શિયાળામાં જાળવો આંખનું રતન, આ છે સાવ સહેલી ટિપ્સ
આ ટિપ્સ આંખોનું રક્ષણ કરે છે
નવી દિલ્હી : શિયાળાની ઋતુની શરીર નકારાત્મક અસર થતી હોય છે. ઠંડીથી શરીરને બચાવવા આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરીએ છીએ પણ આંખ તો ખુલ્લી જ રહી જતી હોય છે. જોકે કેટલીક ખાસ ટિપ્સનું ધ્યાન રાખવાથી આંખની સારી રીતે જાળવણી કરી શકાય છે. આંખની જાળવણી કરવા માટે આ ખાસ પાંચ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. સનગ્લાસનો ઉપયોગ કરો : જો તમારે શિયાળામાં લાંબો સમય સુધી બહાર રહેવું પડતું હોય તો સનગ્લાસનો ઉપયોગ કરવો જોઈએ. એ તમારી આંખોની રક્ષા કરે છે અને આંખને સીધી ઠંડી હવાથી બચાવે છે. સનગ્લાસ પહેરવાથી આંખ શુષ્ક નથી થતી. બરફમાં પણ સનગ્લાસ પહેરવા જોઈએ કારણ કે બરફ સુરજના યુવી પ્રકાશને 80 ટકા રિફ્લેક્ટ કરે છે.
2. આઇડ્રોપ્સ નાંખો : શિયાળામાં ઘરની બહાર ઠંડી હવા હોય છે અને ઘરની અંદર ગરમ હવા. આ સંજોગોમાં ડ્રાઇ આઇ સિન્ડ્રોમ થવાનો ડર રહે છે. આવી સ્થિતિમાં લુબ્રિકેટિંગ આઇ ડ્રોપનો ઉપયોગ ફાયદાકારક છે. એ કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી મળી જાય છે.
3. વધારે પાણી પીઓ : જેવી રીતે ઉનાળામાં વધારે પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે એવી જ રીતે શિયાળામાં પણ વધારે પાણી પીવાથી ફાયદો થાય છે. જો તમને રોજ પુરતા પ્રમાણમાં પાણી પીતા હશો તો તમને ડ્રાઈ આઈની સમસ્યા નહીં નડે.
4. આંખને ન લગાડો હાથ : જો ડ્રાઇ આઇ થઈ જાય તો આવી સ્થિતિમાં આંખમાં બળતરા થતી હોય છે અને આ સંજોગોમાં સતત આંખને હાથથી ચોળવાનું મન થાય છે. આનાથી તાત્કાલિક રાહત તો મળે છે પણ સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. આના કારણે આંખમાં દુખાવો થઈ શકે છે. જો તમારા હાથમાં બેકટેરિયા હોય તો આંખમાં ઇન્ફેક્શન લાગવાનો પણ ડર રહે છે.
5. સતત કોમ્પ્યૂટરનો વપરાશ : જો તમે કોમ્પ્યૂટર તેમજ લેપટોપ પર વધારે સમય કામ કરતા હો તો તમારી આંખ બહુ જલ્દી થાકી જશો. કોમ્પ્યૂટર પર કામ કરતી વખતે થોડા થોડા સમયે બ્રેક લો અને કોમ્પ્યૂટર સ્ક્રીન સામે ન જુઓ.