શું તમે લાંબા સમય સુધી યંગ દેખાવા માંગો છો? તો અપનાવો આ નુસ્ખા, ક્યારેય નહી થાઓ વૃદ્ધ
ફટકડી લાલ અને સફેદ એમ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ તમામ જગ્યાએ કરવામાં આવે છે. ફટકડીનો ઉપયોગ અનેક રીતે લાભકારી છે. ફટકડીનો ઉપયોગ જૂવાન દેખાવા માટે પણ થાય છે તેવું ભાગ્યે જ લોકોને ખબર છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ફટકડી દેખાવામાં તો એકદમ સામાન્ય જ લાગે છે. પરંતુ જ્યારે તેના ગુણોની વાત આવે ત્યારે ફટકડીની જગ્યા અન્ય કોઈ વસ્તુ ન લઈ શકે. ફટકડીનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. સાથે જ ફટકડીની મદદથી ચહેરા પરની ખીલ પણ દુર કરી શકાય છે. આ જ કારણોસર ભારતીયોના ઘરમાં ફટકડી હમેશા હોય જ છે. અનેક શારીરિક સમસ્યાઓનો ઘરેલુ ઉપાય પણ ફટકડી જ છે. તો જાણો ફટકડીનો કેવી રીતે ઉપયોગ કરવાથી કઈ-કઈ સમસ્યાઓનો નિકાલ થાય છે.
શરીર પરની કરચલી અને વધતી વયના પ્રભાવને અટકાવે છે ફટકડી
ફટકડીનો આ ગુણ છે કે તેનો શરીર પર ઉપયોગ કરવાથી ત્વચા કસાયેલી રહે છે. ઉપરાંત, તે શુષ્ક, નિર્જીવ અને લચકી પડેલી ત્વચાને સારૂ કરવાનું કામ કરે છે. ફટકડીના આ જ ગુણને કારણે, તેનો ઉપયોગ ઘણી બ્યુટી ક્રિમમાં પણ થાય છે. ચહેરા પર ફટકડી લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી થાય છે. તમે કોઈ પણ પેસ્ટ બનાવ્યા વિના સીધી ફટકડીને ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરો એકદમ સ્વસ્થ થઈ જાય છે.
મોઢામાંથી આવતી વાસને પણ કરે છે દૂર
જો મોઢામાંથી દુર્ગંધ આવે તો લોકો તમારી સાથે વાત કરતા ખચકાતા હશે. તમારાથી દૂર રહેતા હશે. જો મુશ્કેલીમાંથી છુટકારો મેળવવો હોય તો તરત જ ફટકડીનો ઉપયોગ શરૂ કરો. ફટકડ નાખેલા પાણીથી કોગળા કરવાથી દાંત પર જમા કચરો તકતી દૂર થાય છે. તે લાળમાં હાજર હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરંતુ તેનું પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.
જૂ દુર કરવા પણ ફટકડીનો ઉપયોગ કરો
જો તમને જૂ થઈ હોય તો આ સમસ્યા પણ ફટકડી દ્વારા દૂર થાય છે. ફટકડી વાળ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જૂની સમસ્યા માટે ફટકડીની પેસ્ટ વાળમાં ચામડી પર લગાવવી જોઈએ. આ કરવાથી માથા પરની ત્વચા એકદમ સાફ થઈ જાય છે. સ્વચ્છ વાળમાં જૂ થવાની સમસ્યા રહેતી નથી. ઘણા લોકો ફટકડીના પાણીથી પણ વાળ ધોઈ લે છે, પરંતુ દરેકને આ ઉપાય કામ લાગતો નથી.
શરીરની દુર્ગંધ દૂર કરવા અપનાવો ફટકડી
ફટકડીના ઉપયોગથી શરીરમાંથી આવતી ગંધ સરળતાથી દૂર કરી શકાય છે. ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા દૂર થાય છે. આ જ કારણ છે કે ડિઓડોરન્ટ બનાવતી કંપનીઓ પણ તેનો ઉપયોગ કરે છે. નહાવાના પાણીમાં ફટકડી ઉમેરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.
શિયાળામાં ગુણકારી ફટકડી
શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.