ગુજરાતીઓ ફરવાના ભારે શોખીન હોય છે. ભારતમાં પણ એકથી એક ચડિયાતા પ્રવાસન સ્થળો છે. જેમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના હિલ સ્ટેશનોની તો વાત જ શું કરવી. આવા જ એક મદમસ્ત હિલ સ્ટેશન વિશે આજે તમને વાત કરીશું. આ હિલ સ્ટેશન પણ ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશનોની યાદીમાં આવે છે. આ એક એવું હિલ સ્ટેશન છે જ્યાં ફિલ્મોનું શુટિંગ પણ થાય છે. આ ઉપરાંત અભિનેતા આમીર ખાનનું ઘર પણ અહીં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છે તે છે સહયાદ્રી પર્વતમાળા વચ્ચે વસેલું એક ખુબસુંદર હિલ સ્ટેશન...જ્યાં દર વર્ષે હજારો પર્યટકો આવે છે. પંચગની નામનું આ હિલ સ્ટેશન મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવે છે. અહીંના ઘરોમાં તમને આજે પણ અંગ્રેજોના જમાનાનું આર્કિટેક્ચર જોવા મળશે. હકીકતમાં અંગ્રેજો અહીં રજાઓ ગાળવા આવતા હતા. સારા હિલ સ્ટેશન ઉપરાંત અહીંનું આર્કિટેક્ચર પણ જોવા લાયક છે. પંચગની આ ઉપરાંત એજ્યુકેશન હબ તરીકે પણ પ્રખ્યાત છે. 


પંચગીની સ્થાનિક લોકોનું ફેવરિટ હોટસ્પોટ છે. આ ઉપરાંત ગુજરાતથી પણ અનેક પ્રકૃતિપ્રેમીઓ આ હિલસ્ટેશને કુદરતને ખોળે ખેલવા માટે જાય છે. અહીંનો સિડની પોઈન્ટ પર્યટકો માટે ખુબ રમણીય જગ્યા છે. અહીં બેસીને તમે સીધો ધોમ ડેમનો નજારો જોઈ શકો છો. જેના કારણે આ પોઈન્ટ વધુ આકર્ષક બની જાય છે. પંચગીની ક્યારે જવું તે ખાસ જાણો...


પંચગીની ફરવા માટે બેસ્ટ ટાઈમ ઠંડીની ઋતુ કે ગરમીની શરૂઆત હોય છે. જો તમ સપ્ટેમ્બરથી લઈને મે મહિનાની શરૂઆતમાં પંચગની ફરવા જશો તો તમને ખુબ મજા આવશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન અહીં ખુબ ઠંડી પડે છે. ઠંડી માણવી હોય તો તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે અહીં જઈ શકો છો. 


ફિલ્મોનું થાય છે શુટિંગ
મુંબઈથી નજીક હોવાના કારણે પંચગની બોલીવુડ માટે પ્રિય સ્થળ છે. આમીર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'તારે ઝમીન પ'રનું શુટિંગ પંચગનીમાં થયેલું છે. અહીંની 'ન્યૂ એરા હાઈસ્કૂલ'માં ફિલ્મનું શુટિંગ થયું હતું. આ ઉપરાંત 'રાજા હિન્દુસ્તાની' ફિલ્મનું શુટિંગ પણ પંચગનીમાં થયું હતું. પંચગનીની બિલકુલ નજીક બીજુ હિલ સ્ટેશન છે મહાબળેશ્વર. ત્યાં પણ ફિલ્મોનું શુટિંગ થતું હોય છે. 


આમિર ખાનનું ઘર છે પંચગનીમાં
બોલીવુડના પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન અને કિરણ રાવના લગ્ન પણ પંચગનીમાં થયા હતા. આમિર ખાનનું પંચગનીમાં ઘર છે. આમિર પંચગનીમાં ખુબ સમય પણ પસાર કરે છે. આમિરનું આ ઘર 2 એકર (9,787 sqm) માં ફેલાયેલું છે. અને 2012-13માં તેને 7 કરોડમાં પડ્યું હતું. આ ઘર હોમી અને ઝીયા અડાજણિયાનું હતું. તે સમયે આમિરે આ ઘર માટે 42 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હોવાના મીડિયા રિપોર્ટ્સ હતા. 


કેવી રીતે જવું
જો તમે ફ્લાઈટ દવારા જવા માંગતા હોવ તો પુનાનું લોહેગામ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. પુનાથી રોડ માર્ગે પંચગની જઈ શકાય છે. આ ઉપરાંત પંચગની જવા માટે પુના, મુંબઈ, મહાબળેશ્વર, અને સતારાથી સ્ટેટ બસો ચાલે છે. અહીંના રસ્તા સારા છે અને તમે કાર દ્વારા જઈ શકો છો. આ ઉપરાંત ટ્રેનથી જવું હોય તો નજીકનું સ્ટેશન સતારા છે. પરંતુ અહીં પહોંચવા માટે લોકો પુના સ્ટેશનને વધુ પસંદ કરે છે. કારણ કે દેશના અન્ય સ્થળો સાથે કનેક્ટિવિટી સારી છે.