Pics : 250 કંકાલના પગની બાજુમાં મૂક્યા હતા વાસણો, 5000 વર્ષ બાદ જમીનમાંથી બોલ્યા હાજપિંજર

Wed, 13 Mar 2019-10:07 am,

અનાદિકાળથી ધબકતી પૃથ્વી જીવસૃષ્ટિના અમાપ અવશેષોથી ભરેલી છે. તેમાં પણ કચ્છ જિલ્લો આર્કિયોલોજીની દ્રષ્ટિએ એટલો સંપન્ન છે કે, અહીં હજારો વર્ષનાં ચિહ્નો સારી હાલતમાં સચવાયેલી છે. હાલ લખપત તાલુકાના ખટિયા ગામે ઉત્ખનન દરમિયાન 250થી વધુ માનવ કંકાલ ધરાવતું પાંચ હજારથી વધુ વર્ષ જૂનુ કબ્રસ્તાન મળી આવ્યું છે. કેરાલા યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના નેજા હેઠળ કચ્છના લખપત તાલુકાના જૂના ખટિયા ગામેથી આ અવશેષો પ્રાપ્ત થયા છે. અહીં મળી આવેલી કબરો પૈકી 26નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનો આકાર લંબચોરસ છે. દિવાલમાં વપરાયેલા પથ્થરોને વ્યવસ્થિત કટિંગ કરીને ચણવામાં આવ્યા છે.  

રિસર્ચ કરનાર એસોસિયેટ પ્રોફેસર ડો. સુભાષ ભંડારીએ જણાવ્યું કે, દરેક કબરની લંબાઇ જુદી છે. સૌથી મોટી 6.9 મીટર અને નાની 1.2 મીટર છે. માનવ કંકાલની દિશા પૂર્વ-પશ્ચિમ છે, જેમાં માથું પૂર્વ તરફ છે. અમુક કબરોમાં પગની બાજુ માટીનાં વાસણો મળી આવ્યાં છે, જે તે સમયનો કોઇ રિવાજ હોઇ શકે. આ વાસણોના અવશેષો કાળખંડે-પાકિસ્તાન સાઇટ જેવા છે. આમરી, નાલ, કોટ ડી-જી અને ઉત્તર ગુજરાતમાંથી તે સમયકાળની સાઇટ નાગવાડા, દાત્રાણ, સાદલી, મોટી પીપલી, રનૌદ, કચ્છની સુરકોટડા, ધાણેટીથી મળતી આવે છે. ખટિયા સાઇટથી શંખની બંગડીઓ, પથ્થરના લસોટા, પથ્થરની બ્લેડ જેવી એક હજારથી વધુ વસ્તુઓ મોટી સંખ્યામાં મળી છે. અમુક માનવ કંકાલ સાથે પ્રાણીઓનાં અસ્થિઓના અવશેષો પણ છે.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર કાંતિ પરમારના નેતૃત્વમાં અહીંની એક કબરને સલામત રીતે કેરાલા યુનિ. મ્યૂઝિયમમાં લઇ જવાશે. વધુ અભ્યાસ પછી કંકાલની ઉમર, મૃત્યુનું કારણ, રોગ કે તેની સારવાર, તત્કાલીન માનવના ડીએનએની વિશેષતા, લોકજીવનની માન્યતા અને રિવાજો સહિતનો અભ્યાસ છાત્રો દ્વારા કરાશે. ધજાગઢ અને પડદાબેટ વિસ્તારમાંથી પણ અનુબંધ મળેલા છે. અવશેષોનું દેશભરની યોગ્ય લેબોરેટરીમાં પરીક્ષણ કરાશે. આ સાઇટ માટે 2016માં કેરાલા યુનિ. ખોદકામ પહેલાં ડ્રોન સરવે તથા વિવિધ પદ્ધતિઓ દ્વારા અંદાજને સત્યની નજીક લઇ જવામાં આવે છે. તે દરમ્યાન 300 ચોરસ મીટરના વિસ્તારમાંથી આખું કબ્રસ્તાન મળી આવ્યું હતું, જે 5200 થી 4600 વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

ભૂજથી અંદાજે 130 કિ.મી. અને ઘડુલીથી 15 કિ.મી. અંતરે આવેલી આ સાઇટ હજી પણ અનેક રહસ્યો ધરબી બેઠી છે. જાન્યુઆરીમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ખોદકામની મંજૂરી સાથે કેરાલા યુનિ.ના અનુસ્નાતક છાત્રો-છાત્રાઓ, કચ્છ યુનિ.ના ડો. સુભાષ ભંડારી, જયપાલસિંહ જાડેજા, હેત જોશી, અનિલ ચૌહાણ, છાત્ર-છાત્રાઓ, એમ.એસ. યુનિ. વડોદરા, પુના કોલેજના નિષ્ણાતોએ 45 દિવસની ઝીણવટ-ચીવટપૂર્વકની કામગીરીથી ધરતીમાં ધરબાયેલા માનવ ઉક્રાંતિના 5000 વર્ષ પુરાણા પૃષ્ઠને પુન:દર્શિત કર્યું હતું. ભૂજ તાલુકાના ગજોડ ગામની આસપાસ પણ ઉત્ખનન સાઇટ મળી આવવાના અણસાર છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link