26/11 હુમલો: આ 5 અસલ હીરો, લોકોની રક્ષા કાજે પોતાના જીવ ગુમાવીને ઈતિહાસમાં અમર થઈ ગયા

Mon, 26 Nov 2018-12:08 pm,

મુંબઈ એટીએસના ચીફ હેમંત કરકરે રાતે પોતાના ઘરમાં ભોજન કરી રહ્યાં હતાં ત્યારે તેમને આતંકી હુમલાને લઈને ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાંથી ફોન આવ્યો હતો. હેમંત કરકરે તરત ઘરેથી નિકળ્યા અને એસીપી અશોક કામ્ટે, ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર સાથે મોરચો સંભાળ્યો. કામા હોસ્પિટલ બહાર થયેલી અથડામણમાં આતંકી અજમલ કસાબ અને ઈસ્માઈલ ખાનના અંધાધૂંધ ફાયરિંગના કારણે તેઓ શહીદ થયા. તેમને મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરાયા હતાં. કરકરે એ મુંબઈ સિરીયલ બ્લાસ્ટ અને માલેગાંવ બ્લાસ્ટની તપાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

મુંબઈ પોલીસમાં એએસઆઈ તુકારામ ઓંબલે જ એ જાંબાઝ વ્યક્તિ હતાં જેમણે આતંકી અજમલ કસાબનો કોઈ પણ હથિયાર વગર સામનો કર્યો અને તેને દબોચી લીધો હતો. આ દરમિયાન કસાબની બંદૂકથી તેમને અનેક ગોળીઓ વાગી અને તેઓ શહીદ થઈ ગયાં. શહીદ તુકારામને તેમની બહાદુરી બદલ શાંતિકાળ માટે સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

અશોક કામ્ટે મુંબઈ  પોલીસમાં એસીપી તરીકે કાર્યરત હતાં. જે સમયે મુંબઈ પર આતંકી હુમલો થયો ત્યારે એટીએસ ચીફ હેમંત કરકરે સાથે હતાં. કામા હોસ્પિટલ બહાર પાકિસ્તાની આતંકી ઈસ્માઈલ ખાને તેમના ઉપર ફાયરિંગ કર્યું. એક ગોળી તેમના માથામાં વાગી. ઘાયલ થવા છતાં તેમણે દુશ્મનોને ઠાર કર્યાં.

એક સમયે મુંબઈ અંડરવર્લ્ડ માટે ડરનું બીજું નામ સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વિજય સાલસ્કર કામા હોસ્પિટલની બહાર થયેલા ફાયરિંગમાં હેમંત  કરકરે અને અશોક કામ્ટે સાથે આતંકીઓના ફાયરિંગમાં ઘાયલ થયા અને શહીદ થયા હતાં. શહીદ વિજય સાલસ્કરને પણ મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનન નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ના કમાન્ડો હતાં. તેઓ 26/11 એન્કાઉન્ટર દરમિયાન મિશન ઓપરેશન બ્લેક ટોરનેડોનું નેતૃત્વ કરી રહ્યાં હતાં અને 51 એસએજીના કમાન્ડર હતાં. જ્યારે તાજ મહેલ પેલેસ અને ટાવર્સ હોટર પર કબ્જો જમાવી બેઠેલા પાકિસ્તાની આતંકીઓ સામે તેઓ લડી રહ્યાં હતાં ત્યારે એક આતંકીએ પાછળથી તેમના ઉપર હુમલો કર્યો અને તેઓ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા હતાં. તેમને પણ મરણોપરાંત અશોક ચક્રથી 2009માં સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

આ પાંચ બહાદુરો ઉપરાંત હવલદાર ગજેન્દ્ર સિંહ, નાગપ્પા આર મહાલે, કિશોર કે શિંદે, સંજય ગોવિલકર, સુનિલકુમાર યાદવ, સહિત અનેકે બહાદુરીની મિસાલ રજુ કરી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link