SUSHANT SINGH RAJPUT DEATH ANNIVERSARY: TV થી ફિલ્મો સુધીની કારકિર્દી ભલે રહી નાની, પરંતુ લોકોના દિલમાં કાયમ માટે વસી ગયો સુશાંત

Mon, 14 Jun 2021-7:40 am,

ફિલ્મો અને વાસ્તવિક જીવનમાં ઘણુ અંતર હોય છે, આ વાત અભિનય કરતા કલાકારો પણ સારી રીતે સમજે છે, પરંતું સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેના લાખો-કરોડો ફેન્સની નજરો સામે તેની કેટલીક ફિલ્મો આવી ગઈ જેને જોઈ એવું લાગે કે સુશાંતે તો તેની ફિલ્મોમાં એવા પાત્ર ભજવ્યા જેમાં વાર્તા મૃત્યુની આસપાસ રહી હોય. તેની પહેલી ફિલ્મ કાઈપો છે હોય કે કેદારનાથ હોય કે પછી છિછૌરે હોય. આજે 14 જૂન એટલે સુશાંતની પ્રથમ પુણ્યતિથિ.. 14 જૂન વર્ષ 2020નો દિવસ જ્યારે સુશાંતે આપઘાત કર્યો ત્યારે આ ઘટનાએ ન માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરંતું સમગ્ર દેશવાસીઓને આઘાતમાં મૂકી દીધા..  

નાના પડદાથી મોટા પડદા સુધીની સુશાંતની થોડાક વર્ષોની સફર એવી રહી કે તે લાખો કરોડો ફેન્સના દિલમાં વસી ગયો. સુશાંતે આ સફળતા મેળવવા ઘણી તનતોડ મહેનત કરી હતી. સુશાંતની એક પછી એક ફિલ્મો અને તેના ચહેરા પર જોવા મળતું હાસ્ય ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય કે આ હસતો ચહેરો તેના પરિવાર અને પ્રશંસકોને રડતા મૂકીને જતો રહેશે. 21 જાન્યુઆરી વર્ષ 1986માં જન્મેલા સુશાંતસિંહ રાજપૂતે ટેલિવિઝનથી ફિલ્મો સુધીની સફર પાર કરી. 'માનવ'ના પાત્રથી સુશાંતે ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી. એન્જિનિયરિંગથી ફિલ્મોમાં આવવા સુધીની સુશાંતની સફર રહી છે ખૂબ જ સંઘર્ષમય અને યાદગાર..

વર્ષ 2002માં સુશાંતની માતાનું નિધન થયું, ત્યારબાદ તેમનો પરિવાર પટનાથી આવીને દિલ્લી શિફ્ટ થઈ ગયો. સુશાંત અભ્યાસમાં ખૂબ હોશિયાર હતા, ધોરણ 11માં સુશાતંને ફિઝિક્સ ઓલમ્પિયાડમાં તેમને ગોલ્ડ મેડલ મળ્યુ હતું. દિલ્લીમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કરતા  સુશાંતને લાગ્યું કે તેને એકસ્ટ્રા એક્ટિવિટીઝમાં જોડાવવું જોઈએ. ત્યારબાદ સુશાંતે એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દીધો અને શ્યામક દાવરના ડાન્સ ગૃપને જોઈન કર્યું. શ્યામક જોડે સુશાંતે દેશ-વિદેશમાં અનેક લોકો સાથે ઘણા શોઝ કર્યા. સુશાંત ખૂબ સારા ડાન્સર હતા. ઓસ્ટ્રેલિયામાં કોમવેલ્થ ગેમ્સમાં સુશાંતને એશ્વર્યા રાય સાથે જુનિયર ડાન્સર તરીકે ડાન્સ કરવાની તક મળી.

વર્ષ 2008માં એકતા કપૂરની ટીવી સિરિયલ 'કિસ દેશ હે મેરા દિલ' થી સુશાંતે ડેબ્યૂ કર્યું. આ સિરિયલથી સુશાંતને થોડી ઘણી ઓળખ મળી પરંતું પ્રોડ્યુસર એકતા કપૂરના દિલમાં તેને જગ્યા બનાવી દીધી. ત્યારબાદ એકતા કપૂરે સુશાંતને 'પવિત્ર રિશ્તા'માં મેઈન લીડ તરીકે મોટો બ્રેક આપ્યો. આ સિરીયલથી સુશાંતનું કરિયર પૂરપાટ ઝડપે દોડવા લાગ્યું. 'માનવ' ના પાત્રથી સુશાંતને ઘરે ઘરે ઓળખ મળી. હવે સુશાંતને મોટા પડદા પર પોતાનું નસીબ અજમાવવું હતું અને તેની પહેલી ફિલ્મ જ તેની ફિલ્મી કારકિર્દી માટેનો શ્રેષ્ઠ નિર્ણય સાબિત થઈ. અભિષેક કપૂરની ફિલ્મ 'કાઈપો છે'થી સુશાંતના કામના ઘણા વખાણ થયા.

'કાઈપો છે' પછી સુશાંત શુદ્ધ દેસી રોમાન્સ, પીકે, ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષી જેવી ફિલ્મોમાં કામ કર્યું વર્ષ 2016માં સુશાંતે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં ધોનીનું પાત્ર ન માત્ર ભજવ્યું પરંતું આત્મસાત સાબિત થયું. ફિલ્મ સુશાંત માટે માઈલસ્ટોન સાબિત થઈ. ત્યારબાદ સુશાંત રાબતા, કેદારનાથ, સોનચિડીયા, ડ્રાઈવ ફિલ્મમાં જોવા મળ્યા. ફરી એકવાર સુશાંતની ફિલ્મ 'છિછૌરે' એ તેના ફેન્સના દિલ જીતી લીધા.  સુશાંતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા'  રિલીઝ થાય તે પહેલા સુશાંતે આ દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંતની અંતિમ ફિલ્મ ભલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ પરંતું તેને વ્યૂઅરશીપના તે સમયે તમામ રેકોર્ડ તોડ્યા. સુશાંતની છેલ્લી ફિલ્મે લોકોને ખૂબ ભાવુક કર્યા જેમાં પણ સુશાંતના પાત્રનું છેલ્લે મોત થાય છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી એક વિવાદ ચાલતો આવ્યો છે અને તે છે નેપોટિઝમ.. બોલિવૂડમાં રિઅલ ટેલેન્ટના બદલે ફિલ્મ કલાકાર કે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે અને બહારથી આવતા કલાકારોની અદેખાઈ કરવામાં આવે છે. સુશાંતના આપઘાત બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરણ જોહર, યશરાજ બેનર અને મહેશ ભટ્ટ સામે એક મોટો વર્ગ ઉભો થયો આ લોકો પર સુશાંત પાસેથી કામ છીનવી લેવાના આક્ષેપ થયા. ટ્વીટર પર અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના મોત બાદ એક પછી એક વીડિયો શેર કરી કે ટ્વીટ કરી એક જંગ શરૂ કરી દીધી. સ્ટારકિડ્સને અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણિતા મોટા ચહેરાઓને સુશાંતના મોત માટે જવાબદાર ગણવામાં આવ્યા..

સુશાંતના મોત બાદ જો કોઈના જીવન પર સૌથી વધારે અસર થઈ હોય તો તે તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીને... સુશાંતના અચાનક આપઘાત સામે આવતા રિયા ચક્રવર્તી સાથેના સંબંધ , ઝઘડા સહિતના મુદ્દે સુશાંતના પરિવાર અને તેના ફેન્સે રિયા ચક્રવર્તી પર સુશાંતને માનસિક ત્રાસ આપવાના, ડ્રગ એડિક્ટ કરવાના અને આપઘાત કરવા માટે મજબૂર કરવાના આક્ષેપ કર્યા. સોશિયલ મીડિયા પર અનેક મહિનાઓ સુધી રિયા ચક્રવર્તી સતત ટ્રોલિંગનો શિકાર બની. CBI ની સાથે ED અને NCBએ રિયા ચક્રવર્તીની સતત પૂછપરછ કરી.  4 સપ્ટેમ્બર 2020ના દિવસે NCBએ રિયા અને તેના ભાઈ શૌવિકની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી.

સુશાંતની હત્યા થઈ હોવાના ઘણા આક્ષેપ કરવામાં આવ્યા તેને લઈ CBIએ પણ તપાસ કરી. CBIએ સમગ્ર ઘટનાનું રિ કન્સ્ટ્રકશન પણ કર્યું. મહિનાઓની તપાસ બાદ દિલ્લી મેડિકલ બોર્ડે CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો જેમાં સુશાંતે આત્મહત્યા કરી હતી તેવું તારણ બહાર આવ્યું.

બોલિવુડમાં આપઘાત કે રહસ્યમયી મૃત્યુની ઘટનાઓએ દરેક વખતે ફિલ્મ ઈન્ડસ્ટીરને હચમચાવી મૂકયા છે. વર્ષો પહેલા સુપરસ્ટાર એક્ટ્રેસ દિવ્યા ભારતીના અચાનક મૃત્યુએ લોકોને આઘાતમાં મૂકી દીધા હતા. તેવી જ રીતે વર્ષો બાદ વર્ષ 2020માં સુશાંતસિંહના આપઘાતે લોકોને મોટો આંચકો આપી દીધો હતો. આ જ સુશાંતની લોકપ્રિયતાની સાબિતી છે કે એક વર્ષ બાદ પણ સુશાંતના લાખો ફેન્સે તેને યાદગીરીમાં જીવંત રાખ્યો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link