આઈસીસીના ત્રણેય ખિતાબો જીતનાર ભારતના ચાર ખેલાડીઓ
એમએસ ધોનીની ગણના ભારત ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તે પહેલો એવો કેપ્ટન છે, જેણે આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતી છે.
2007માં એકદિવસીય વિશ્વકપમાં શરમજનક હાર બાદ ધોનીને પ્રથમવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ધોનીએ પ્રથમવખત રમાયેલા વર્લ્ડ ટી20માં ટીમની કમાન સંભાળી અને ટીમને વિજેતા બનાવી હતી.
ત્યારબાદ ધોનીએ વિશ્વકપ 2011માં પણ ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. એશિયામાં રમાયેલા આ વિશ્વકપમાં ભારતીય ટીમ જીતની પ્રબળ દાવેદાર હતી. ફાઇનલમાં ધોનીએ ગંભીરની સાથે મળીને ભારતને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીની વિજયી સિક્સ હજુપણ દર્શકોના મગજમાં છે.
ત્યારબાદ ધોનીએ 2013માં ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારતે ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. આ સાથે ધોની આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો હતો.
યુવરાજ સિંહ ભારતીય ટીમના સૌથી મોટા મેચ વિજેતા ખેલાડીઓમાંથી એક છે. બેટ અને બોલની સાથે-સાથે તે શાનદાર ફિલ્ડર પણ હતો. યુવરાજે અનેક ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં યુવરાજને વધુ રમવાની તક ન મળી. તેને માત્ર બે મેચમાં બેટિંગ કરવાની તક મળી હતી. તેણે આફ્રિકા સામે 62 રન ફટકાર્યા અને એક વિકેટ પણ ઝડપી હતી.
ત્યારબાદ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા ટી20 વિશ્વકપમાં તેને ટીમનો વાઇસ કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ સામે યુવરાજે 6 બોલમાં છ સિક્સ ફટકારી હતી. આ ઈનિંગમાં તેણે 12 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જે આજે પણ એક રેકોર્ડ છે. ત્યારબાદ સેમી ફાઇનલમાં પણ તેણે 30 બોલમાં 70 રન ફટકાર્યા હતા. ત્યારબાદ 2011માં ભારતને 28 વર્ષ બાદ વિશ્વ વિજેતા બનાવવામાં યુવરાજનો મોટો ફાળો રહ્યો હતો. તેણે ટૂર્નામેન્ટની 9 મેચોમાં 362 રન બનાવ્યા અને 15 વિકેટ ઝડપી હતી. વિશ્વકપમાં તે ચાર વખત મેન ઓફ ધ મેચ અને ટૂર્નામેન્ટમાં તે મેન ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો.
વિરેન્દ્ર સહેવાગે પણ આઈસીસીની તમામ 3 ટૂર્નામેન્ટોનો સ્વાદ ચાખ્યો છે. સહેવાગ ચેમ્પિયન્સ ટ્રોફી 2002માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. તેણે ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરતા 5 મેચોમાં 271 રન બનાવ્યા હતા.
તેના પાંચ વર્ષ બાદ વીરૂએ બેટની સાથે શાનદાર પ્રદર્શન કરતા ભારતને પ્રથમવાર ટી20 વિશ્વ કપમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તે ઈજાગ્રસ્ત હોવાને કારણે ફાઇનલથી દૂર રહ્યો હતો.
નફઝગઢના નવાબે વિશ્વકપ 2011માં સચિન તેંડુલકરની સાથે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નિભાવી હતી. બાંગ્લાદેશ સામે વિશ્વકપના પ્રથમ મેચમાં તેણે 175 રન ફટકાર્યા હતા.
હરભજન સિંહ એક દાયકા કરતા વધુ સમય સુધી ભારતનો મુખ્ય સ્પિનર રહ્યો છે. તે 2007માં એમએસ ધોનીની આગેવાનીમાં ટી20 વિજેતા ટીમનો સભ્ય હતો, તો ત્યારબાદ 2011માં આઈસીસી વિશ્વકપમાં ભારતીય ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. આ સિવાય તે 2002માં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ હતો. સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારત આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા રહ્યું હતું.
ભજ્જીએ વર્ષ 2002માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચોમાં છ વિકેટ ઝડપી હતી.
તેના પાંચ વર્ષ બાદ ભજ્જીએ આફ્રિકામાં નવા કેપ્ટન ધોનીના નેતૃત્વમાં ભારતને પ્રથમ અને એકમાત્ર ટી20 વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેણે વિશ્વ કપ 2011મા 6 મેચોમાં સાત વિકેટ ઝડપી હતી.