હાથશાળ અને હસ્તકલામાં ગુજરાતની ઉંચી ઉડાન; એક સાથે 18 સ્થળોએ કલાકારોને કમાણી કરાવશે ગરવી-ગુર્જરી
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) લિમિટેડ દ્વારા રાજ્યના હાથશાળ-હસ્તકલાને તથા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ચલાવવામાં આવે છે કે જ્યાં રાજ્યના નાના-મોટા ગામો તથા આંતરિયાળ વિસ્તારના હાથશાળ-હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં 13 તથા ગુજરાતની બહાર 7 સહિત કુલ 20 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિય કાર્યરત છે તેમજ સાથે એક ઈ-સ્ટોર પણ કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના હાથશાળ-હસ્તકલા કારીગરોને વધુ પ્રોત્સાહન આપવા તથા વધુ આવક અપાવવા માટે અનેક મહત્વની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને તેના હેઠળ રાજ્યમાં આગામી સમયમાં વધુ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરવામાં આવશે. રાજ્ય સરકાર તેમજ GSHHDCએ આ માટે હવે રાજ્ય તથા દેશના ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર ફોકસ કરવાનો નિર્ણય કર્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ જ ઉદ્દેશથી હવે ધાર્મિક-પ્રવાસન સ્થળો પર 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરુ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
GSHHDCએ ગુજરાત તથા દેશના અન્ય ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરૂ કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. GSHHDCના મૅનેજિંગ ડાયરેક્ટર લલિત નારાયણ સિંહ સાંદુએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, “ ગુજરાતમાં કુલ 13 સ્થળોએ નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ ખોલવામાં આવશે કે તેમાં સુરત, પાલનપુર, પાલિતાણા, જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢનો સમાવેશ થાય છે. આ 13 સ્થળોમાં મોટાભાગના ધાર્મિક તથા પ્રવાસન સ્થળો છે. તેવી જ રીતે ગુજરાત બાહર મહારાષ્ટ્રમાં મુંબઈ તથા પુણે ખાતે રાજસ્થાનમાં ઉદયપુર, નાથદ્વારા તેમજ જયપુર ખાતે નવા ગરવી-ગરવી ગુર્જરી એમ્પોરિયમ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.”
GSHHDCના જોઇન્ટ ડાયરેક્ટર આર. આર. જાદવે ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે “ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ સાથે હાલમાં રાજ્યના લગભગ 6 હજાર કળા-કારીગરો જોડાયેલા છે અને આ આંકને 10 હજાર સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે નિગમે વર્ષ 2018-19થી 2022-23 એટલે કે છેલ્લા 5 વર્ષમાં હાથશાળ અને હસ્તકલાના લગભગ 29,763 હજાર કારીગરો પાસેથી રૂ. 32 કરોડ 57 લાખ 6 હજારના ઉત્પાદનોની ખરીદી કરી છે. હાલમાં કાર્યરત 20 ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમો અને એક ઈ-સ્ટોર થકી છેલ્લા 5 વર્ષમાં રૂ. 60 કરોડ 17 લાખ 46 હજારના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું છે.
આમ, આ નવા એમ્પોરિયમના પગલે ગુજરાતના કલા-વારસાને નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે અને સરવાળે કારીગરોને રોજગાર માટેની નવી તકો ઉપ્લબ્ધ થશે.