Pics: મીઠી નિંદર માણી રહેલા પરિવારે ખાટલા નીચે જોયો મહાકાય મગર, ઉડી ગયા હોંશકોશ!!!
વિદ્યાનગરના સોજીત્રાના મલાતજ ગામમાં મધરાત્રે આ બનાવ બન્યો હતો. ગામમાં આવેલ તળાવથી 200 મીટરના અંતરે બાબુભાઈ પરમારનો પરિવાર રહે છે. આ પરિવાર રવિવારની મધ્ય રાત્રિએ સૂઈ રહ્યો હતો, ત્યારે બહાર અચાનક કૂતરા ભસવા લાગ્યા હતા.
બાબુભાઈની ઊંઘ કૂતરા ભસવાને કારણે ઊડી ગઈ હતી. પણ બન્યું એમ હતું કે, બાબુભાઈ જે ખાટલા પર મીઠી નિંદર માણી રહ્યા હતા તેની નીચે મહાકાય મગર હતો. જે જોઈને આખો પરિવાર ફફડી ઉઠ્યો હતો.
આ ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. અડધી રાત્રે પરિવારની મદદ માટે વનવિભાગ તથા દયા ફાઉન્ડેશનની ટીમ આવી પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે ખાટલા નીચેથી 8 ફૂટ લાંબો મહાકાય મગર પકડી પાડ્યો હતો. મગરને રેસ્ક્યુ કરીને ગામના તળાવમાં છોડી મૂકાયો હતો. આ ઘટના બાદ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાનગરના મલાતજ ગામમાં મગરોની વસ્તી વધી રહી છે. ગામના તળાવમાં 60થી મગર ડેરો નાખીને બેસ્યા છે. આ મગર અનેકવાર તળાવમાંથી બહાર આવી જાય છે. જોકે, ઘરમાં ઘૂસી ગયાના બનાવથી હવે ગામના લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે.