ગુજરાતમાં આવેલી છે 1947માં બનેલ એક એવી હોસ્પિટલ, જ્યાં દર્દીઓની નહીં પરંતુ જોવાય છે ડોક્ટરની રાહ
ઈડર તાલુકાનુ બડોલી ગામ કે જે 16000 ની વસ્તી ધરાવતુ મોટુ ગામ છે, પરંતુ આરોગ્યની સેવા માટે સુન્ય છે. 1947 માં અહીં ગામના બ્રાહ્મણ પરિવાર દ્વારા હોસ્પિટલ બનાવીને આપવામાં આવી હતી. જેના થકી આજુબાજુના 17 થી વધુ ગામ લોકોની આરોગ્યને લગતી તમામ તબીબી સારવાર પુરી પાડતી આ હોસ્પિટલ હતી.
65 વર્ષ પહેલા પણ અહીં તબીબી માટેના અધતન ઉપકરણો હતા અને બડોલી ગામ ઉપરાંત 17 ગામો આરોગ્યની સેવાઓ અહીંથી લેતા હતા. પરંતુ હાલ આ ખંડેર પરિસ્થિતિમાં પડેલ છે.
એ જમાનાનુ બાંધકામ પણ મજબુત અને ટીકાઉ હતુ એટલે અહિ હાલ પણ અડિખમ ઉભુ છે. માત્ર જરૂર છે તો અહિ સાફ સફાઈની.. સાથે ગામ લોકોની પણ એક જ માંગ છે કે અહિ ફરીથી આ હોસ્પિટલ ચાલુ થાય પરંતુ રજુઆતના પોટલાને જાણે કે ઉઘઈ ખાઈ ગઈ હોય તેમ કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી.
છેલ્લા 20 વર્ષથી આ હોસ્પિટલ ડોક્ટર વગર ખંડેર બની ગયુ છે અને અહીં કોઈ સાફ સફાઈ થતી નથી. ગામ લોકોનો આક્ષેપ પણ છે કે ડોક્ટરને અહીં પગાર મળે છે પણ ડોક્ટર અહીં મળતા નથી.
ઈડરથી 16 કિમીના અંતર વચ્ચે કોઈ જ સામુહિક આરોગ્ય કેન્દ્ર નથી. બડોલીથી ઈડર 8 થી 10 કીમી થાય છે અને રેવાસ પણ 8 થી 10 કિમી થાય છે, ત્યાજ આરોગ્ય લક્ષી સેવા મળી રહે છે. સ્ટેટ હાઈ-વે પરનુ બડોલી ગામ કે જ્યા વર્ષોથી સરકારી દવાખાનાની માંગ કરાઈ રહી છે. પરંતુ સંતોષાતી નથી. સ્થાનિક પંચાયતથી લઈ ગાંધીનગર સુધી અને સરપંચથી લઈને આરોગ્ય મંત્રી સુધી લેખિત અને મૌખિક રજુઆતો કરાઈ હતી. પરંતુ કોઈ જ નિવેડો આવ્યો નથી.
ગામ લોકોએ તબીબી સેવા મળી રહે તે માટે અહિ લોક ફાળાથી હોસ્પિટલ પણ બનાવી પણ અહિ કોઈ ડોક્ટર બેસવા પણ તૈયાર નથી. તો 6 મહિના એક ડોક્ટર બેસ્યા બાદ વીજબીલ ન ભરતા મીટર કપાઈ ગયુ અને ડોક્ટર પણ આ બાજુ ફરી ફરક્યા જ નહિ.
સ્થાનિકોએ મીટર પણ લગાવી દીધુ પણ ડોક્ટર તો અહિ આવ્યા જ નહિ અને આખરે એમ્બુલ્ન્સના ડ્રાઈવર અહિ આરામ માટે ક્યારેક ક્યારેક આવે છે. હવે તો અહિના ગામ લોકોની માંગ ઉગ્ર બની છે કે જે જગ્યાએ જુનુ દવાખાનુ હતુ. ત્યાં જ નવુ દવાખાનુ બને. જો એમ નહિ થાય તો ચુંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
અહીં સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયુ તેવી માહિતી ગામ લોકોને મળી છે, પરંતુ ગામ લોકો અહીં કામ થાય તો જ માને તેમ છે, કારણ કે ચૂંટણી વખતે તો વાયદા બધા જ થાય છે પરંતુ ચૂંટણી બાદ કંઈ થતુ નથી, એટલે જ તો આ વખતે હોસ્પિટલનું કામ શરૂ થાય ત્યારે જ ચૂંટણી યોજાશે નહિ તો બહિષ્કાર થાય તેમાં પણ નવાઈ નહિ.