best tourist place: ભારત ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. એક તરફ ઉત્તર ભારતમાં હિમાલયની ફેલાયેલી પર્વતમાળાઓ તો દક્ષિણ ભારતમાં આંખોને ઠંડક આપતું કુદરતી સૌંદર્ય.....પૂર્વ ભારતની અવિસ્મરણીય સંસ્કૃતિ તો પશ્ચિમમાં કલા અને સ્વાદનો સંગમ.... ભારત એકમાત્ર દેશ છે છે જ્યાં દરેક રાજ્ય અને પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે.  ભારતીયો તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. તમે તમારા મિત્રો સાથે ફેમિલી કે કપલ ટુર કરવા માંગો છો તો આ આર્ટિકલ તમારા માટે છે. ભારતના અહીં કેટલાક એવા સ્થળોની માહિતી તમને મળશે જે તમારા પ્રવાસના અનુભવને કાયમ માટે યાદગાર રાખશે અને તમને વારંવાર આ ફરવાની જગ્યાઓએ મુલાકાત લેવાનું મન થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે વાત ફરવાની આવે ત્યારે  હિલ સ્ટેશન લોકોના મનમાં પહેલા આવતા હોય છે. ભારતમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો તો વધ્યો છે એને આ બધા સ્થળોએ ટુરિઝમ ડેવલોપમેન્ટ પણ ઘણું થયું છે. એક એવો વર્ગ હતો જે ફરવા માટે દેશની બહાર જવાનું વધારે પસંદ કરતો હતો તે લોકો પણ હવે ભારત દેશમાં જ આવેલા હિલ સ્ટેશનો પ્રત્યે આકર્ષાયા છે. તમે ઓછા બજેટમાં ભારતના આ હિલ સ્ટેશનોમાં ફરવાની મજા લઇ શકો છો...


1. લેહ (લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ)-
લેહ ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં આવેલું છે. લદાખના એક વિસ્તારને લેહ કહેવામાં આવે છે. પ્રકૃતિપ્રેમી અને પર્વતીય વિસ્તારોમાં એડવેન્ચર કરવાનો શોખ રાખતા લોકોની પહેલી પસંદગી લેહ હોય છે.મોટાભાગના પ્રવાસીઓ શ્રીનગર, ચંદીગઢ કે દિલ્લોથી હવાઈ માર્ગે જવાના બદલે લેહ જવા રોડ ટ્રીપની પસંદગી કરતા હોય છે. લેહ જવા માટે બે રસ્તા છે એક મનાલી અને બીજો શ્રીનગરથી રસ્તો જાય છે. મનાલીથી લેહ જવાનો રસ્તો તમારી જર્નીને વધુ રોમાંચિત બનાવે છે. લેહમાં અતિ રમણીય પહાડો, સુંદર નદીઓ અને ઝરણાઓ છે. લેહની આસપાસ જુદા જુદા મઠ જોવા મળે છે.


 2. નૈનીતાલ (ઉત્તરાખંડ)-
નૈનીતાલ ઉત્તરાખંડનું ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે.નૈના શબ્દનો અર્થ આંખો અને તાલનો અર્થ ઝીલ થાય છે. નૈનીતાલમાં પ્રસિદ્ધ નૈના દેવીનું મંદિર છે. નૈનીતાલ ન્યુ મેરીડ કપલ્સ માટે પણ પસંદગીની જગ્યા રહી છે. નૈનીતાલ તળાવ, નૈના ચોટી, ગવર્નર હાઉસ, ટિફિન ટોપ અને પંડિત જીબી પંત પ્રાણીસંગ્રહાલય નૈનીતાલના પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો છે. શોપિંગ કરવા માટે તમે માર્કેટ મોલ રોડ પણ જઈ શકો છો. નેશનલ હાઈવે 87 પરથી નૈનીતાલ પહોંચી શકાય છે. નૈનીતાલથી 34 કિલોમીટર દૂર કાઠગોદામમાં રેલવે સ્ટેશન આવેલું છે. નૈનીતાલ જવા અહીંથી તમને ટેક્સી મળી રહે છે. આ સ્થળ દિલ્લીથી 320 કિલોમીટરના અંતરે છે.


 3.શિમલા - મનાલી (હિમાચલ પ્રદેશ)-
 હિમાચલ પ્રદેશમાં આવેલુ શિમલા મનાલી ભારતનું સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. આ બંને હિલ સ્ટેશન અલગ અલગ ઊંચાઈએ છે પણ લોકો પહેલેથી બંનેના નામ સાથે લે છે.


શિમલા : કુદરતના ખોળામાં વસેલા શિમલા શહેરને સાત પહાડીઓનું શહેર પણ કહેવામાં આવે છે. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં તમને અહીંયા બરફ જોવા મળે છે. સીમલા કિન્નોર વિસ્તારમાં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો. શિમલામાં તમે ધ મોલ, તારા દેવી મંદિર, સમરહિલ અને સ્ટેટ મ્યુઝીયમ જોવા જઈ શકો છો. ધ મોલ શિમલાની શોપિંગ ગલી છે. દિલ્લી થી શિમલા 345 કિલોમીટર દૂર છે. કારથી તમે સરળતાથી પહોંચી શકો છો. દિલ્હીથી શિમલા તમે હવાઈ માર્ગે પણ જઈ શકો છો. જો તમે રેલમાર્ગે જોવા માંગો છો તો કાલકાથી ટોય ટ્રેનમાં બેસીને સુંદર મજાનો અનુભવ મેળવી શકો છો.


મનાલી: મનાલી શિમલથી અંદાજે 275 કિલોમીટર દુર છે. સુંદર પહાડીઓ વચ્ચે ઘેરાયેલું મનાલી તમને રોમાંચિત કરી દેશે. એડવેન્ચરનો તમને શોખ છે તો મનાલી તમારા માટે બેસ્ટ વિકલ્પ છે.અહીં તમે ટ્રેકિંગ અને રિવર રાફટિંગની મજા માણી શકશો.મનાલીમાં વ્યાસ નદી,જોગીની ઝરણું, સોલાંગ ઘાટી, વ્યાસ કુંડ, રોહતાંગ પાસ અને હિમ વેલી ફરવા લાયક સ્થળો છે


4.  શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)-
શ્રીનગર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આવેલું ધરતી પરનું સ્વર્ગ છે. શ્રીનગરનું નામ લઈએ ત્યારે આંખો સામે સુંદર મજાના બરફ આચ્છાદિત પહાડો, ખૂબ જ ઊંચા વૃક્ષો અને ડાલ લેક તમારી આંખો સામે આવી જાય છે. શ્રીનગરની મુલાકાત લેવી તે ધરતી પરના સ્વર્ગની મુલાકાત લેવા સમાન છે. શ્રીનગર શહેર હાઉસ બોટ, હિસ્ટોરિક ગાર્ડન અને ત્યાંની સુંદર મજાની ઘાટીઓ માટે પ્રસિદ્ધ શહેર છે . જેલમ નદીનો કિનારો તમને ન બોલાય તેવો કુદરતની સુંદરતાનો અનુભવ કરાવે છે. શ્રીનગરમાં ઇન્દિરા તુલીપ ગાર્ડન, શંકરાચાર્ય પહાડી, નાગીન ઝીલ, બેતાબ ઘાટી જેવા ફરવા લાયક સ્થળો છે. જમ્મુથી શ્રીનગર 293 કિલોમીટરના અંતરે છે.


5. મસૂરી (ઉત્તરાખંડ)-
મસૂરી ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લામાં આવેલું હિલ સ્ટેશન છે. મસૂરી તમે જાઓ તો એકતરફ  ઊંચા વૃક્ષોથી આચ્છાદિત પહાડો તો બીજી તરફ ઊંડી ખીણો તમારા સફરને રોમાંચિત કરી દે છે.મસૂરીમાં સિઝનની પહેલી બરફવર્ષાની મજા જ કઈક અલગ હોય છે. મસૂરીને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. જો તમે હરિદ્રારમાં આવ્યા હોવ તો ત્યાથી તમે દહેરાદૂન થઈને સરળતાથી મસૂરી પહોંચી શકો છો.મસૂરીમાં મોલ રોડ,કેમ્પ્ટી ધોધ,ગન હિલ, મિસ્ટ લેક જોવાલાયક સ્થળો છે.


6. ધનૌલ્ટી (ઉત્તરાખંડ)-
ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું ધનૌલ્ટી ખૂબ જ રમણીય હિલ સ્ટેશન છે. ધનૌલ્ટી ચંબાથી મસૂરી જવાના રસ્તા પર પડે છે.આ હિલ સ્ટેશન મસૂરીથી માત્ર 24 કિલોમીટરના અંતરે છે.ધનૌલ્ટીમાં તમને દશાવતાર મંદિર,ન્યૂ ટેહરી ટાઉનશીપ,દેઓગઢ ફોર્ટ જેવા સ્થળો જોવા મળશે.ધનૌલ્ટીમાં  તમે રોક ક્લાઈમ્બિંગ, રિવર ક્રોસિંગ જેવી એક્ટિવિટી કરવા મળશે.મુસાફરો હરિદ્રાર રિષીકેશ, દહેરાદૂન, મસૂરી, રૂડકી અને નૈનિતાલથી રોડ માર્ગે પણ પહોંચી શકે છે.


7.  શિલોંગ, (મેઘાલય)-
મેઘાલયની રાજધાની શિલોંગ ભારતના સૌથી ખૂબસૂરત હિલ સ્ટેશન માંથી એક છે. અહીંયા આવીને તમને કુદરતના સાનિધ્યમાં રહેવાનો આહલાદક અનુભવ થાય છે. શિલોંગને પૂર્વ ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. શિલોંગમાં સૌથી ઊંચો ધોધ જોવા માટે લોકો દૂર-દૂરથી આવતા હોય છે. શિલોંગમાં એલિફન્ટા ફોલ, શિલોંગ વ્યું પોઇન્ટ,લેડી હૈદરી પાર્ક,ગોલ્ફ ફોર્સ,કૈથોલિક કેથેડ્રલ,આર્ચરી જોવા લાયક સ્થળો છે. અમરોઈ એરપોર્ટથી શિલોંગ 35 કિલોમીટર દૂર છે. દિલ્હીથી અંદાજે 1500 કિલોમીટરના અંતરે શિલૉંગ આવેલું છે.


 8. દાર્જિલિંગ, (પશ્ચિમ બંગાળ)-
પહાડોની રાણી તરીકે ઓળખાતું દાર્જિલિંગ પ્રવાસીઓની ટોપ પસંદગીમાંનું એક રહ્યું છે. નવ પરિણીત યુગલ પણ હનીમૂન માટે દાર્જિલિંગ આવવાનું પસંદ કરતા હોય છે. અગાઉ દાર્જિલિંગ સિક્કિમનો એક ભાગ હતું. દાર્જીલિંગની સૌથી મોટી ખાસિયત છે કે ત્યાં ચાના બગીચાઓ છે. ધરતી પર જાણે કુદરતે લીલી ચાદર ઓઢાડી હોય તેવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. દાર્જિલિંગ પોતાની ચા ના કારણે વિશ્વ વિખ્યાત છે. દાર્જિલિંગનું સૌથી મોટું આકર્ષણ છે ત્યાંની ટોય ટ્રેન. આ ટ્રેન રમણીય પહાડો અને ખીણોમાંથી પસાર થાય છે. બતસિયા લૂપથી જ્યારે ટોય ટ્રેન પસાર થાય છે ત્યારે પ્રવાસીઓને 180 ડિગ્રીએ પર્વતીય માળાઓ જોવા મળે છે. દાર્જીલિંગમાં એક બીજી જગ્યા છે ટાઈગર હિલ. અહીં જો મોસમ સાફ હોય તો પ્રવાસીઓને વિશ્વની સૌથી ઊંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટ પણ જોવા મળે છે.


 9. ઊટી (તમિલનાડુ)-
તમિલનાડુનું ઊટી વિશ્વ પ્રસિદ્ધ હનીમૂન ડેસ્ટિનેશન છે. અહીં દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી, ચાના બગીચાઓ અને અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ તેનું આકર્ષણનું કેન્દ્ર છે. અહી નીલગીરી પર્વતની હારમાળા છે. ડોડાબેટ્ટા પિક, બોટોનિકલ ગાર્ડન, નિલગીરી માઉન્ટેઇન રેલ અને ઊટી ઝીલ ત્યાંના જોવાલાયક સ્થળો છે. અહી સૌથી નજીક કોઇમ્બતુર એરપોર્ટ છે જે 100 કિલોમીટરના અંતરે આવેલું છે.


10. કુર્ગ (કર્ણાટક)-
કુર્ગ કર્ણાટકમાં આવેલું શ્રેષ્ઠ હિલ સ્ટેશન છે. કર્ણાટકના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલા પહાડ પર કુર્ગ વસેલું છે.કુર્ગને કર્ણાટકનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. કુર્ગ તેની હરિયાળીના કારણે જગવિખ્યાત છે. કુર્ગમાં સુંદર પહાડો, ચા અને કોફીના મોટા બગીચાઓ, સંતરાના ઝાડ અને નદીઓ પ્રવાસીઓને મોહિત કરી દે છે.દક્ષિણ ભારતના લોકોનું કુર્ગ પસંદગીનું હિલ સ્ટેશન છે.કુર્ગમાં ચિલવારા ફોલ્સ,હરંગી ડેમ સહિતના ફરવાના સ્થળો છે.ત્યાના બારાપોલ નદીમાં રિવરરાફ્ટિંગની મજા તમે માણી શકો છો. કૂર્ગની સૌથી નજીક મેંગ્લોર એરપોર્ટ છે. કુર્ગ બેંગ્લુરુથી 265 કિલોમીટરના અંતરે છે


11 માથેરાન (મહારાષ્ટ્ર)-
માથેરાન મહારાષ્ટ્રનું અતિરમણીય હિલ સ્ટેશન છે.મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 'માથેરાન' આવેલું છે. માથેરાન ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે. કહેવાય છે કે માથેરાન દુનિયાના એવા સ્થળોમાનું એક છે જ્યા અન્ય કોઈ પણ પ્રકારના વાહન લઈ જઈ શકાતા નથી. માથેરાન જવા માટે તમારે ટોય ટ્રેનમાં સવાર થવું પડે છે. આ ટોયટ્રેન ખત્તરનાક રસ્તાઓથી પસાર થાય છે જે તમારા પ્રવાસને વધુ યાદગાર બનાવે છે.માથેરાનમાં અન્ય વાહનો અને પ્લાસ્ટિક બેગ લઈ જવા પર પ્રતિબંધ છે જેથી ત્યા પ્રદૂષણ જોવા મળતું નથી. માથેરાનમાં સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ,મંકી પોઈન્ટ, ઈકો પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર છે.નેરુલથી માથેરાન ટોય ટ્રેનમાં જવાય છે. 


12. મુન્નાર, (કેરળ)-
કેરળનું મુન્નાર હિલ સ્ટેશન પ્રવાસીઓને દક્ષિણ ભારતમાં ધરતી પરના સ્વર્ગનો અનુભવ કરાવે છે. ટ્રેકિંગ અને માઉન્ટેન બાઈકિંગ નો અનુભવ કરવો હોય તો આ બેસ્ટ પ્લેસ છે. અહીંથી મદુરાઇ એરપોર્ટ 140 કિલોમીટર દૂર છે તો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ 190 કિલોમીટરના અંતરે છે. 


13. કુન્નુર, (તમિલનાડુ)-
 જો તમે ઊટી સુધી ફરવા ગયા છો તો કુન્નુરને  કઈ રીતે ભૂલી શકો છો.આ સ્થળ નીલગીરી પર્વત પર વસેલું છે. આ સ્થળ ઊંચા પહાડો અને ચા અને કોફીના બગીચાઓ વચ્ચે ઘેરાયેલું છે હેરિટેજ ટ્રેન, વેલિંગ્ટન ગોલ્ફ કોર્સ, હાઇ ફિલ્ડ ટી ફેકટરી અહીં જોવાલાયક સ્થળો છે .ઊટી સુધી પહોંચવા ટોય ટ્રેનની પણ સુવિધા પ્રવાસીઓને મળે છે.


14. માઉન્ટ આબુ, (રાજસ્થાન)-
 ગુજરાતીઓને જ્યારે વીકેન્ડમાં ફરવા માટેનો કોઈ પ્લાન કરવો હોય તો તેઓની પહેલી પસંદગી માઉન્ટ આબુ હોય છે. માઉન્ટ આબુ રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળામાં વસેલું હિલ સ્ટેશન છે. અહી કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મિક શાંતિ પણ મળે છે. માઉન્ટ આબુને ઋષિમુનિઓ નું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે.ગુરુશિખર, નક્કી લેક,દેલવાડાના દેરા, સનસેટ પોઈન્ટ સહિત અહી અનેક જોવા લાયક સ્થળો છે.


15. સાપુતારા (ગુજરાત)-
સાપુતારા ગુજરાતનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારામાં ફરવાની મજા ચોમાસાની સિઝનમાં આવે છે.ચોમાસામાં સાપુતારાનું સૌદર્ય સોળ કળાએ ખીલી ઉઠી છે.સાપુતારાને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. સાપુતારા જવાનો રસ્તો તમારા સફરને રોમાંચિત બનાવી દે છે.સાપુતારાના વળાંક વાળા રસ્તા પર પ્રવાસીઓને ડર તો લાગે છે પરંતું તેઓ મજા પણ માણતા હોય છે.સાપુતારાના રસ્તાના સૌદર્યને નજીકથી માણવું હોય તો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી જોઈએ. આ ટ્રેન ડાંગના વધઈ સુધી જાય છે. વધઈથી સાપુતારા 50 કિલોમીટરના અંતરે છે.