કાળમુખો બુધવાર: રાજ્યમાં એક જ દિવસમાં 9 અકસ્માતમાં 21ના મોત, 46 લોકો ઇજાગ્રસ્ત

Wed, 18 Nov 2020-8:51 pm,

પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહીર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો. આહીર પરિવારના 20 થી 25 લોકો આઈસર ટેમ્પોમાં સવાર થઈને નીકળ્યા હતા. પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતા. પરંતુ તે પહેલા જ વાઘોડિયા ચોકડી પાસે આ આઈસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો. જેમાં પરિવારના 11 લોકોના મોત નિજ્યા છે. જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. તો 17 જેટલા લોકો ઘાયલ છે.

સુરેન્દ્રનગરના લખત રોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર લખતરનો પરિવાર ભગુડા દર્શનાથે જઈ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વૃક્ષ સાથે ભટકાઈ હતી.

અરવલ્લી જિલ્લાના માલપુરના અણિયોર પાસે રીક્ષા અને સ્ફુટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અણિયોર અને પીપરાણા વચ્ચે થયેલ અકસ્માતમાં 2ના મોત નિપજ્યા હતા. મૃતકો બાયડ તાલુકાના ગાબટ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. સ્કુટી સવારને ગંભીર હાલતમાં મોડાસા ખસેડાયો હતો. સ્ફુટી સવાર યુવક અણિયોર ગામનો વતની હોવાનું સામે આવ્યું છે.

આણંદના કુંજરાવ માર્ગ પર ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. કુંજરાવ ચોકડી પાસે ઝાડ સાથે કાર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લોકો ભાલેજ ગામે ચા પીને ત્રણોલ ગામ જઈ રહ્યાં હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ત્યારે ખંભોળેજ પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જૂનાગઢના કેશોદમાં રેવદ્રા અને પાણખાણ વચ્ચે રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષામાં મૃતક મહિલા તેના પતિ અને પુત્ર તેમજ કાકાની દીકરી એમ કુલ 4 લોકો પોતાની રીક્ષામાં માંગરોળથી રેવદ્રા ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રેવદ્રા અને પાણખાણ વચ્ચે રોડની સાઈડમાં રીક્ષા ઉભી રાખી હતી. તે જ સમયે કાળ બનીને આવેલા ટ્રેક્ટરે રોડ સાઈડ ઉભેલી બંધ રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ભાવનગરના વરતેજ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતું. જ્યારે વાળુકડનો 30 વર્ષીય યુવાન ઘર તરફ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સુરેશ શાંતિભાઈનું મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરત ધૂળિયા હાઇવે પર અકસ્માત બે લકઝરી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કડોદરા બારડોલી રોડ પર દસ્તાન ફાટક પાસે બંને લકઝરી બસ સામસામે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે સુરત સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હતો. ચીખલી નજીક કન્ટેનરની પાછળ ખાનગી લક્ઝરી બસ અથડાઈ હતી. મધ્યપ્રદેશથી નીકળેલી લક્ઝરી બસમાં મજૂરો સવાર હતા, જેઓ મુંબઈના પાલઘર જવા નીકળ્યા હતા. જોકે, બસ અકસ્માતમાં બસને નુકસાન પહોંચ્યું હતુ અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસનો ક્લીનર, એક બાળકી અને અન્ય મળીને કુલ ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો.

ભાવનગર-સિહોર હાઈવે પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવ પર એક બાઇક ચાલેક કાબુ ગુમાવતા આગળ જઇ રહેલી બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતની ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. ત્યારે બાઇક અકસ્માતમાં બેને ઇજા પહોંચી હતી, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું. જો કે, અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સરાવરા માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link