ધાત્મક લાભ અને પ્રક્રિયાઓનુ નિર્માણ કઈ રીતે કરી શકાય અને  જાળવી શકાય તે અંગેની સમજ વિકસાવવાનો છે. અરજી કરનાર પાસે કોઈ પણ વિષયની સ્નાતકની પદવી અથવા ડિપ્લોમા કોર્સ સાથે સુસંગત વિષયનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.


ડિપ્લોમા ઈન લેબર લૉઝ એન્ડ પ્રેકટીસીસ(DLLP) :
આ એક વર્ષનો પાર્ટ-ટાઈમ અભ્યાસક્રમ છે જે મેનેજમેન્ટ ક્ષેત્રના પ્રોફેશનલ્સને માનવ સંસાધનો, સમાજકાર્ય અને કાયદાની સાથે સાથે કામદારો અંગેના રોજબરોજના મુદ્દાઓ હલ કરવા માટે જરૂરી કૌશલ્યો અને જ્ઞાન તથા કામદારો અંગેના ટેકનિકલ  કાયદાના જ્ઞાનથી સુસજ્જ બનાવે છે. મેનેજમેન્ટ, લૉ, સમાજકાર્ય, કોમર્સ અને એચઆરના જે વિદ્યાર્થીઓ લેબર પ્રેકટીસના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીને આકાર આપવા માંગતા હોય, કામદાર નીતિઓ અને કાર્યક્રમોને પ્રોત્સાહન આપતા સરકારી અધિકારીઓ તથા કામદારોના ઉત્કર્ષ માટે વિકાસ ક્ષેત્રમાં કામ કરતા પ્રેકટીશનર્સ  તેમજ  કામદારોના મુદ્દાઓ માટે કામ કરતા કાર્યરત એક્ઝિક્યુટિવ્ઝ આ અભ્યાસક્રમ માટે અરજી કરી શકશે તેવું એમજીએલઆઈ જણાવે છે.