CAPF Recruitment: બમ્પર વેકેન્સી, CAPFમાં 64 હજાર યુવાનોને મળશે નોકરી
CAPF Recruitment: સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાં થવા જઈ રહી છે મોટા પ્રમાણમાં ભરતી. સરકારી નોકરીની તૈયારીઓમાં લાગેલા યુવાનો માટે આ સૌથી મોટી ખુશખબર છે. કારણકે, મોટાપાયે આ ભરતીમાં યુવાઓને સરકારી નોકરીઓ મળવાની તક ઉભી થઈ છે.
CAPF Recruitment: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. સુરક્ષા દળમાં જોડાવાનું સપનું જોઈ રહેલા લોકો માટે બમ્પર વેકેન્સી આવવાની છે. સરકાર વર્ષ 2023માં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF)માં ભરતીની તૈયારી કરી રહી છે. આ વાત ખુદ સરકારે લોકસભામાં જણાવી છે. 1 જાન્યુઆરી સુધી 83,127 જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ માટે જ ભરતી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે.
તેમણે લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય પોલીસ દળો અને આસામ રાઈફલ્સ પાસે 1 જાન્યુઆરી, 2023 સુધીમાં 10,15,237 પોસ્ટ મંજૂર થઈ છે. જુલાઈ 2022થી જાન્યુઆરી 2023 વચ્ચે 32 હજારથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે. આ ઉપરાંત, 64,444 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. મતલબ કે 64 હજારથી વધુ યુવાનોને નોકરી આપવામાં આવશે.
આ ભરતી વિવિધ તબક્કામાં કરવામાં આવશે. વર્ષ 2023માં જ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની યોજના છે. નોંધનીય છે કે લોકસભા સાંસદ ડૉ. સંજીવ કુમાર શિંગરીએ મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન CAPFમાં ખાલી જગ્યાઓ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં આ ભરતી અંગે માહિતી આપી હતી.
ભરતી માટે સરકારની આ યોજના-
કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની પોસ્ટ માટે વાર્ષિક ભરતી, જેના માટે સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી) સાથે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સામાન્ય ફરજની જગ્યાઓ પર ભરતી માટે, લાંબા ગાળાના ધોરણે કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી), સબ-ઇન્સ્પેક્ટર (જનરલ ડ્યુટી) અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (જનરલ ડ્યુટી) ની રેન્કમાં ભરતી માટે અલગ નોડલ ફોર્સ નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે ભરતી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મેડિકલ ટેસ્ટ માટે લાગતો સમય પણ ઘટાડી દેવામાં આવ્યો છે.