પાણીની બોટલો પર કેમ લખી હોય છે એક્સપાયરી ડેટ? જાણો પાણી ક્યારે થાય છે ખરાબ
શું પાણીની પણ કોઈ એક્સપાયરી ડેટ હોય છે? કેટલાં સમય પછી પાણી થઈ શકે છે ખરાબ? આ સવાલોના જવાબો પણ જાણવા જેવા છે.
નવી દિલ્લીઃ તમે મોલ કે દુકાનમાંથી કોઈ વસ્તુ ખરીદશો તો તમને તેના પર તે વસ્તુની એક્સપાયરી ડેટ લખેલી જોવા મળશે. પણ તમે પાણીની બોટલ ખરીદીને તેના પર એક્સપાયરી ડેટ ચકાસી છે. તમને ખ્યાલ ન હોય તો જણાવી દઈએ કે પાણીની બોટલ ઉપર પણ એક્સપાયરી ડેટ લખેલી હોય છે. આ વાત જાણીને તમને એક જ સવાલ થશે કે શું પાણી પણ ખરાબ થઈ શકે ખરૂં? કે પછી બોટલમાં બંધ કરવાના કારણે પાણી ખરાબ થઈ જાય છે? ત્યારે આવો આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.
શું પાણી એક્સપાયર થાય ખરૂં?
એ વાત સાચી કે પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. પરંતુ પાણી ક્યારેય ખરાબ થતું નથી. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDA પાણીની બોટલનું નિયમન કરે છે. પરંતુ તેને કાનુની રૂપે પાણીની બોટલ પર શેલ્ફ લાઈફ લખવાની કોઈ જરૂરિયાત નથી હોતી. પણ પ્લાસ્ટીકની બોટલમાં રહેલા પાણીમાં અમુક સમય પછી પ્લાસ્ટીક ઓગળવાનું શરૂ થઈ શકે છે. એટલે જ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બોટલો પર મેન્યુફેક્ચરિંગ ડેટથી 2 વર્ષ સુધીની એક્સપાયરી ડેલ લખવામાં આવે છે.
ઈન્ટરનેશનલ બોટલ વોટર એસોસિએશન પ્રમાણે અમુક કંપનીઓ પાણીની બોટલો પર તારીખ મુજબ લોટ કોડ લખે છે. જેના કારણે વેચાણ માટે સ્ટોક રોટેશનમાં તેમને મદદ મળે છે. આ લોટ કોડ પાણીને દુષિત થવા, પ્રોડક્ટ રિકોલ અને બોટલિંગ કરવામાં થયેલી સમસ્યાને શોધવામાં મદદગાર સાબિત થાય છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલનો વારંવાર ન કરો ઉપયોગ-
બજારમાં મળતી પ્લાસ્ટિકની બોટલો સિંગલ યુઝ માટે જ હોય છે. પરંતુ આપણે પાણીની બોટલ ખરીદ્યા બાદ તેમાં ફરી પાણી ભરીને વારંવાર વાપરવા લાગીએ છીએ. પરંતુ આવુ કરવાથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે પ્લાસ્ટિકની બોટલને વારંવાર વાપરવાથી અથવા તડકામાં રાખવાથી બોટલમાં રસાયણોનો સ્ત્રાવ થવા લાગે છે. ગરમીના કારણે પ્લાસ્ટિકના કેમિકલ બોન્ડ તુટવા લાગે છે અને તે કેમિકલ પાણીમાં ભળી જાય છે. અને જે આ પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.