`પંછી નદિયા પવન કે ઝૉકે કોઈ સરહદ ના ઇન હે રોકે`, ગુજરાતમાં અહીં છે પક્ષી-પ્રેમીઓ માટે એક અદભુત લ્હાવો
ભારત દેશમાં ખીજડીયા પક્ષી અભ્યારણને રામસર સાઈટ તરીકે પ્રવાસન સ્થળ જાહેર કરાયું છે અને ખીજડીયા ગામને બેસ્ટ વિલેજ તરીકેનો એવોર્ડ પણ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણ હાલ શિયાળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને પક્ષી અભ્યારણમાં દેશ વિદેશના પક્ષીઓ વિહરતા જોવા મળે છે જે પક્ષી પ્રેમીઓ માટે એક અદભુત લહાવો છે.
ખીજડીયા પક્ષી અભ્યારણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયાએ ઝી 24 કલાકને વિગતો આપતા જણાવ્યું હતું કે ગત 16 ઓક્ટોબરથી ખીજડીયા પક્ષી અભ્યારણને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને દિવાળી સહિતના સમયગાળા દરમિયાન છેલ્લા એક મહિનામાં 4,500 થી 5000 જેટલા પ્રવાસીઓએ ખીજડીયા પક્ષી અભયારણની મુલાકાત લઈ દેશ વિદેશના પક્ષીઓ નિહાળ્યા છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે પ્રવાસીઓ માટે તમામ સવલતો પૂરી પાડવામાં આવી છે. જેમાં પાર્કિંગ, પીવાનું પાણી અને જમવા માટેની વ્યવસ્થા તેમજ પ્રવાસીઓ અભ્યારણની અંદર પક્ષીઓને સારી રીતે નિહાળી શકે તે માટે પણ વોચ ટાવર સહિત અનેક સુવિધાઓ મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવી છે અને જેના કારણે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ પણ ખીજડીયા પક્ષી અભ્યારણની હાલ મોટી સંખ્યામાં મુલાકાત લઇ રહ્યા છે.
ખાસ કરીને પક્ષી પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભ્યારણએ ખૂબ મહત્વનું સ્થળ ગણાય છે કારણ કે અહીં પક્ષીઓને રહેવા, જમવા, પાણી પીવા અને વિહરવા સહિતની અનેક સુવિધાઓ એકસાથે મળતી હોવાથી શિયાળાની ઋતુ આસપાસના ત્રણથી ચાર મહિના સુધી દેશ-વિદેશથી હજારો લાખો કિલોમીટરનું અંતર કાપીને પક્ષીઓ જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણના મહેમાન બને છે. આ પક્ષીઓમાં પેલિકન, ગાજહંસ,રાજહંસ,તમામ પ્રકારના ડગ, પોચાડ, ક્રેન સહિતના દેશ વિદેશના અનેક પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણમાં જોવા મળે છે.
જ્યારે તાજેતરમાં જ જામનગર નજીક આવેલ ખીજડીયા પક્ષી અભ્યારણમાં પહેલીવાર અરબ દેશનું પક્ષી ઇજીપ્ત વલ્ચર પક્ષી જોવા મળ્યું છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય પાસે દેખાયું છે એ ખાસ પ્રકારનું સફેદ કામદાર ગીધ પક્ષી જેને ખીજડીયા પક્ષી અભ્યારણ્યના કર્મચારીઓના કેમેરામા ઇજીપ્ત વલ્ચર પક્ષી કેદ થયું છે.
આ પક્ષી ખાસ એશિયા, આફ્રિકા અને યુરોપ દેશમા જ જોવા મળે છે જે જામનગરમાં જોવા મળતા પક્ષી પ્રેમીઓમાં ભારે ખુશીનો માહોલ છે. દર વર્ષે હજારોની સંખ્યામા દેશ વિદેશના પક્ષીઓ જામનગરના મહેમાન બને છે. શિયાળાનો સમય જામનગરના ખીજડીયાનું પક્ષી અભ્યારણ્ય અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ બેસ્ટ છે....