સ્વાસ્થ્યનો ખજાનો! કડકડતી ઠંડીમાં લીલી હળદરનું શાક ખાવાના છે ગજબના ફાયદા, ફટાફટ બનાવવાની રીત જાણો
હળદરમાં ઢગલો ઔષધીય ગુણો છે. એવું પણ કહેવાય છે કે હળદરનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો 14 જેટલી બીમારીઓથી દૂર રહી શકાય. શિયાળામાં લીલી હળદરના શાકનું સેવન ખુબ જ ફાયદો કરાવી શકે છે. જાણો તે બનાવવાની રીત.
ગુજરાતમાં હવે ધીરે ધીરે શિયાળો જામવાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખાવાની મજા જ કઈક ઓર હોય છે. એમાં પણ લીલી હળદરની વાનગીઓનું તો શું કહેવું પડે. હળદરમાં પણ બે પ્રકારની હળદર બજારમાં તમને હાલ મળે જેમાં સફેદ હળદર કે જેને આપણે સામાન્ય રીતે આંબા હળદર તરીકે ઓળખીએ છીએ અને બીજી છે પીળી હળદર. બંને હળદર શરીર માટે ખુબ જ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખજાના જેવું છે.
લીલી હળદરના ફાયદા
હળદરમાં ઢગલો ઔષધીય ગુણો છે. એવું પણ કહેવાય છે કે હળદરનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો 14 જેટલી બીમારીઓથી દૂર રહી શકાય. હળદરમાં એવા અનેક ગુણ છે જે વજન ઘટાડવામાં, ઈમ્યુનિટી વધારવામાં અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે. એટલે કે એક મસાલા તરીકે જેટલું સ્વાસ્થ્યપ્રદ છે એટલું જ ઔષધીય ગુણ ધરાવે છે. જો કે સૂકી હળદર કરતા પણ લીલી હળદર વધુ ફાયદાકારક છે.
1. ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે
કાચી હળદરમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તત્વો મળી આવે છે. જે ઈમ્યુનિટી મજબૂત કરે છે.
2. એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર
કાચી હળદરનો ઉપયોગ અનેક જૂની બીમારીઓને દૂર કરવાના કામમાં આવે છે. તેમાં ભરપૂર એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે જૂની બીમારીઓના જોખમને ઘટાડે છે.
3. દુખાવામાં રાહત
કાચી હળદર એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે દુખાવામાં રાહત અપાવે છે. આર્થ્રારાઈટિસ અને સ્નાયુના દુખાવાથી હેરાન થતા લોકોએ કાચી હળદરનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં કાચી હળદરનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.
4. પાચનમાં સુધાર
પેટ અને પાચન માટે કાચી હળદર એક સારો સ્ત્રોત ગણાય છે. અપચો અને સોજાની સમસ્યા દૂર કરવામાં કાચી હળદર મદદ કરે છે. પાચન સારુ કરવા માટે કાચી હળદરનો ઉપયોગ કરી શકાય છે. આંતરડા માટે પણ તે સારી છે, મેટાબોલીઝમ બૂસ્ટ થાય છે.
5. ત્વચા માટે ફાયદાકારક
કાચી હળદરનો ઉપયોગ ત્વચા માટે પણ કરી શકાય છે. ત્વચા માટે કાચી હળદર ખુબ સારી ગણાય છે. તે ભેળસેળ વગરની એકદમ પ્યોર હોય છે. એન્ટીઓક્સીડેન્ટના ગુણોથી ભરપૂર જે સોજા અને ખીલ ઘટાડવામાં મદદરૂપ છે.
હવે આટલી ગુણકારી કાચી હળદરનું શાક બનાવવાની રીત પણ ફટાફટ જાણી લો.
જરૂરી સામગ્રી:
500 ગ્રામ ટામેટાની પ્યુરી
500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ ગ્રેવી માટે
500-750 ગ્રામ લીલી હળદર
250 ગ્રામ લીલા વટાણા
500-750 ગ્રામ લસણ
250 ગ્રામ મરચાની પેસ્ટ
500 ગ્રામ દહીં (લસ્સી જેવું રાખવું)
500 ગ્રામ ઘી
250 ગ્રામ આદુ
200 ગ્રામ કોથમીર
200-400 ગ્રામ સમારેલ ગોળ
મીઠુ, લાલ મરચું
બનાવવાની રીત:
લીલી હળદરનું સ્વાદિષ્ટ શાક બનાવવા માટે સૌ પ્રથમ તો તમે ઘીમાં લીલી હળદર લાલાશ પકડે ત્યાં સુધી સાંતળી લો. (બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.) ત્યારબાદ તેમાં લસણ ઉમેરી સાંતળી લો. સંતળાઈ જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી દો. ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરો. થોડીવાર તેમાંથી ઘી છૂટું પડે એટલે ખમણેલું આદુ ભભરાવી 1-2 મિનીટ રહેવા દેવું અને પછી મરચાની પેસ્ટ ઉમેરવી. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને લાલ મરચું ઉમેરો અને પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું. છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દો. કોથમીર ભભરાવીને ગાર્નિશ કરો. લો ત્યારે તૈયાર છે તમારા માટે પૌષ્ટિક એવું લીલી હળદરનું ટેસ્ટી શાક. આ શાકને બાજરીના રોટલા સાથે ખાવાની મજા જ કઈ ઔર હોય છે. આ ઉપરાંત લીલી હળદરનો ઉપયોગ સલાડ તરીકે અથવા અથાણું બનાવીને પણ કરી શકાય.