કોકનું જોઈને ઉંઘું ઘાલીને ના ચાલુ કરતા ગ્રીન ટી, ફાયદાની સાથે નુકસાન પણ છે અનેક
Green Tea: મોટાભાગના લોકો ગ્રીન ટી વિશે માને છે કે તે સ્વાસ્થ્ય માટે સારી છે. એમાં કોઈ શંકા નથી કે ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેના ગેરફાયદા પણ છે. જાણીને તમે પણ ચોંકી જશો...
Green Tea: ગ્રીન ટી એવી વસ્તુ છેકે, જેને લોકો એક આયુર્વેદિક દવા પણ માને છે. હેલ્થ માટે ખુબ જ હેલ્ધી માને છે. પણ તેની પીવાના યોગ્ય માત્રા અને યોગ્ય રીત પણ જળવાવી જોઈએ. નહીં તો ગ્રીન ટી પીવાના જેટલાં જબરદસ્ત ફાયદા છે તેટલા જ તેના ખતરનાક ગેરફાયદા પણ છે. ગ્રીન ટી ના વધુ પડતા સેવનને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
ગ્રીન ટી વજન ઘટાડવાથી લઇને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધીની દરેક બાબતમાં અસરકારક માનવામાં આવે છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે ગ્રીન ટીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે. પરંતુ તેને પીવાના કેટલાક ગેરફાયદા છે, જેના વિશે કદાચ તમે જાણતા નહીં હોવ. તો ચાલો આજે જાણીએ તેના ગેરફાયદા વિશે.
પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે-
જો તમે ખાલી પેટ ગ્રીન ટી પીતા હોવ તો તેનાથી પેટમાં બળતરા થઈ શકે છે. કારણ કે ગ્રીન ટીમાં ટેનીન હોય છે જે પેટમાં એસિડનું સ્તર વધારી શકે છે. તેનાથી તમને કબજિયાત, એસિડ રિફ્લક્સ અને ઉલ્ટી જેવી તકલીફો થઈ શકે છે. જો તમારા પેટમાં એસિડ ઉત્પન્ન થાય છે અથવા તમને પેટમાં અલ્સર અથવા એસિડિટી છે તો તમારે ગ્રીન ટી ન પીવી જોઈએ. ખાલી પેટ ગ્રીન ટી પીવાની ભૂલ ક્યારેય ના કરવી જોઈએ.
માથાનો દુખાવો-
ગ્રીન ટીમાં કેફીન હોય છે, તેથી તેને પીવાથી માથાનો દુખાવો થઈ શકે છે. જે લોકોને પહેલાથી જ માઈગ્રેન જેવી સમસ્યા હોય તેમણે ક્યારેક-ક્યારેક ગ્રીન ટી પીવી જોઈએ. જો તમે કેફીન સેન્સિટિવ છો તો તમારે ગ્રીન ટીથી દૂર રહેવું જોઈએ.
થઈ શકે છે તમારી ઉંઘ હરામ-
ગ્રીન ટીમાં એક કમ્પાઉન્ડ હોય છે જે ઊંઘ માટે હાનિકારક હોઈ શકે છે, તે કેફીન છે. જો કે ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, તેમ છતાં જો તમને જો ગ્રીન ટીની આદત હોય અને તમને એના વિના ના ફાવતું હોય તો તમને ઊંઘની તકલીફ થઈ શકે છે.
આયર્નની ઉણપ-
એ વાત સાચી છે કે ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, પરંતુ આ ગુણ તમારા શરીરમાં આયર્નના શોષણમાં અવરોધ ઉભો કરે છે. એક મેટા-વિશ્લેષણ દર્શાવે છે કે જે લોકોને પહેલાથી જ એનિમિયા અથવા આયર્નની ઉણપની તકલીફ છે તેમના માટે ગ્રીન ટી હાનિકારક બની શકે છે.
લોહીને પાતળું કરે છે-
ગ્રીન ટી બ્લ્ડ સરક્યુલેશનને ઉત્તેજિત કરી શકે છે. ગ્રીન ટીમાં જોવા મળતું કમ્પાઉન્ડ શરીરમાં ફાઈબ્રિનોજેનનો નાશ કરે છે. આ પ્રોટીન છે જે લોહીના ગંઠાઈ જવા માટે મદદ કરે છે. ગ્રીન ટી ફેટી એસિડના ઓક્સિડેશનને પણ અટકાવે છે, જે લોહીને પાતળું કરી શકે છે. જો તમને લોહી ગંઠાઈ જવાની સમસ્યા હોય તો ગ્રીન ટી પીવાનું ટાળો. પીરિયડ્સ દરમિયાન પણ તેને પીવાની મનાઈ છે.
લીવર સમસ્યાઓ-
ગ્રીન ટી સપ્લીમેન્ટ્સ અને ગ્રીન ટીના વધુ પડતા સેવનથી લીવર ડેમેજ અને લીવરની બીમારી થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે આ કેફીનના સંચયને કારણે છે જે લીવર પર તાણ લાવી શકે છે. તેનાથી બચવા માટે દરરોજ 4 થી 5 કપથી વધુ ગ્રીન ટી પીવાનું ટાળો.
હાડકાના પર તેની અસર-
વધુ પડતી ગ્રીન ટી પીવાથી ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના રોગો થઈ શકે છે. જો તમને હાડકાના રોગનો ખતરો હોય તો માત્ર 2 થી 3 કપ ગ્રીન ટીનું સેવન કરો. જો તમે આનાથી વધુ પીતા હોવ તો હાડકાની તંદુરસ્તી જાળવવા માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લો.
ગર્ભાવસ્થા દરમિયાન ખતરનાક-
ગ્રીન ટીમાં ટેનીન, કેફીન અને કેટેચીન હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન આ બધી વસ્તુઓ ખતરનાક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન અથવા સ્તનપાન દરમિયાન દરરોજ 2 કપથી વધુ ગ્રીન ટી પીવી જોખમી બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ગ્રીન ટીના કારણે ગર્ભપાતનો ભય રહે છે.
ડૉક્ટરની સલાહ લો-
ગ્રીન ટીની ઘણી આડઅસર હોય છે, તેમ છતાં એફડીએ અનુસાર ગ્રીન ટી મર્યાદિત માત્રામાં પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ વધુ પડતી માત્રા હેલ્થ પર આડઅસર ઉભી કરે છે. તેથી નિષ્ણાત ડોક્ટરની સલાહ સિવાય કોઈપણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.