Zoom Layoff: હાલ દુનિયાભરમાં ધંધા-વેપારને માઠી અસર પહોંચી રહી છે. રોજ એક બાદ એક કોઈકને કોઈક મોટી કંપની દ્વારા કંપનીમાંથી છટણી કર્મચારીઓને છુટા કરવાના સમાચારો સામે આવી રહ્યાં છે. ટ્વીટર હોય કે ડેલ હોય એક બાદ એક આઈટી સેક્ટર સોશિયલ મીડિયા અને કોમ્યુટર સેક્ટર સાથે સંકળાયેલી હાઈફાઈ કંપનીઓમાં હવે આવી દશા થઈ રહી છે. ત્યારે આ લીસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે ઝૂમનું. વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ કંપની ઝૂમ 1300 કર્મચારીઓની છટણી કરશે. કંપનીના CEOએ એમના કર્મચારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું- મંદીની અસરોનો સામનો કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ કંપની ઝૂમના સીઈઓ એરિક યુઆને એક બ્લોગમાં લખ્યું છે કે ‘વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિયમિતતા અને ગ્રાહકો પર તેની અસરને કારણે અમારે કઠિન પરંતુ જરૂરી પગલાં લેવા પડશે. આ પહેલાં કોરોના મહામારી દરમિયાન ઘણી ટેક કંપનીઓએ અદ્ભુત વૃદ્ધિ કરી હતી અને ઝૂમ પણ તેમાંથી એક હતી. કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન જ્યારે આખું વિશ્વ ઘરોમાં કેદ હતું, ત્યારે ઝૂમનો વ્યવસાય ચરમસીમા પર હતો અને ઘરો અને ઓફિસો વગેરેમાં ઝૂમનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો હતો. જોકે હવે સ્થિતિ સામાન્ય હોવાથી કંપની મંદીનો સામનો કરી રહી છે.


યુઆને લખ્યું કે ‘અમે તેના ગ્રાહકો માટે ઝૂમને વધુ સારું બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ, પરંતુ અમે ભૂલો પણ કરી છે. અમે અમારી ટીમની સમીક્ષા કરી અને તેમાં વધુ સમય લાગ્યો નહીં. અમે બિઝનેસને વધુ ટકાઉ કેવી રીતે બનાવી શકાય તે જોઈ રહ્યા છીએ’. ઝૂમ દ્વારા જે કર્મચારીઓને બરતરફ કરવામાં આવી રહ્યા છે તેમને ચાર મહિનાનો પગાર અને હેલ્થ કવરેજ આપવાનું કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે કંપનીના સીઈઓ એરિક યુઆને પણ આગામી નાણાકીય વર્ષમાં પોતાના પગારમાં 98 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેમજ 2023નું કોર્પોરેટ બોનસ ન લેવાનું પણ કહેવામાં આવ્યું છે.


સમગ્ર વિશ્વમાં મંદીની અસર જોવા મળી રહી છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ઘણી કંપનીઓ તેમના સ્ટાફની છટણીમાં વ્યસ્ત છે. હવે આ લિસ્ટમાં ટેક કંપની Zoomનું નવું નામ પણ જોડાયું છે. જણાવી દઈએ કે ઝૂમે 1300 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ કંપનીના કુલ કર્મચારીઓના 15 ટકા છે. કંપનીના સીઈઓ એરિક યુઆને કંપનીની વેબસાઈટ પર એક બ્લોગ પોસ્ટ કરીને આ માહિતી આપી છે. એરિક યુઆનની આ જાહેરાતની અસર પણ જોવા મળી હતી અને મંગળવારે નેસ્ડેક પર ઝૂમના શેરમાં 8 ટકાનો વધારો થયો હતો.


ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી બાદ વિશ્વભરમાં મંદીની અસર વધી રહી છે અને માત્ર જાન્યુઆરી મહિનામાં જ વિવિધ ટેક કંપનીઓ દ્વારા લગભગ 50 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ડેલે સોમવારે 6600 કર્મચારીઓની છટણી કરવાની પણ જાહેરાત કરી છે. ગૂગલે પણ 12 હજાર લોકોની છટણીની જાહેરાત કરી છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટ 10,000 કર્મચારીઓની છટણી કરવાની પણ યોજના બનાવી રહી છે.