UPSC Vacancy: દેશમાં ખાલી પડી છે IAS-IPS ની આટલી જગ્યા, સરકારે આપી વિગત
UPSC Rajya Sabha: આઈએએસ આઈપીએસ સિવાય યુપીએસસી પરીક્ષાથી ભરવામાં આવતી આઈએફએસની જગ્યા પણ ખાલી પડી છે.
IAS IPS Vacancy in India: દેશની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક UPSC હેઠળ ભરવામાં આવતા IAS IPS ની ઘણી જગ્યાઓ ખાલી પડી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) અધિકારીઓના ક્રમશઃ 1316 અને 586 પદ ખાલી છે. સિંહે રાજ્યસભામાં એક લેખિત સવાલના જવાબમાં જણાવ્યું કે એક જાન્યુઆરી 2024 સુધી 6858 આઈએએસની કુલ મંજૂર સંખ્યામાંથી 5542 અધિકારી કાર્યરત હતા. કાર્મિક રાજ્ય મંત્રી સિંહે કહ્યું કે 5,055ની મંજૂર સંખ્યા સામે 4,469 IPS અધિકારીઓ કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે આઈએએસના 1316 ખાલી પદોમાંથી 794 સીધી ભરતી માટે અને 522 પ્રમોશનના પદ છે. મંત્રીએ કહ્યું કે આઈપીએસની 586 ખાલી જગ્યામાંથી 209 સીધી ભરતી અને 377 પ્રમોશનના પદ છે. સિંહે કહ્યું કે ભારતીય વન સેવા (આઈએફએસ) માં 3193ની મંજૂર સંખ્યાના મુકાબલે 2151 અધિકારી કાર્યરત છે. તેમણે કહ્યું કે 1042 ખાલી આઈએફએસ પદોમાંથી 503 સીધી ભરતી અને 539 પ્રમોશનના પદ છે.
IAS, IPS અને IFS અધિકારીઓની પસંદગી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે લેવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવે છે. તેમના વિગતવાર જવાબમાં, મંત્રીએ છેલ્લા 5 વર્ષમાં સામાન્ય, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગો (OBC) માંથી IAS, IPS અને IFS માં કરાયેલી નિમણૂકોની વિગતો પણ શેર કરી.
2022માં કઈ કેટેગરીના કેટલા અધિકારી બન્યા
વર્ષ 2022ની સિવિલ સેવા પરીક્ષા (સીએસઈ) દરમિયાન આઈએએસમાં જનરલ કેટેગરીથી 75, ઓબીસી કેટેગરીથી 45, અનુસૂચિત જાતિ કેટેગરીથી 29 અને અનુસૂચિત જનજાતિ કેટેગરીથી 13 નિમણૂંક કરવામાં આવી છે. આ રીતે તે સમયગાળા દરમિયાન આઈપીએસમાં 83 જનરલ, 53 ઓબીસી, 31 એસસી અને 13 એસટીની નિમણૂંક કરવામાં આવી છે. મંત્રી દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, CSE 2024 દરમિયાન IFSમાં કુલ 43 જનરલ, 51 OBC, 22 SC અને 11 ST નિમણૂંકો કરવામાં આવી હતી.